આઇટી કર્મચારીઓ માટે વર્ષ 2023 મોટી મુશ્કેલીઓ લઇને આવ્યુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે, કારણ કે એક પછી એક દિગ્ગજ આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરવાની ઘોષણા કરી રહી છે. માઇક્રોસોફ્ટે જોબ-કટની ઘોષણા કર્યા એક બાદ હવે સુર્ચ એન્જિન ગુગલે (Google)એ 12,000 જેટલા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કે તેના 6 ટકા કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય લીધો છે અને આની જાણકારી કર્મચારીને ઇ-મેલ મારફતે કરાઇ છે.
ગુગલના 12,000 કર્મચારીઓ નોકરી ગુમાવશે
Googleની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક.એ જણાવ્યું હતું કે તે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરશે, જે તેના દુનિયાભરમાં આવેલા કુલ કાર્યબળના 6 ટકા કરતા વધારે છે, વર્ષો સુધી વૃદ્ધિ કરનાર અને સતત નવી ભરતી બાદ કંપની દ્વારા આ છટણી કરવામાં આવી રહી છે. આ છટણી વૈશ્વિક સ્તરે અને કંપનીના તમામ નોકરીઓ પરને અસર કરશે. કંપનીના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ શુક્રવારે એક ઈમેલમાં કર્મચારીઓને જણાવ્યું હતું કે, “તેઓ આ નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લઇ રહ્યા છે.”
આલ્ફાબેટના સીઈઓ (CEO) સુંદર પિચાઈએ આ સંબંધમાં જારી કરાયેલા સ્ટાફ મેમોમાં કહ્યું છે કે તેઓ આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લે છે. પિચાઈએ કહ્યું છે કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તેના કર્મચારીઓની સંખ્યામાં ઝડપથી વધારો કર્યો હતો, કારણ કે તે સમયે ભવિષ્ય વિશે કંપનીના અંદાજો હાલની વાસ્તવિકતાથી તદ્દન અલગ હતા. જો કે આ સાથે પિચાઈએ એવું પણ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે કંપનીનું ભવિષ્ય ઘણું સારું રહેશે. તેમના આત્મવિશ્વાસનું કારણ કંપનીની અદ્વિતીય પ્રોડક્ટ, મહત્વપૂર્ણ સેવાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં રોકાણ કરવાની વ્યૂહરચના છે.
કોને સૌથી વધુ અસર થશે
સુંદર પિચાઈ દ્વારા જારી કરાયેલા આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓ નોકરી ગુમાવી રહી છે, તેમને ઈમેલ દ્વારા પહેલાથી જ તેની જાણકારી આપવામાં આવી છે. આલ્ફાબેટમાં જે લોકોને બરતરફ કરવામાં આવશે તેમાં એન્જિનિયરિંગ અને પ્રોડક્ટથી લઈને કોર્પોરેટ ફંક્શન સુધીના દરેક વિભાગનો સમાવેશ થાય છે. છટણીના આ નિર્ણયથી કંપનીના દુનિયાભરના કર્મચારીઓને અસર થશે, પરંતુ અમેરિકન સ્ટાફને સૌથી પહેલા અસર થશે. અન્ય દેશોમાં, સ્થાનિક કાયદાઓ અને રોજગાર સંબંધિત પ્રક્રિયાઓને કારણે તેમાં વધુ સમય લાગશે.
મોંઘવારી અને મંદી વચ્ચે છટણીનો માર
મોંઘવારી અને મંદીના માર વચ્ચે કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓની હરોળમાં હવે ગુગલ પણ જોડાઇ ગઇ છે. આ અગાઉ ફેસબુક એટલે કે મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms Inc), ટ્વિટર ઇન્ક (Twitter Inc) અને એમેઝોન (Amazon.com) એ પણ કર્મચારીઓની છટણી કરી છે. હાલ ટેક કંપનીઓ જાહેરાતમાં મંદીનો સામનો કરી રહી છે.