World’s Biggest Hoarders of Gold: સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. સોનું એક કિંમતી ધાતુ છે. રાજાઓ અને સમ્રાટોનો સોના સાથેનો સંબંધ ફક્ત સંપત્તિનો જ નહોતો, પરંતુ તે શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક પણ હતું. તેના ખજાનામાં જેટલું વધુ સોનું હશે, તેનો દરજ્જો તેટલો ઊંચો હશે. સમય બદલાયો, રાજાશાહી ઇતિહાસ બની ગઈ, પણ સોનાનું મહત્વ હજુ પણ જળવાઈ રહ્યું છે.
આજના સમયમાં, તે માત્ર એક સંપત્તિ નથી પરંતુ મંદી, ફુગાવા અને અનિશ્ચિતતા દરમિયાન સૌથી વિશ્વસનીય આધાર બની ગયું છે. એટલા માટે સોનાને સંકટ સમયની સાંકળ કહેવાય છે. સોનું માત્ર સુંદરતાનો સ્ત્રોત જ નહીં, પણ એક મજબૂત રોકાણનો સ્ત્રોત પણ છે. નાના વ્યક્તિથી લઇ અબજોપતિ, રોકાણકારો અને દુનિયાભરની મધ્યસ્થ બેંકો પણ સોનું ખરીદે છે. સોનાની સૌથી મોટી તાકાત વિશ્વાસ અને સ્થિરતા છે, જે તેને દરેક યુગમાં જીવંત રાખે છે.
દુનિયામાં કોની પાસે સૌથી વધુ સોનું છે?
સોનાના કિંમતની વાત થાય ત્યારે દરેકના મનમાં આ પ્રશ્ન આવે તે સ્વાભાવિક છે કે દુનિયામાં સૌથી વધુ સોનું કોની પાસે છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા, ચાલો પહેલા જાણીએ કે દુનિયામાં કેટલું સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ઇતિહાસમાં અત્યાર સુધીમાં અંદાજે 2,16,265 ટન સોનાનું ખનન કરવામાં આવ્યું છે.
હવે સોનાના સંગ્રહ વિશે વાત કરીએ. જો સોનાની સંપત્તિનું કોઈ મોટું ઉદાહરણ હોય તો તે અમેરિકા છે. ડિસેમ્બર 2024 સુધીમાં, અમેરિકા પાસે 8,134 ટન સોનું હતું, ત્યારબાદ જર્મનીનો નંબર આવે છે. જ્યારે ચીન અને ભારત જેવા મોટા દેશો પાસે ખૂબ ઓછું સોનું છે – ચીન પાસે 2,280 ટન અને ભારત પાસે 876 ટન સોનાનો ભંડાર છે. પણ આ સરકારી ખજાનાનો આંકડો છે. હવે જો આપણે ખાનગી સોનાના ભંડાર વિશે વાત કરીએ, એટલે કે, સામાન્ય લોકો અને ખૂબ જ ધનિક લોકો પાસે રહેલા સોના વિશે, તો આંકડા વધુ રસપ્રદ બની જાય છે. દુનિયામાં ઘણા એવા નામ છે જેમની પાસે સૌથી વધુ ખાનગી સોનાનો ભંડાર છે. ચાલો હવે તેના વિશે જાણીયે.

Gold Price : સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. (Photo: @ekima_patrick)
ભારતીય ઘરોમાં સોનાનો ભંડાર
જ્યારે સોનાની માલિકીની વાત આવે છે, ત્યારે ભારતીય ઘરોમાં સૌથી વધુ સોનું હોવાનો અંદાજ છે. કેટલાક અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં લગભગ 24,000 ટન સોનું છે, જે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકો પાસે રહેલા સોનાના જથ્થા જેટલું છે.
તો ચીની પરિવારો પાસે લગભગ 20,000 ટન સોનું હોવાનો અંદાજ છે. આ મુજબ, ભારતીય પરિવારો પાસે સોનાનો વિશાળ ભંડાર છે, જે ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોની પાસે સૌથી વધુ સોનું છે?
અમુક મોટા નામોએ તેમના પોર્ટફોલિયોમાં સોનામાં જંગી રોકાણ કર્યું છે, જેમા જોન પોલસન, એરિક સ્પ્રોટ, જ્યોર્જ સોરોસ અને રે ડાલિયો જેવા પ્રખ્યાત રોકાણકારોનો સમાવેશ થાય છે. આ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા માટે સોનામાં રોકાણ કરે છે.
આ ઉપરાંત, સાઉદી શાહી પરિવાર પાસે પણ જંગી પ્રમાણમાં સોનું છે. “કાળું સોનું” તરીકે ઓળખાતા ક્રૂડ ઓઇલથી સાઉદી શાહી પરિવારને જબરદસ્ત સંપત્તિ બનાવવામાં મદદ મળી છે. આ કારણે, તેઓ વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંના એક છે અને તેમની પાસે સોનાનો વિશાળ ભંડાર છે. હાઉસ ઓફ સાઉદ જેમા લગભગ 15000 સભ્યો સામેલ છે, તેમની કૂલ સંપત્તિ 1.4 ટ્રિલિયન ડોલર છે, જેમાં સોનાના રોકાણનો પણ સમાવેશ થાય છે.
જ્યારે આપણે મોટા સોનાના માલિકો વિશે વાત કરીએ છીએ, ત્યારે બે નામ ચોક્કસપણે સામે આવે છે – જોન પોલસન અને એરિક સ્પ્રોટ.
અબજોપતિ હેજ ફંડ મેનેજર, જોન પોલસન, સોનાના સૌથી મોટા ખાનગી માલિકોમાંના એક છે. તેઓ સોનામાં જંગી રોકાણ કરવા માટે જાણીતા છે, ખાસ કરીને કારણ કે તેમનું માનવું છે કે ભવિષ્યમાં યુએસ ડોલર નબળો પડી શકે છે.

Gold Rate Record High Level: સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. (Photo: jwellery_store_73)





