scorecardresearch

ફ્લોટિંગ રેટવાળી હોમ લોનને ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવાનું વિચારો છો? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

Fixed vs Floating Rate Loan: સતત વધી રહેલા વ્યાજદરના કારણે શું તમે તમારી હોમ લોન (Home loan)ને ફ્લોટિંગ રેટ (Floating Rate)માંથી ફિક્સ્ડ રેટ (Fixed Rate)માં કન્વર્ટ કરવાનું વિચારી રહ્યા છો? આવું કરતા પહેલા તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે જાણી લો…

ફ્લોટિંગ રેટવાળી હોમ લોનને ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવાનું વિચારો છો? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

બેન્કો દ્વારા લોનના વ્યાજદર વધારવામાં આવતા તમામ લોન ધારકો પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને જેમણે મકાન – ફ્લેટ ખરીદવા માટે હોમલોન લીધી છે તેવા લોકો વધારે ચિંતા કરી રહ્યા છે કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમા સતત વધારો કરવામાં આવતા તેમના લોનના માસિક EMIમાં કમરતોડ વધારો થયો છે. આવી સમસ્યાથી બચવા માટે શું તમે તમારી હોમ લોનને ફ્લોટિંગ રેટ (Floating Rate)માંથી ફિક્સ્ડ રેટ (Fixed Rate)માં કન્વર્ટ કરવાનું વિચારી રહ્યા છો? જો તેને જવાબ ‘હા’ છે, તો આવું વિચારનાર તમે એકલા નથી. દેશમાં ફ્લોટિંગ રેટ પર હોમ લોન લેનાર કરોડો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ મામલે કોઇ નક્કર નિર્ણય લેતા પહેલા ફ્લોટિંગ રેટ અને ફિક્સ્ડ રેટ હોમ લોનની સરખામણી કરીને તેના ફાયદા-ગેરફાયદાઓને યોગ્ય રીતે સમજી લેવા જોઇએ.

વ્યાજદર વધવાના કારણો

દેશના મોટાભાગના હોમ લોનધારકો વધી રહેલા વ્યાજદરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે કારણ કે ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં વ્યાજદરમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. દેખીતી રીતે, તેની સીધી અસર લોનના માસિક ઇએમઆઇ પર પડી રહી છે. કારણ કે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેંકો અથવા ફાઇનાન્સ કંપનીઓ તેમની ફ્લોટિંગ રેટ આધારિત હોમ લોનના વ્યાજદરમાં વધારો કરે છે.

લોનને ફ્લોટિંગ રેટ માંથી ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવાનો યોગ્ય સમય ક્યો?

જો તમે વધતા વ્યાજદરોને કારણે તમારી ફ્લોટિંગ રેટ હોમ લોનને ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો થોભી જાવ. લોન અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે:-

  • તમામ બેંકો અથવા ફાઇનાન્સ કંપનીઓ ફિક્સ્ડ રેટ પર હોમ લોન ઓફર કરતી નથી.
  • જો બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ ફિક્સ્ડ રેટ પર હોમ લોન આપે છે, તો તે ફ્લોટિંગ રેટની સરખામણીએ ફિક્સ્ડ રેટવાળી લોન પર વધારે વ્યાજ વસૂલે છે. હાલના માહોલમાં ફિક્સ્ડ રેટવાળી હોમ લોનના વ્યાજદર 10 ટકાથી વધુ હોઈ શકે છે.
  • તમારી હોમ લોનને ફ્લોટિંગમાંથી ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવા માટે તમારે વધારાના ચાર્જ પણ ચૂકવવા પડી શકે છે.
  • મોટાભાગની ફિક્સ્ડ રેટ હોમ લોન પર પ્રી-પેમેન્ટ અને પ્રી-ક્લોઝર ચાર્જિસ પણ લાગુ પડે છે.
  • ફ્લોટિંગ રેટ હોમ લોન માટે સામાન્ય રીતે કોઈ પ્રી-પેમેન્ટ અથવા પ્રી-ક્લોઝર ચાર્જ ચૂકવવો પડતો નથી.
વ્યાજદરમાં વૃદ્ધિનું ચક્ર ક્યાં સુધી ચાલુ રહેશે?

ઉપરોક્ત તમામ પરિબળોને ધ્યાનમાં લેવા ઉપરાંત, તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે રિઝર્વ બેંક (RBI) કાં તો વ્યાજદરમાં વૃદ્ધિની ટોચ પર પહોંચી ગઈ છે અથવા ત્યાં પહોંચવાની તૈયારીમાં છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં રેપો રેટ વધારવાની ગતિ રોકાય તેવી શક્યતા છે. નવેમ્બરમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના 6 ટકાના લક્ષ્યાંકથી નીચે આવતા હવે વ્યાજદરમાં વૃદ્ધિ અટકે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ધિરાણનીતિની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધારો કરવાનું ટાળશે અથવા તો અત્યંત નજીવો વધારો કરી શકે છે.

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાથી વ્યાજ દરો પર શું અસર થશે?

ઓક્ટોબર મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP)માં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો રિઝર્વ બેન્ક આ બાબતને ધ્યાન લે તો પણ કદાચ વ્યાજદરમાં વધારો કરવાનુ ટાળી શકે છે. કારણ કે વ્યાજદરમાં વૃદ્ધિની ઔદ્યોગિક ઉત્પાદન અને વિકાસદર પર નકારાત્મક અસર થાય છે. એકંદરે, હાલ એવી સ્થિતિ સર્જાઇ છે કે, આગામી કેટલાક મહિના સુધી વ્યાજદર સ્થિર થવાની સંભાવના છે. એવું પણ બની શકે છે કે આગામી એક કે બે વર્ષ દરમિયાન વિકાસદરની વૃદ્ધિની ચિંતાને પગલે વ્યાજદરમાં થોડોક ઘટાડો થઇ શકે છે.

આ પણ વાંચોઃ હોમ લોન મેળવતી વખતે લીગલ વેરિફિકેશન શા માટે જરૂરી છે? જાણો તેના મહત્વ અને ફાયદાઓ

જો આવું થાય, તો તમારી ફ્લોટિંગ રેટવાળી હોમ લોનને હાલના વ્યાજ દરોના આધારે ફિક્સ્ડ રેટમાં કન્વર્ટ કરવી એ યોગ્ય પગલું નથી, કારણ કે આમ કરવાથી તમારા વ્યાજદરમાં તરત જ વધારો થશે.

Web Title: Home loan interest rate rises floating rate or fixed rate loan which is the best personal finance tips