Gold Silver Rate Today : સોનના ભાવ ફરી એકવાર નવી ઊંચી સપાટી પહોંચ્યા છે. દેશભરમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે પીળી કિંમતી ધાતુના ભાવ વધતા લોકોને સોનું ખરીદવા વધારે રૂપિયા ખર્ચવા પડશે. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ 2000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીને કુદાવી જતા ભારતીય બજારોમાં સોનાના ભાવે એક મહિનાથી પણ ઓછા સમયમાં ફરી નવી ઓલટાઈમ હાઇ સપાટી બનાવી છે. અમદાવાદમાં સોનાનો ભાવ પહેલીવાર 64000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. સોનાની તેજી પાછળ પાછળ ચાંદીની પણ ચમક વધી છે.
સોનું 64000ની ઐતિહાસિક ટોચે (Gold Price Record High AT Rs 64000)
દિવાળી પહેલાથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. 27 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 300 રૂપિયા વધ્યા હતા. આથી 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 64000 રૂપિયા થયો હતો, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાના 10 ગ્રામનો ભાવ 63800 રૂપિયા થયો હતો.

દિવાળી બાદ સોનું 2000 રૂપિયા મોંઘુ થયુ (Gold Price All Time High)
દિવાળી બાદથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. દિવાળીના દિવસે 12 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 62000 રૂપિયા હતો. તો 27 નવેમ્બર 2023ના રોજ સોનાના ભાવ વધીને 64000 રૂપિયા થયો છે. આમ બે સપ્તાહમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનું 2000 રૂપિયા મોંઘુ થયુ છે.
બે સપ્તાહમાં ચાંદી 4000 રૂપિયાનો ઉછાળો (Silver Price)
સોનાની પાછળ પાછળ ચાંદીમાં ચમકારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો દીઠ 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી ચોરસાનો ભાવ 75500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. તો ચાંદી રૂપુ એટલે કે ચાંદીના દાગીનાના ભાવ 75300 રૂપિયા થયો હતો. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 71500 રૂપિયા હતો. આમ છેલ્લા 15 દિવસમાં પ્રતિ કિગ્રા દીઠ ચાંદી 4000 રૂપિયા મોંઘી થઇ છે.
આ પણ વાંચો | વિક્રમ સંવત 2079માં રોકાણકારોને સોના કરતા ચાંદીમાં સવાયું રિટર્ન, નવા વર્ષે ગોલ્ડ – સિલ્વરના ભાવ ક્યાં પહોંચશે? જાણો
વૈશ્વિક બજારમાં સોના – ચાંદી 6 મહિનાની ટોચે
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ફરી 2000 ડોલરની સપાટીને કુદાવી, છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. યુએસ ડોલરની નબળાઈ, ફેડ રેટમાં વૃદ્ધિ અંગે અનિશ્ચિતતા તેમજ ઈઝરાયલ – હમાસ યુદ્ધની અસરથી કિંમતી ધાતુઓ સોનું-ચાંદીના ભાવમાં એકંદરે તેજીનો માહોલ છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું અડધ ટકો વધીને 2011 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું હતું, જે 16 પછીની સૌથી ઊંચી સપાટી છે. તેવી જ રીતે વૈશ્વિક હાજર ચાંદીનો ભાવ 1.4 ટકા ઉછળીને 24.65 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.





