scorecardresearch

ભારત કેવી રીતે બનશે ‘આત્મનિર્ભર’! આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા 87.3%ના રેકોર્ડ સ્તરે પહોંચી

India Crude oil imports : ભારતની વર્ષ 2022-23માં ક્રૂડ ઓઇલની આયાત 10 ટકા વધીને 23.24 કરોડ ટને પહોંચી ગઇ અને તેની પાછળ 158.3 અબજ ડોલરનો ખર્ચ કરાયો છે.

Crude oil
ભારત ક્રૂડ ઓઇલનો દુનિયામાં ત્રીજો સૌથી મોટો ગ્રાહક અને ટોચના આયાતકારોમાં એક છે

ભારતમાં ક્રૂડ ઓઇલની માંગ વધવાની સાથે સાથે તેની આયાતમાં જંગી વધારો થઇ રહ્યો છે. જેના પગલે ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા રેકોર્ડ 87.3 ટકાના સ્તરે પહોંચી ગઇ છે જે વર્ષ 2021-22માં 85.5 ટકા હતી. સરળ શબ્દોમાં કહીયે તો ભારતે વર્ષ 2022-23માં તેની ક્રૂડ ઓઇલની 87.3 ટકા જરૂરિયાત આયાત મારફતે સંતોષી છે. ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) દ્વારા જાહેર કરાયેલા આંકડામાં આ માહિતી બહાર આવી છે.

ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા વર્ષ 2020-21માં 84.4 ટકા, વર્ષ 2019-20માં 85 ટકા અને વર્ષ 2018-19માં 83.8 ટકા હતી.

આયાત નિર્ભરતાની ગણતરી પેટ્રોલિયમ પેદાશોના સ્થાનિક વપરાશ પર આધારિત છે અને તેમાં પેટ્રોલિયમ પેદાશોની નિકાસને બાકાત રાખવામાં આવી છે કારણ કે તે વોલ્યુમ ભારતની માંગને રજૂ કરતું નથી. વાર્ષિક 25 કરોડ મિલિયન ટનથી થોડીક વધુ રિફાઇનિંગ ક્ષમતા સાથે ભારત ક્રૂડ ઓઇલનો દુનિયામાં ત્રીજો સૌથી મોટો ગ્રાહક અને ટોચના આયાતકારોમાં એક છે, તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોનો ચોખ્ખો નિકાસકાર પણ છે.

વર્ષ 2022-23માં ભારતનો પેટ્રોલિયમ પેદાશોનો સ્થાનિક વપરાશ વાર્ષિક ધોરણે 10 ટકાથી વધુ વધીને રેકોર્ડ 22.23 કરોડ ટને પહોંચી ગયો છે, જે ખાસ કરીને વ્હિકલ ફ્યૂઅલ (પેટ્રોલ અને ડીઝલ)ની મજબૂત માંગને દર્શાવે છે. જો કે તે વર્ષ દરમિયાન સ્થાનિક ક્રૂડ ઓઈલનું ઉત્પાદન 1.7 ટકા ઘટીને 2.92 કરોડ ટન થયું છે. PPACના આંકડા અનુસાર વર્ષ 2022-23 દરમિયાન દેશમાં ક્રૂડ ઓઈલની આયાત વાર્ષિક ધોરણે 9.4 ટકા વધીને 23.24 કરોડ ટન નોંધાઇ છે. મૂલ્યની રીતે વિતેલ નાણાકીય વર્ષમાં 158.3 અબજ ડોલરની મૂલ્યના ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2021-22માં 120.7 અબજ ડોલરની મૂલ્યના ક્રૂડ ઓઇલની આયાત કરાઇ હતી.

વર્ષમાં 2022-23માં સ્થાનિક ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલિયમ પેદાશોનું કુલ ઉત્પાદન 2.82 કરોડ ટન હતું, જેનો અર્થ છે કે ક્રૂડ ઓઈલમાં ભારતની આત્મનિર્ભરતાની મર્યાદા માત્ર 12.7 ટકા હતી, જે 2021-22માં 14.5 ટકા હતી. 2021-22માં, દેશમાં ઉત્પન્ન કરાયેલા ક્રૂડ ઓઇલમાંથી પ્રાપ્ત પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ 2.93 કરોડ ટન હતો, જ્યારે કુલ સ્થાનિક વપરાશ 20.17 કરોડ ટન હતી.

 Crude oil
ભારતમાં ઇંધણનો વપરાશ વધતા ક્રૂડ ઓઇલની આયાતમાં સતત વધારો.

એક બાજુ સરકાર આયાતી ક્રૂડ ઓઇલ પર ભારતની વધતી નિર્ભરતા ઘટાડવા માંગે છે, ત્યારે પેટ્રોલિયમ પેદાશોની વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે ઓઇલનું ઉત્પાદન મંદ રહે તે સૌથી મોટો અવરોધ છે. મોંઘા ક્રૂડ ઓઇલની આયાતમાં કાપ મૂકવો એ પણ પરિવહન તેમજ ઉદ્યોગો માટે ઇલેક્ટ્રિક મોબિલિટી, બાયોફ્યુઅલ અને અન્ય વૈકલ્પિક ફ્યૂઅલ માટે સરકારના દબાણનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, સરકારે એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન કોન્ટ્રાક્ટને વધુ નફાકારક બનાવીને અને ઓઇલ અને ગેસના સંશોધન માટે વિશાળ એક્સપ્લોરેશન સેક્ટર ખુલ્લુ મુકીને સ્થાનિક ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના પ્રયાસો તીવ્ર કર્યા છે.

આયાતી ક્રૂડ ઓઇલ પરની ઉંચી નિર્ભરતા ભારતીય અર્થતંત્ર વૈશ્વિક તેલના ભાવની અસ્થિરતાના સંદર્ભમાં સંવેદનશીલ છે, ઉપરાંત દેશની વિદેશી વેપાર ખાધ, વિદેશી હૂંડિયામણ, રૂપિયાનો વિનિમય દર અને ફુગાવા ઉપર પણ અસર કરે છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

Web Title: India crude oil import reliance to record high of 87 3 percent in fy23

Best of Express