India Russia Crude Oil Trade : અમેરિકા ક્યારેય નથી ઇચ્છતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે. ભારત પોતાની ઓઇલની જરૂરિયાતોને પહોંચી વળવા અમેરિકા તરફ ધ્યાન આપે તે માટે તે ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યો છે. આ વિવાદ ત્યારે પણ ઉભો થયો જ્યારે જો બાઈડેન રાષ્ટ્રપતિ હતા, ત્યારે પણ ધમકીઓનો દોર ચાલી રહ્યો હતો. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનમાં પણ આ જ બાબત જોવા મળી રહી છે. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારત રશિયા માંથી ક્રૂડ ઓઇલની આયાત કેમ કરે છે.
કારણ કે ભારત હજુ સુધી આ મામલે ઝૂક્યું નથી, તેથી અમેરિકા પણ સતત તેના નવી નવી વાતો બનાવી રહ્યું છે. આ કડીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર સ્ટીફન મિલરે ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે ભારત પર યુક્રેન સાથેના રશિયાના યુદ્ધ માટે નાણાં પૂરા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પના સલાહકારનું કહેવું છે કે ભારત સતત રશિયા માંથી તેલ આયાત કરી રહ્યું છે અને તેના કારણે રશિયાને મદદ મળી રહી છે. હવે આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ભારત રશિયામાંથી ખરેખર કેટલું ઓઇલ આયાત કરે છે તે જાણવું જરૂરી છે?
ભારત રશિયા માંથી કેટલું ક્રૂડ ઓઇલ આયાત કરે છે?
હવે તેનો સીધો જવાબ એ છે કે ભારત પહેલા રશિયા માંથી વધારે ઓઇલ આયાત કરતું ન હતું. તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મધ્ય પૂર્વના અન્ય દેશો હાજર હતા. ઘણા વર્ષોથી ભારત ઇરાક અને સાઉદી અરેબિયા દ્વારા તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાત સંતોષે છે. પરંતુ 2023માં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર વિશ્વમાં ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો, સૌથી મોટી ચિંતા ભારત સામે હતી – ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવશે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે જશે.
તે સમય સુધી ભારત રશિયા પાસેથી અત્યંત નહીવત્ત ઓઈલ ખરીદતું હતું, કુલ સપ્લાયના માત્ર 0.2 ટકા જથ્થો જ ત્યાંથી આવતો હતો. પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ પછી, ત્યાં એક મોટો ફેરફાર આવ્યો હતો અને હાલના સમય સુધીમાં ભારતનું 40 ટકા ઓઈલ રશિયાથી આવવાનું શરૂ થયું હતું. નીચે આપેલા કોષ્ટક પરથી એ સરળતાથી સમજી શકાય છે કે ભારત આ સમયે તેના ક્રૂડ ઓઈલના પુરવઠાને કેવી રીતે પહોંચી વળે છે અને તેમાં રશિયા કેટલી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.
| દેશ | 2021-22 | 2022-23 | 2023-24 | 2024-25 | 
|---|---|---|---|---|
| રશિયા | 2.10% | 19.10% | 33.40% | 35.10% | 
| ઇરાક | 24.50% | 20.70% | 20.70% | 19.10% | 
| સાઉદી અરબ | 18.30% | 17.90% | 15.60% | 14.00% | 
| UAE | 10.00% | 10.40% | 6.40% | 9.70% | 
| કુવૈત | 6.10% | 4.90% | 3.10% | 2.80% | 
| અમેરિકા | 8.90% | 6.30% | 3.60% | 4.60% | 
| મેક્સિકો | 3.00% | 1.80% | 1.30% | 1.10% | 
| કોલંબિયા | 1.60% | 1.00% | 1.40% | 1.30% | 
| મલેશિયા | 0.90% | 0.80% | 2.00% | 0.50% | 
| નાઇજીરિયા | 7.60% | 3.70% | 2.40% | 2.20% | 
| ઇરાન | 0.00% | 0.00% | 0.00% | 0.00% | 
| વેનેજુએલા | 0.00% | 0.00% | 0.60% | 1.00% | 
| અન્ય | 17.00% | 13.40% | 9.50% | 8.60% | 
ભારતની ઓઈલ આયાતમાં કયા દેશનો હિસ્સો કેટલો છે?
હવે ઉપરના કોષ્ટક પરથી સમજી શકાય છે કે 2021-22 સુધી ભારતે રશિયા કરતા ઘણું ઓછું તેલ આયાત કર્યું હતું, તે કુલ આયાતના માત્ર 2.10 ટકા હતું. આ પછી, 2022-23 માં આ આંકડો વધીને 19.10% થઈ ગયો અને પછી રશિયા-યુક્રેન યુદ્ધે તમામ સમીકરણો બદલી નાખ્યા અને આ આંકડો સીધો 33.40% પર પહોંચી ગયો. 2024-25ની વાત કરીએ તો ભારતે રશિયાથી 35.10 ટકા તેલ આયાત કર્યું છે.
એ જ રીતે ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશો પર નજર કરીએ તો ભારત એક સમયે ત્યાંથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું. ઉદાહરણ તરીકે, 2021-22માં ભારતની કુલ ઓઇલ આયાતમાં ઇરાકનો હિસ્સો 24.50% હતો, તે જ વર્ષે, સાઉદીએ પણ ભારતની 18.30% જરૂરિયાતો પૂરી કરી હતી. પરંતુ 2024-25માં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે, ઈરાકનો હિસ્સો ઘટીને માત્ર 19.10 ટકા થઈ ગયો છે, જ્યારે સાઉદી પણ ઘટીને 14.00 ટકા થઈ ગયો છે.
અમેરિકાને જે વાત સૌથી વધારે ખટકી રહી છે, તે છે ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ઓછી ખરીદી. એવું કહી શકાય કે ભારત આ મામલે અમેરિકા પર બિલકુલ નિર્ભર નથી. આંકડા પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે અને કહી શકાય છે કે આ કારણે જ અમેરિકા પણ ગુસ્સામાં છે. વર્ષ 2021-22માં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં અમેરિકાનો હિસ્સો 8.90 ટકા અને 2024-25 સુધીમાં 9.70 ટકા જ નોંધાયો છે. આમ અમેરિકાથી ક્રૂડ ઓઇલની સપ્લાયમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો નથી.
ભારતનું ઓઈલ બજાર કેટલું મોટું છે?
હકીકતમાં ભારત દર વર્ષે અન્ય દેશો માંથી 11 લાખ કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યું છે. ઓઈલની વપરાશની વાત કરવામાં આવે તો ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે આવે છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઇલની વિદેશમાંથી આયાત કરે છે, એટલે જ દરેક દેશ એવું ઇચ્છે છે કે ભારત તેની પાસેથી ઓઇલ ખરીદે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ 11 લાખ કરોડ રૂપિયા સંપૂર્ણ રીતે પોતાની તિજોરીમાં લઇ જવા માંગે છે, તેઓ ઈચ્છે છે કે ભારતની જે પણ ઓઈલની માંગ છે, તે માત્ર અમેરિકા દ્વારા જ પૂરી કરવામાં આવે.
શું ભારત અમેરિકા પાસેથી ઓઇલ ખરીદશે?
અમેરિકાથી તેલ આયાત કરવામાં પણ ભારતને મોટો પડકારનો સામનો કરવો પડશે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના કારણે જો ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં ભારતને કોઇ છૂટ કે રાહત નહીં આપે તો ભારતની વેપાર ખાધ વધશે અને આગામી સમયમાં જબરદસ્ત મોંઘવારી જોવા મળશે.





