દિવાળી નજીક આવતા જ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલર અને ચાંદી 20 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટી કુદાવી જતા ભારતમાં પણ બંને કિમતી ધાતુઓના ભાવ ઉછળ્યા હતા. જેમાં મંગળવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 1050 રૂપિયા વધી હતી. ચાંદી પ્રતિ 1 કિગ્રા દીઠ 3300 રૂપિયા મોંઘી થઇ છે.
સોનું 53,000ની નજીક, ચાંદી 61,000ની પાર
વૈશ્વિક બુલિયન બજારની તેજી પાછળ ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 1050 રૂપિયા વધીને 52950 રૂપિયા થઇ હતી, જે છેલ્લા એક મહિનાની ઉંચી સપાટી છે. તો ચાંદીમાં મંગળવારે 3300 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિગ્રા ચાંદીની કિંમત 61,000ની સપાટી કુદાવી 61,300 રૂપિયા થઇ છે, જે 29 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે આ દિવસે ચાંદીની કિંમત 61,000 રૂપિયા બોલાઇ હતી. નોંધનિય છે કે, ગત સોમવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 51,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 58,000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા હતી.
વૈશ્વિક ભાવમાં છ મહિનાનો સૌથી મોટો ઉછાળો
વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં આવેલા ઉછાળાને પગલે જ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓ મોંઘી થઇ છે. વૈશ્વિક બજારમાં મંગળવારે સોનાનો ભાવ 1700 ડોલરની મહત્વપૂર્ણ પ્રતિકાર સપાટી કુદાવી 1710 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી પણ વધીને 20.99 ડોલર પ્રતિ ટ્રોય ઔંસને સ્પર્શી હતી.

એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમરે જણાવ્યુ કે, માર્ચ બાદ કોમેક્સ ગોલ્ડમાં માર્ચ મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકન ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડાથી સોના-ચાંદીની કિંમતને મોટો સપોર્ટ મળ્યો છે.
સોના-ચાંદીમાં તેજી પાછળના કારણોઃ-
- યુએસ બોન્ડની યીલ્ડમાં ઘટાડો
- ડોલર ઇન્ડેક્સમાં ધોવાણ
- સોના અને ચાંદીની સેફ – હેવન અપીલ મજબૂત થવી
- વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ અંગે અમેરિકાને સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી
- ભારતમાં દિવાળી ટાણે સોના-ચાંદીની માંગ વધવાની અપેક્ષા
- મંદીની ચિંતાએ રોકાણકારોની સેફ-હેવન ગણાતા સોના-ચાંદી તરફ દોટ
ડોલર ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગ અને મંદીની દહેશતે સોના-ચાંદી વધ્યાઃ-ડોલર ઇન્ડેક્સમાં ઉંચા મથાળે નફાવસૂલી અને આર્થિક મંદીની દહેશતે સોના-ચાંદીના ભાવ વધ્યા છે એવું જણાવતા પૃથ્વી ફિનમાર્ટના કોમોડિટી ડિરેક્ટર મનોજ જૈને ઉમેર્યુ કે, બ્રિટનની સરકારે કરવેરામાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ પડતો મૂક્યો છે જેની અસરે ડોલર સામે સતત ઘટી રહેલા પાઉન્ડ અને યુરો કરન્સી મજબૂત થયા હતા. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે વ્યાજ વૃદ્ધિથી આર્થિક વિકાસદરને બ્રેક લાગશે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રે અમેરિકાની ફેડ રિઝર્વને વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ અંગે ચેતવણી આપી છે. જેથી ઉંચા મથાળે ડોલર ઇન્ડેક્સમાં નફા વસૂલી આવી અને યુએસ બોન્ડની યીલ્ડ પણ ઘટી હતી, તેનો ફાયદો સોના-ચાંદીને મળતા બંને કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારોના ટ્રેન્ડ અને ભારતમાં દિવાળીની ખરીદીને ધ્યાનમાં રાખતા હાલ સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળશે.એમસીએક્સ ખાતે સોનાનો વાયદો આગામી દિવસોમાં 51800 રૂપિયા અને ત્યારબાદ 52500 અને 52800 રૂપિયાની સપાટીને સ્પર્શી શકે છે. મંગળવારે એમસીએક્સ ગોલ્ડનો ઓક્ટોબર વાયદો 50,800 રૂપિયા અને ડિસેમ્બર વાયદો 51493 રૂપિયા હતા. તો ચાંદીનો એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો 61717 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો.





