લગ્નસરાની સીઝન ચાલી રહી ત્યારે જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે દિવાળી બાદ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ખાસ્સો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટી તેજી અને ડોલર રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે.
સોમવારે ચાંદીમાં 1000નો ઉછાળો
અમદાવાદ ઝવેરી બજારમાં સોમવારે ચાંદીની કિંમતમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આજે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 1000 રૂપિયા વધીને 61,500 રૂપિયા થઇ હતી જ્યારે ગત શનિવારે કિંમત 60,500 રૂપિયા હતી. અલબત્ત સોનાની કિંમત સોમવારે સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 54,000 રૂપિયા યથાવત રહી હતી.
દિવાળી બાદ સોનું 1400 મોંઘુ થયુ, જાણો ચાંદીમાં કેટલો ઉછાળો આવ્યો
દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. 22 નવેમ્બરના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 52,600 રૂપિયા હતી, જ્યારે આજે 14 નવેમ્બર, 2022ના રોજ તેની કિંમત વધીને 54,000 રૂપિયા થઇ છે. આમ છેલ્લા ત્રણ સપ્તાહમાં સોના બજારમાં સોનું 1400 રૂપિયા મોંઘુ થયુ છે. તેવી જ રીતે દિવાળી બાદ સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 22 ઓક્ટોબરના રોજ 1 કિગ્રા ચાંદીની કિંમત 58,500 રૂપિયા હતી.

દિલ્હીન ઝવેરી બજારમાં સોમવારે સોનાની કિંમત 255 રૂપિયા વધીને 52,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદી પણ 561 રૂપિયા મોંઘી થઇ હતી અને 1 કિગ્રાની કિંમત 62,440 રૂપિયા થઇ હતી.
જાણો, આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ કેવા રહેશે?
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, “ગયા સેશનમાં સોનાના ભાવમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. અમેરકાના ટોચના એક બેંકરે ચેતવણી આપી હતી કે ફેડરલ રિઝર્વ ફુગાવા સામેની લડાઈમાં હજી પણ નરમાઇ દેખાડશે નહીં, ત્યારબાદ યુએસ બોન્ડની યીલ્ડમાં વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલ 1,763 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી 21.69 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
તો એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ વિનય રાજાણીએ જણાવ્યું હતું કે, ” વૈશ્વિક બજારમાં સોમવારે સોનાના ભાવમાં અઢી મહિનાના ઉચ્ચ સ્તરેથી પીછેહટ જોવા મળી કારણ કે યુએસ ફેડરલ રિઝર્વના કેટલાક સભ્યોએ ફુગાવા સામે કડક પગલાંની કવાયત ચાલુ રહેવાના સંકેત આપ્યા છે.