હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 અબજોપતિમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. જો કે તાજેતરમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં કડાકા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ધોવામ થયું છે, પરિણામે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં તેમની પીછેહઠ થઇ છે.
અંબાણીની સંપત્તિ 20 ટકા ઘટી છતાં વિશ્વ ટોપ-10 ધનિકોમાં 9માં ક્રમે
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના આંકડા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વર્ષ 2023માં 21 અબજ ડોલર કે 21 ટકા ઘટીને 82 અબજ ડોલર થઇ છે. સંપત્તિમાં જંગી ધોવાણ છતાં વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં અંબાણી નવમા ક્રમે છે. આ સાથે મુકેશ અંબાણીએ સતત ત્રીજા વર્ષે સૌથી ધનાનિક એશિયન તરીકેનું બિરુંદ જાળવી રાખ્યું છે.
ગૌતમ અદાણીને દર સપ્તાહે 3000 કરોડ રૂપિયાનું નુકસાન
એક સમયે વિશ્વના નં-3 ધનવાન વ્યક્તિ બનેલા ગૌતમ અદાણી માટે કેલેન્ડર વર્ષ 2023 અત્યંત મુશ્કેલીભર્યુ રહ્યું છે. સંપત્તિમાં વાર્ષિક ધોરણે 35 ટકાના જંગી ઘટાડા સાથે ગૌતમ અદાણી બીજા સ્થાને સરકી ગયા છે.હુરુન રિચ લિસ્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ હાલ 53 અબજ ડોલર છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણીને છેલ્લા વર્ષમાં દર અઠવાડિયે 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉપરાંત છેલ્લા એક વર્ષમાં સૌથી વધારે સંપત્તિ ગુમાવનાર ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી નંબર-6 અને મુકેશ અંબાણી નંબર-7 પર છે.
ભારતના ટોપ-10 ધનિકોમાં માત્ર એક જ વ્યક્તિની સંપત્તિ વધી
હુરુન રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી 82 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના નંબર-1 ધનિક છે અને વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 9માં ક્રમે છે. ભારતના ટોપ-10 ધનિકોની યાદીમા 53 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી બીજા ક્રમે છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 35 ટકાનો ઘટાડો થયો છે. તો કોરોના વેક્સીન બનાવીને દુનિયાભરમાં પ્રસિદ્ધ થનાર સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક સાયસર પુનાવાલા 27 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. સૌથી ખાસ વાત એ છે કે, ભારતના ટોચના 10 ધનિકોમાં એક માત્ર સાયસર પુનાવાલાની જ સંપત્તિમાં વાર્ષિક ધોરણે 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. બાકીના 9 ભારતીય ધનિકોની સંપત્તિ છેલ્લ એક વર્ષમાં 6 ટકાથી 35 ટકા સુધી ઘટી છે.

વૈશ્વિક અબજોપતિની યાદીમાં ભારતીયનો દબદબો વધ્યો
છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વના ધનાઢ્યોની યાદીમાં ભારતીયનો દબદબો સતત વધી રહ્યો છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં ભારતની હિસ્સેદારી પાંચ વર્ષ પૂર્વે 4.9 ટકા હતી, જે હાલ વધીને 8 ટકા થઇ ગઇ છે. છેલ્લા વર્ષમાં 1 અબજ ડોલર કે તેથી વધારે કમાણી કરનાર અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ એ 1,000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ ધરાવતી ધનિકોની એક યાદી છે. તે છેલ્લા દાયકામાં હુરુન રિચ લિસ્ટમાં ભારતીય ધનાઢ્યોની યાદી 10 શહેરોના 100 અબજોપતિથી વિસ્તણ પામીને 76 શહેરોના 1,007 સૌથી ધનિક ભારતીયો સુધી પહોંચી ગઈ છે.





