ITR Filing: ઓછો ટેક્સ ચૂકવવા કર કપાત અને કર મુક્તિ કલમનો ફાયદો ઉઠાવો, આઈટીઆર ફાઇલ કરતા પહેલા બંનેનો અર્થ અને તફાવત જાણો

Income Tax Saving Tips: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કર કપાત અને કર મુક્તિ શબ્દ સાંભળતા હશો. પરંતુ શું તમને બંનેનો અર્થ અને તફાવત ખરબ છે? અહીં જાણો વિગતવાર

Written by Ajay Saroya
June 19, 2024 17:02 IST
ITR Filing: ઓછો ટેક્સ ચૂકવવા કર કપાત અને કર મુક્તિ કલમનો ફાયદો ઉઠાવો, આઈટીઆર ફાઇલ કરતા પહેલા બંનેનો અર્થ અને તફાવત જાણો
ITR Filing Tips: ઈન્કમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. (Photo - Freepik)

ITR Filing Tax Exemption and Deduction Difference: આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે અથવા ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી વખતે કર મુક્તિ અને કર કપાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે ટેક્સ એક્ઝમ્પશન ને કર મુક્તિ કહેવામાં આવે છે અને ટેક્સ ડિડક્શન ને કર કપાત કહેવામાં આવે છે. મોટાભાગના કરદાતાઓ જાણે છે કે આ બંને કર રાહત મેળવવા સાથે સંબંધિત છે. પરંતુ શું તમને બંને વચ્ચેના મૂળ તફાવત વિશે જાણકારી છે? આજે આપણે આ વિશે ચર્ચા કરીશું.

કર કપાત શું છે? (What Is Tax Deductions?)

કર કપાત એટલે રોકાણ અથવા ખર્ચ કે જે તમે તમારી કુલ આવકમાંથી બાદ કરી શકો છો. ટેક્સ ડિડક્શનના લાભનો દાવો કરવાથી તમારી કરપાત્ર આવકમાં ઘટાડો થાય છે. કર કપાતનો લાભ આવકવેરા અધિનિયમની ઘણી જુદી જુદી કલમ અને પેટા કલમ હેઠળ ઉપલબ્ધ છે, તેના ઉદાહરણો અને યાદી અહીં જોઈ શકો છો.

રોકાણ અને ખર્ચ પર કર કપાત : કલમ 80C

આવકવેરા કાયદાની આ કલમ (કલમ 80c) એ સૌથી મહત્વપૂર્ણ કર કપાત છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને જીવન વીમો જેવા ઘણા પ્રકારના રોકાણ કરવા પર ઉપલબ્ધ છે. આ કલમ હેઠળ, નાણાકીય વર્ષમાં રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર કપાતનો દાવો કરી શકાય છે.

હોમ લોનના વ્યાજ પર ટેક્સ ડિડક્શન : કલમ 24(b)

જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લીધી હોય, તો કલમ 24(b) હેઠળ તમે આ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર એક વર્ષમાં 2 લાખ રૂપિયા સુધી કર કપાતનો દાવો કરી શકો છો.

Income Tax acts | Income Tax rules | ITR filing | ITR filing 2024 | Income Tax Return Filing | taxpayers
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ટીપ્સ (Photo – Freepik)

મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ: સેક્શન 80D

તમે તમારા અને તમારા પરિવારના સભ્યો માટે હેલ્થ ઈન્સ્યોરન્સ અથવા મેડિકલ ઈન્સ્યોરન્સ માટે પ્રીમિયમ ચૂકવો છો તે રકમ પણ કલમ 80D હેઠળ કર કપાત માટે પાત્ર છે. નાણાકીય વર્ષ દરમિયાન આ કલમ હેઠળ દાવો કરી શકાય તેવી ટેક્સ ડિડક્શનની રકમ હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતા લોકોની ઉંમર અને કવરેજ પર આધારિત છે.

આવકવેરા કાયદાની કલમ જે હેઠળ કર કપાતના લાભ ઉપલબ્ધ છે

આવકવેરા કાયદાની કલમ – 80 ના ઘણા પેટા-વિભાગો છે, જે હેઠળ ઉપલબ્ધ કર કપાતની યાદી (Section 80 Deduction List) આ મુજબ છે.

  • કલમ 80C હેઠળ ઘણા પ્રકારના રોકાણો પર ટેક્સ બેનિફિટ ઉપલબ્ધ છે.
  • કલમ 80CCC હેઠળ વીમા પ્રીમિયમ પર કર લાભ ઉપલબ્ધ છે.
  • કલમ 80CCD હેઠળ પેન્શન યોગદાન પર કર લાભ ઉપલબ્ધ છે.
  • કલમ 80TTA હેઠળ, બચત ખાતા પરના વ્યાજ પર ટેક્સ બેનિફિટ ઉપલબ્ધ છે.
  • સેક્શન 80GG હેઠળ, મકાન ભાડા પર ટેક્સ લાભ એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ કંપની પાસેથી HRA મેળવતા નથી.
  • કલમ 80E હેઠળ એજ્યુકેશન લોનના વ્યાજ પર કર લાભ ઉપલબ્ધ છે.
  • કલમ 80EE હેઠળ, પ્રથમ વખત ઘર ખરીદનારને અમુક શરતોને આધીન હોમ લોનના વ્યાજ પર કર લાભો (કલમ 24b સિવાય) મળે છે.
  • કલમ 80D હેઠળ મેડિકલ ઈન્સ્યોરન્સ પર કર લાભ ઉપલબ્ધ છે.

કર મુક્તિ શું છે? (What Is Tax Exemptions?)

કરમુક્તિ એટલે આવક કે જે આવકવેરાના હેતુઓ માટે તમારી કરપાત્ર આવકમાં સમાવિષ્ટ નથી. તેનો અર્થ એ કે આ રકમ તમારી કરપાત્ર આવકમાંથી બાકાત રહે છે. એટલે કે, જ્યારે કર કપાતમાં કોઈપણ રોકાણ અથવા ખર્ચના આધારે ટેક્સ બેનિફિટનો દાવો કરવામાં આવેલી રકમ તમારી કરપાત્ર આવકમાંથી બાદ કરવામાં આવે છે, જ્યારે કરમુક્તિ હેઠળ આવતી આવક તમારી કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવતી નથી.

tax | income tax | itr filing | income tax return filing | taxpayer
કરદાતાએ દર વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવું પડે છે. (Photo – Freepik)

કર મુક્તિના ઉદાહરણો (Tax Exemptions)

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA):

જો તમારા સેલરી પેકેજમાં એમ્પ્લોયર તરફથી હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) નો સમાવેશ થાય છે, તો તમે સેક્શન 10(13A) હેઠળ તેના પર કરમુક્તિ મેળવી શકો છો. આ કરમુક્તિ એ રકમ પર મળશે, જે તમને મળતા HRA, ભાડાની વાસ્તવિક રકમ અને તમારા પગારની 10% રકમ – બંનેમાંથી જે ઓછી હશે.

લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA):

જો તમને રજાઓ દરમિયાન કુટુંબની મુસાફરી માટે તમારા એમ્પ્લોયર પાસેથી LTA એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ મળે છે, તો તમને કલમ 10(5) હેઠળ તેના પર કર મુક્તિ મળે છે.

લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG):

શેરબજાર ઇક્વિટી સ્ટોકમાં કરેલા રોકાણો પર નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા રૂ. 1 લાખ સુધીના લાંબા ગાળાના મૂડી લાભ પર કલમ ​​112A હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે. ઇક્વિટી ઉપરાંત, પ્રોપર્ટી અને અન્ય કેટલાક એસેટ ક્લાસમાંથી કેપિટલ ગેઇન્સ પણ સેક્શન 54, 54F, 54EC સહિત વિવિધ કલમો હેઠળ કેટલીક શરતોની પરિપૂર્ણતાને આધીન કર મુક્તિ છે.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo – Freepik)

સંબંધીઓ તરફથી ભેટ, ખેતી માંથી આવક:

ભારતમાં કૃષિ આવક એટલે કે ખેતી માંથી થતી આવક પર કોઈ આવકવેરો વસૂલવામાં આવતો નથી. જો તમારી આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે, તો તમારે તે આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત લગ્ન દરમિયાન મળેલી ભેટ અને પરિવારના સભ્યો તરફથી મળેલી ગીફ્ટ પણ કરપાત્ર આવકમાં સામેલ કરવામાં આવતી નથી.

આ પણ વાંચો | ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા સમજો ટેક્સ સ્લેબ, જુની કે નવી કર પ્રણાલી શેમાં આવકવેરો સૌથી ઓછો?

કરમુક્તિ અને કરકપાત બંને વડે ઘટાડી શકાય છે કર જવાબદારી

કરમુક્તિ અને કરકપાત બંને તમારી કર જવાબદારી ઘટાડે છે. તેથી, બંને વચ્ચે શું તફાવત છે તે સમજવું અગત્યનું છે. વ્યાપક રીતે કહીએ તો, તે સમજી શકાય છે કે કરમુક્તિ એ તમારી આવકનો તે ભાગ છે જે કરવેરાના દાયરામાં આવતી નથી. બીજી તરફ, કરકપાત એ ખર્ચ અથવા રોકાણ છે જે તમે તમારી કુલ કરપાત્ર આવકમાંથી બાદ કરી શકો છો અને કરમુક્તિનો દાવો કરી શકો છો. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આની સારી સમજ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ