Gold Silver Rate Today News : સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. સોના પાછળ ચાંદીના ભાવ પણ નોંધપાત્ર વધ્યા છે. નવરાત્રી દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે કિંમતી ધાતુની ખરીદી મુશ્કેલ બની છે. વૈશ્વિક બજારોમાં પણ સતત અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે.
સોનાના ભાવ ઐતિહાસિક ટોચે
સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આમ 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,10,000 રૂપિયા એટલે કે 1.10 લાખ રૂપિયા થયો છે. ગુરુવારે સોનાનો ભાવ 1,09,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ 500 રૂપિયા વધીને 1,09,700 રૂપિયા થયો છે. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 1,07,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ
શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હતા જ્યારે ચાંદી સસ્તી થઇ હતી. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 1.22 લાખ રૂપિયા થયો હતો, જે ગુરુવારે 1,25,000 રૂપિયાની ટોચે પહોંચ્યા હતા. રૂપુ ચાંદીનો ભાવ 1,21,800 રૂપિયા બોલાયો હતો.
વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા હતા. એમસીએક્સ સોનું 250 રૂપિયા વધી 1,06,663 રૂપિયા બોલાતું હતું. તો એમસીએક્સ ચાંદી વાયદો 500 રૂપિયા વધી 1,24,248 રૂપિયા ટ્રેડ કરી રહી હતી.
ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે
શુક્રવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટી 88.26 બંધ થયો છે, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે. ગુરુવારે રૂપિયો 88.15 બંધ થયો હતો. ટ્રમ્પ ટેરિફ, વિદેશી રોકાણકારોની વેચવાલીથી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.