શેરબજારમાં કમાણી કરવાનો સૌથી સરળ રસ્તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (initial public offering) એટલે કે કોઇ પણ કંપનીના આઇપીઓમાં રોકાણ છે. શેરબજારના રોકાણકારોને આગામી સમયમાં કમાણી કરવાનો એક સારો મોકો મળશે. એક રિપોર્ટ અનુસાર હાલ 71 આઇપીઓ (upcoming ipo) પાઇપલાઇનમાં છે જે લગભગ એક લાખ કરોડ રૂપિયા ઉભા કરવા માટે મૂડીબજારમાં આવશે.
બજાર વિશ્લેષ્કોનું માનીયે તો હાલ શેરબજારમાં ચાલી રહેલી અસ્થિરતાને પગલે થોડોક ચિતાજનક માહોલ છે જો કે સંખ્યાબંધ આઇપીઓમાં રોકાણકારોને કમાણી કરવાનો મોકો મળી શકે છે.
71 કંપનીઓના IPO પાઇપલાઇનમાં
પાછલા વર્ષે શેરબજારમાં એવા ઘણા આઇપીઓ આવ્યા છે જેમાં રોકાણકારોને તગડું લિસ્ટિંગ ગેઇન મળ્યુ છે. લિસ્ટિંગ ગેઇન એટલે કોઇ પણ કંપનીના શેરનું સ્ટોક એક્સચેન્જ (stock exchange) ખાતે મળતું રિટર્ન. વિતેલ વર્ષે ઘણા આઇપીઓમાં રોકાણકારોને જંગી કમાણી થઇ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી કેટલીક કંપનીઓએ પણ રોકાણકારોને ખુશ કર્યા છે.
આગામી સમયમાં જે 71 કંપનીઓએ મૂડીબજારમાંથી નાણાં ઉભા કરવાની યોજના બનાવી છે તેમાં બીકાજી ફૂડ્સ, એમક્યોર ફાર્મા, મોબિક્વિક અને નવી ટેકનોલોજીસ જેવી કેટલી જાણીતી કંપનીઓ છે.
આ કંપનીઓને આઇપીઓ લાવવા સેબી તરફથી મંજૂરી મળી છે. તો 40 કંપનીઓએ સેબી પાસે આઇપીઓ લાવવા મંજૂરી માંગતી અરજી દાખલ કરી છે. આ 40 કંપનીઓ કુલ મળીને લગભગ 70 હજાર કરોડ રૂપિયા એક્ત્ર કરવાની યોજના બનાવી રહી છે. આઇપીઓ લાવવા ઉત્સુક આ કંપનીઓમાંથી અડધી કંપનીઓ ન્યુ એજ ટેક કંપનીઓ છે.
છ મહિનામાં IPOથી ભંડોળ એક્ત્રિકરણ 33 ટકા ઘટ્યું
વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને લીધે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પ્રાયમરી માર્કેટ (primary market)ની કામકાજ અત્યંત નબળી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2022 દરમિયાન 14 કંપનીઓએ આઇપીઓ મારફતે 35,456 કરોડ રૂપિયા જ એક્ત્ર કર્યા છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 25 કંપનીઓએ જાહેર ભરણું લાવીને મૂડીબજાર (capital market)માંથી લગભગ 51,979 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. આ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આઇપીઓ થકી 33 ટકા ઓછા નાણાં ઉભા કરવામાં આવ્યા છે.
કંપનીઓની ‘થોડો અને રાહ જૂઓની’ નીતિ
હાલ શેરબજારમાં ઘણી અસ્થિરતા છે અને આવી પરિસ્થિતિમાં કંપનીઓ આઇપીઓ લાવવામાં સાવધાની રાખશે. આઇપીઓની પાઇપલાઇન ભલે લાંબી હોય પરંતુ કંપનીઓ ત્યારે જ બજારમાં ઉતરશે જ્યારે બજારમા તેજીનો માહોલ અને રોકાણકારોનું માનસિકતા પણ મજબૂત હોય. છેલ્લા એક દાયકામાં ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાઇ છે જ્યારે પાઇપલાઇનમાં રહેલા આઇપીઓની યાદી બહુ લાંબી હોય પરંતુ નબળા સેન્ટિમેન્ટના પગલે કંપનીઓએ ઇશ્યૂ લાવવાની યોજનના મૌકૂફ રાખી છે.





