ઓછી આવક ધરાવતા લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર કેટલીક વિશેષ યોજનાઓ ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નાના વેપારીઓ, નાના ખેડૂતો અને ઓછી આવક ધરાવતા લોકો માટે 3 વિશેષ પેન્શન યોજનાઓ ચલાવી રહી છે.
આ પેન્શન યોજનાઓ હેઠળ આ કેટેગરીમાં આવતા લોકો નજીવી રકમના યોગદાન બાદ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા અથવા વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે હકદાર બની શકે છે. નાના ખેડૂતો માટે પીએમ કિસાન માનધન, નાના વેપારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અને નાના વેપારીઓ માટે સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પીએમ શ્રમ યોગી માનધન યોજનાનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે કઈ સ્કીમ સૌથી વધારે લોકપ્રિય છે અને કોને સૌથી વધારે પ્રતિસાદ મળ્યો નથી?
પીએમ શ્રમ યોગી માનધન
પીએમ શ્રમ યોગી માનધન યોજના (PM Shram Yogi Maandhan) નાના કામદારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી અને તે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. 12 સપ્ટેમ્બર 2019ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 4,99,13,912 લોકો આ સરકારી પેન્શન યોજનામાં જોડાયા છે. આ યોજના સાથે જોડાયેલા લોકોમાં પુરૂષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે, જેમાં અત્યાર સુધીમાં 2213487 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે 26 વર્ષથી 35 વર્ષની વયના લોકોમાં વધુ લોકપ્રિય છે. હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ લોકો આ સરકારી પેન્શન યોજના સાથે જોડાયા છે.

આ પેન્શન યોજનામાં જોડાવા માટેની શરતો
પીએમ શ્રમયોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે, જેમાં દૈનિક વેતન મજૂરોથી લઈને નોકરિયાત વર્ગ, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન અને સફાઈ કામદારો અથવા આવા તમામ કામદારોને લાભ મળશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પેન્શન યોજના સાથે જોડાવવા માટે તેમની માસિક આવક 15,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
પીએમ કિસાન માનધન યોજના (Pradhan Mantri Kisan Maandhan Yojana) એ નાના અને સીમાંત ખેડૂતોને માસિક પેન્શન આપવા માટેની યોજના છે, જેમાં નાના અને સિંમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3 હજાર રૂપિયા એટલે કે 36 હજાર વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. સામાન્ય રીતે, 18 વર્ષથી 40 વર્ષની વયના કોઈપણ ખેડૂત તેમાં નોંધણી કરાવી શકે છે. સપ્ટેમ્બર 2019માં તેની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1925588 લોકો આ પેન્શન યોજનામાં જોડાયા છે. જેમાં પુરૂષોની સંખ્યા 1186744 છે જ્યારે મહિલાઓની સંખ્યા 722799 છે. આ યોજના 26 થી 35 વર્ષની વયના ખેડૂતોમાં વધુ લોકપ્રિય છે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો જ આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે.
વેપારીઓ અને સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના
મોદી સરકારે સપ્ટેમ્બર 2019માં જ દેશના નાના વેપારીઓને તેમની વૃદ્ધાવસ્થામાં માસિક પેન્શન આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પહેલા પ્રધાનમંત્રી લઘુ વ્યાપર માનધન યોજના હતું. જેને હવે નેશનલ પેન્શન સ્કીમ ફોર ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોઇડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર 51871 લોકો જ આ યોજનામાં જોડાયા છે. નાના વેપારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની આ એક પહેલ છે, આ પેન્શન સ્કીમમાં જોડાયેલા વેપારીઓને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
આ પણ વાંચોઃ જૂની પેન્શન યોજના શા માટે અર્થશાસ્ત્રની રીતે અને રાજકારણ માટે પણ ખરાબ છે
આ પેન્શન યોજનામાં કોણ જોડાઇ શકે
આ પેન્શન યોજનામાં જોડાનાર વ્યક્તિ નાના વેપારી અથવા દુકાન માલિક અથવા સ્વરોજગાર હોવો જોઈએ. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની વાર્ષિક આવક 1.5 કરોડ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જો તમે EPF/NPS/ESICના સભ્યો છો તો તમને આ પેન્શન યોજનાનો લાભ મળશે નહીં. PM-SYMના લાભાર્થીને પણ આ લાભ નહીં મળે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે આ પેન્શન યોજનામાં જોડાઈ શકતા નથી.