India Will Sift From Minimum Wage To Living Wage By 2025 : કેન્દ્ર સરકાર દેશમાં આગામી વર્ષથી લઘુત્તમ વેતન (મિનિમમ વેજ) ના બદલે લિવિંગ વેજ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે આ મામલે ઈન્ટરનેશલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) પાસેથી ટેકનિકલ મદદ માંગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લિવિંગ વેજનો અંદાજ નક્કી કરવા અને તે લાગુ કરવા માટે એક ફ્રેમવર્કની જરૂર પડશે. તમને જણાવી દઇયે કે, ચાલુ મહિને આઈએલઓ એ લિવિંગ વેજનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ અગાઉ લઘુત્તમ વેતનના સ્થાને લિવિંગ વેજ લાગુ કરવાના કરાર પર સહમતિ સધાઈ હતી.
આ સહમતિ ફેબ્રુઆરી બની હતી, જ્યારે વેજ પોલિસીઝ વિશે નિષ્ણાંતોની એક બેઠક યોજાઇ હતી. ILOની સમિતિએ 13 માર્ચે આ મુદ્દે સહમતિ આપી હતી. એક સીનિયર ઓફિસરે ઈકોનોમિક્સ ટાઈમ્સને જણાવ્યું કે, એક વર્ષની અંદર મિનિમમ વેજની સિસ્ટમ બદલાઇ જશે.
ભારતમાં કામકાજ કરનાર વસ્તી 50 કરોડ
ભારતમાં 50 કરોડથી વધુ કામકાજ કરનાર વસ્તી છે. તેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે. તેમાંથી ઘણા શ્રમિકોને દરરોજ 176 રૂપિયા કે તેનાથી વધુ મજૂરી મળે છે. આ રકમ એ બાબત પર આધાર રાખે છે કે વ્યક્તિ કયા રાજ્યમાં છે. 2017 થી લઘુત્તમ વેતનમાં કોઇ ફેરફાર કરાયો નથી. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ લઘુત્તમ વેતન લાગુ છે. ભારત વર્ષ 1922થી ILOના ગવર્નિંગ બોડીનું સભ્ય છે, તેમજ સંસ્થાનો સ્થાપક સભ્ય પણ છે.
મિનિમમ વેજ/ લઘુત્તમ વેતન શું છે?
મિનિમમ વેજ એટલે લઘુત્તમ વેતન છે, જે એક એમ્પ્લોયર કામના બદલામાં એમ્પ્લોય કે શ્રમિકને આપે છે. કામના બદલામાં એક ચોક્કસ રકમ શ્રમિકને આપવામાં આવે છે. તેમાં ઈન્ડિવિઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કે કલેક્ટિવ એગ્રીમેન્ટ મારફતે ફેરફાર કરી શકાતો નથી. મિનિમમ વેજનો હેતુ એ છે કે, કોઇ કામના બદલામાં વ્યક્તિને એક મર્યાદાથી ઓછું વેતન આપી શકાય નહીં. મિનિમમ વેજ અને લિવિંગ વેજની ગણતરી માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

ભારતમાં હાલ મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેતન નિમય લાગુ છે. જેમાં કામકાજના કલાકના આધારે મજૂરી/ વેતનની ગણતરી કરવામાં આવે છે. ભારતમાં અલગ – અલગ રાજ્યમાં અલગ અલગ લઘુત્તમ વેતન લાગુ છે. નિયમ અનુસાર કોઇ પણ શ્રમિક કે મજૂરને નિર્ધારિત લઘુત્તમ વેતનથી ઓછું વેતન ચૂકવી શકાય નહીં. મહરાષ્ટ્રમાં લઘુત્તમ વેતન પ્રતિ કલાક 62.87 રૂપિયા અને બિહારમાં 49.37 રૂપિયા છે. જ્યારે અમેરિકામાં આ રકમ 7.25 ડોલર (605.26 રૂપિયા) છે. ભારતમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકોને માંડ માંડ લઘુત્તમ વેતન મળે છે.
લિવિંગ વેજ શું છે?
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના મતે લિવિંગ વેજ કોઇ કામના બદલામાં ચૂકવાતું વેતન છે. જેમાં શ્રમિક અને તેના પરિવારની સારી જીવનશૈલીને રાખવામાં આવે છે. તે જે-તે દેશની સ્થિતિને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે. તેની ગણતરી કામકાજના કલાકના આધારે થાય છે. તેમાં ભોજન, કપડા અને રહેઠાંણ જેવી જરૂરિયાતોને પણ રાખવામાં આવે છે. સાથે જ બાળકોનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સુરક્ષા જેવી બાબતો પણ સામેલ હોય છે.
ઈટીના એક રિપોર્ટ મુજબ, વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ચાલુ મહિનાની શરૂઆતમાં ILO એ કામદાર માટે તેમની મૂળભૂત જરૂરિયાતોને પુરી કરવા માટે જરૂરી લઘુત્તમ આવકના બદલે લિવિંગ વેજનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં કોઇ વ્યક્તિ દ્વારા રહેઠાણ, ભોજન, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કપડાં જેવા મુખ્ય સામાજિક ખર્ચને સામેલ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ મૂળભૂત લઘુત્તમ વેતન કરતાં વધુ હશે.
લિવિંગ વેજ મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત, શ્રમિક અને તેમના પરિવાર માટે આર્થિક સદ્ધરતા અને સુરક્ષા આપે છે. તેમાં રહેઠાંણ, શિક્ષણ, ભોજન, આરોગ્યસંભાળ અને કપડાં જેવા સામાજિક ખર્ચનો સમાવેશ થાય છે.