GST Exemption On Insurance Policy : જીએસટી કાઉન્સિલનો જીવન અને આરોગ્ય વીમા પર ટેક્સ હટાવવાનો નિર્ણય 22 સપ્ટેમ્બર અમલમાં આવ્યો છે. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અત્યાર સુધી 18 ટકા જીએસટી લાગતું હતું, જે હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આ પગલાની સીધી અસર લાખો વીમા ગ્રાહકો પર પડશે, કારણ કે હવે લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવી પહેલા કરતા સસ્તી થઇ છે.
પરંતુ પોલિસીધારકોના મનમાં એક સવાલ છે કે શું આ કર લાભ દરેકને મળશે? જવાબ ના છે. કેટલીક પોલિસીઓને હજી પણ આ જીએસટી છુટનો લાભ મળશે નહીં. ચાલો સમજીએ કે આવું કેમ છે…
કઇ ઇન્શ્યોરન્સ પોલિસી GST મુક્ત થઇ છે?
તમામ પર્સનલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીઓ અને તેમના રિન્યુઅલ પર હવે GST લાગશે નહીં. આમાં ટર્મ લાઇફ, ULIP, અથવા એન્ડોમેન્ટ પૉલિસીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી અને તેના રિન્યુઅલ પર ચૂકવેલા પ્રીમિયમને GST માંથી મુક્તિ આપવામાં આવી છે. આમાં ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો સમાવેશ થાય છે. જુલાઈ 2017 માં GST સિસ્ટમ લાગુ થયા બાદ જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસી પર 18 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવતો હતો.
હાલના વીમા ધારકોને લાભ ક્યારે મળશે?
જો તમારી પાસે પહેલાથી જ જીવન વીમા કે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી છે, તો જીએસટી માફીનો લાભ ફક્ત ભવિષ્યના ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગુ થશે. આનો અર્થ એ છે કે 18 ટકા જીએસટી છૂટ ફક્ત ત્યારે જ લાગુ થશે જો તમે 22 સપ્ટેમ્બર પછી તમારું આગામી પ્રીમિયમ ચૂકવશો. જો કે, જૂના અથવા અગાઉ ચૂકવેલા પ્રીમિયમ પર કોઈ લાભ મળશે નહીં.
શું વીમા પોલિસીની શરતો બદલાશે?
ના, જીએસટી નાબૂદ થવાથી તમારી વીમા પોલિસીના નિયમો, શરતો અથવા લાભોમાં કોઈ ફેરફાર થશે નહીં. ફરક માત્ર એટલો જ છે કે તમારી વીમા પોલિસીનું પ્રીમિયમ પહેલા કરતા ઓછું આવશે.
શું તમે અગાઉથી જ 3 વર્ષના જીએસટી સહિત પ્રીમિયમનું એડવાન્સ પેમેન્ટ કર્યું છે?
જો તમે 2 કે 3 વર્ષની ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ જીએસટી સાથે એડવાન્સ પેમેન્ટ કર્યું છે, તો તમારા માટે નિરાશાજનક સમાચાર છે. એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા FOQ અનુસાર, એડવાન્સ પ્રીમિયમ પર ચૂકવવામાં આવેલ જીએસટી પરત કરવામાં આવશે નહીં, એટલે કે જો તમે પહેલાથી જ 3 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવી દીધું છે અને તેના પર જીએસટી વસૂલવામાં આવ્યો છે, તો તમને રિફંડ મળશે નહીં.
જીવન વીમા પોલિસીધારકને શું ફાયદો થશે?
- 22 સપ્ટેમ્બરથી વીમા યોજનાનું નવું પ્રીમિયમ 18 ટકા સુધી ઘટી જશે.
- હાલના ગ્રાહકોને તેમના આગામી રિન્યુઅલ પ્રીમિયમ પર આ લાભ મળશે.
- જેમણે પહેલાથી જ એડવાન્સ પ્રીમિયમ ચૂકવી દીધું છે તેમને રિફંડ મળશે નહીં.
આ પણ વાંચો | સ્માર્ટ ટીવી સસ્તા થયા, ₹ 2500 થી 85000 સુધી મહાબચત, જુઓ નવા ભાવ
આ દરમિયાન, કેટલાક અહેવાલો સૂચવે છે કે વીમા કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ના નુકસાનની ભરપાઈ કરવા માટે વીમા પ્રીમિયમમાં વધારો કરી શકે છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં સૂચવવામાં આવ્યું છે કે વીમા કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટની ગેરહાજરીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તેમના દરમાં 5% સુધીનો વધારો કરવાનું વિચારી શકે છે.