મોંઘવારીના સમયમાં હાલ મકાન ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. કોરોના મહામારી બાદ મકાન- ઓફિસની કિંમતો નોંધપાત્ર વધી ગઇ છે. જો ચાલુ કેલેન્ડર વર્ષ 2022ની વાત કરીયે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનાના સમયગાળામાં ભારતના મુખ્ય આઠ શહેરોમાં મકાનોની કિંમત સરેરાશ પાંચ ટકા વધી ગઇ છે.
મકાનોની કિંમત સરેરાશ 5% વધી
પ્રોપર્ટી બ્રોકરેજ કંપની PropTiger.comના એક રિપોર્ટ અનુસાર ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં દેશના મુખ્ય આઠ શહેરોના રિયલ્ટી માર્કેટમાં મકાન-ફ્લેટની સરેરાશ કિંમત વધીને પ્રતિ ચોરસ ફૂટ રૂ. 6,600-6,800 થઇ છે, જ્યારે 2021ના ડિસેમ્બર ક્વાર્ટરના અંતે તે રૂ. 6,300-6,500 પ્રતિ ચોરસ ફૂટ હતી. આમ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં મકાનોની કિંમતમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે.

કિંમતો શા માટે વધી?
મકાન-ફ્લેટની કિંમતો વધવા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. ઇંટ, રેતી, સિમેન્ટ, લોખંડ સહિતના રો-મટિરિયલની કિંમત વધવાને કારણે બાંધકામનો કુલ ખર્ચ વધી ગયો છે, તો બીજી બાજુ મજૂરોની મજૂરી પણ વધી ગઇ છે જેના કારણે મકાનના બાંધકામ ખર્ચ વધી ગયો છે. ઉપરાંત બેન્કો તરફથી મળતી લોનના વ્યાજદરમાં પણ વધારો થયો છે. આ તમામ પરિબળોના કારણે મકાન ખરીદવું વધારે મોંઘુ થઇ ગયુ છે.
ક્યા શહેરમાં મકાનની કેટલી કિંમત વધી?
- આ રિપોર્ટ અનુસાર ગુજરાતના અમદાવાદ શહેરમાં મકાન-ફ્લેટની કિંમત સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં 5 ટકા વધીને રૂ. 3,600-3,800 પ્રતિ ચોરસ ફૂટ થઇ છે, જે કેલેન્ડર વર્ષ 2021ના અંતે રૂ. 3,400-3,600 પ્રતિ ચોરસ ફૂટ હતી.
- બેંગલુરુમાં રહેણાંક મિલકતોની કિંમત રૂ. 5,500-5,700 પ્રતિ ચોરસ ફૂટથી છ ટકા વધીને રૂ. 5,900-6,100 થઈ છે.
- ચેન્નાઈમાં મકાનોની કિંમત બે ટકા વધીને રૂ. 5,500-5,700 પ્રતિ ચોરસ ફૂટ થઇ છે, જે ગત વર્ષે 5400થી 5600 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી.
- દિલ્હી-NCRમાં મકાનોની કિંમત પાંચ ટકા વધીને રૂ. 4,700-4,900 પ્રતિ ચોરસ ફૂટ થઇ છે, જે અગાઉ 4,400-4,600 રૂપિયા હતી.

- હૈદરાબાદમાં મકાનોના ભાવ 4 ટકા વધીને રૂ. 6,100-6,300 પ્રતિ ચોરસ ફૂટ અને કોલકાતામાં ત્રણ ટકા વધીને રૂ. 4,400-4,600 પ્રતિ ચોરસ ફૂટ થયા છે.
- મહારાષ્ટ્રના ટોચના બે રિયલ્ટી માર્કેટ મુંબઈ અને પૂણેમાં ડિસેમ્બર 2021ની સરખામણીએ કેલેન્ડર વર્ષ 2022માં ભાવ અનુક્રમે ત્રણ અને સાત ટકા વધીને રૂ. 9,900-10,100 અને રૂ. 5,500-5,700 પ્રતિ ચોરસ ફૂટ થયા છે.