ભારતના કોર્પોરેટ સેક્ટરમાં એક સોદો થયો છે. અગ્રણી એસેટ્સ મેનેજમેન્ટ કંપની ઇન્વેસ્કોએ ટેલિવિઝન કંપની ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇસ લિમિટેડમાં રહેલો પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચીને બહાર થઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઇન્વેસ્કોએ ZEE લિમિટેડમાં રહેલો પોતાનો સંપૂર્ણ 5.11 ટકા હિસ્સો 1004 કરોડમાં વેચી લીધો છે. આ શેરહોલ્ડિંગના વેચાણ સાથે ઇન્વેસ્કોએ ઝી કંપનીમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરી છે.
ઇન્વેસ્કો દ્વારા ZEE કંપનીના વેચવામાં આવેલા શેર સેગન્ટી ઈન્ડિયા મોરેશિયસ, મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર Pte અને Goldman Sachs Singapore Pte ODI એ ખરીદ્યા છે.
અમેરિકા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ઇન્વેસ્કોએ તેની ફર્મ OFI ગ્લોબલ ચાઇના ફંડ એલએલસી દ્વારા ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL)ના શેર વેચ્યા છે.
BSE પાસે ઉપલબ્ધ બલ્ક ડીલના આંકડા અનુસાર OFI ગ્લોબલ ચાઇના ફંડે 4.91 કરોડથી વધુ શેર વેચ્યા છે, જેનો કંપનીમાં 5.11 ટકા હિસ્સો છે.
ઇન્વેસ્કો એ ZEE લિમિટેડના શેર સરેરાશ 204.50 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ભાવે વેચ્યા છે, આ ધોરણે તેની ટ્રાન્ઝેક્શન વેલ્યુ 1,004.34 કરોડ જેટલી થાય છે. નોંધનીય છે કે, બીએસઇ પર આજે ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 2.11 ટકા ઘટીને 203.80 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
માર્ચ ક્વાર્ટર સુધીમાં OFI ગ્લોબલ ચાઇના ફંડ પાસે ZEE લિમિટેડ કંપનીમાં 4.91 કરોડથી વધુ ઇક્વિટી શેર હતા, જે મુંબઈ સ્થિત મીડિયા અને મનોરંજન કંપનીમાં 5.11 ટકા હિસ્સાની સમકક્ષ છે.