Jio Financial Services BlackRock joint venture: ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ વધુ એક નવી કંપની બનાવી છે અને તેમાં અમેરિકાની કંપનીને ભાગીદાર બનાવી છે. આ નવી કંપની ભારતના એસેટસ મેનેજમેન્ટ સેક્ટરમાં કામગીરી કરશે. નોંધનિય છે કે, મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ ક્રૂડ ઓઇલથી લઇ ટેલિકોમ-ફાઇનાન્સ સેક્ટરમાં કાર્યરત છે. રિલાયન્સની આ નવી કંપની વિશે વિગતવાર જાણો
મુકેશ અંબાણીની નવી કંપની – જીઓ બ્લેકરોક (Jio BlackRock)
મુકેશ અંબાણીએ અમેરિકન ભાગીદારી સાથે મળીને એક નવી કંપની બનાવી છે. જીઓ ફાઇનાન્સિયલ સર્વિસ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફાઇનાન્સિયલ ફર્મ છે. જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસે બ્લેકરોક સાથે મળીને એક સંયુક્ત સાહસ બનાવ્યુ છે અને તેનું નામ જીઓ બ્લેકરોક રાખ્યુ છે. આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓનો હિસ્સો 50-50 ટકા છે. આ સંયુક્ત સાહસને બંને કંપનીઓના મજબૂત બ્રાન્ડનો ફાયદો મળશે.
બંની કંપનીઓ જીઓ બ્લેકરોકમાં 15-15 કરોડ ડોલરનું રોકાણ કરશે
જીઓ બ્લેકરોકને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને ટેકનોલોજીના મામલે બ્લેકરોકના નિષ્ણાંત અને અનુભવનો ફાયદો મળશે. તો જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ તરફથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક માર્કેટ નોલેજ પ્રાપ્ત થશે. આ જોઇન્ટ વેન્ચર ભારતીય બજારમાં ખાસ સ્કેલ અને સ્કોપની સાથે નવા ખેલાડીના રૂપમાં ઉભરી આવશે. જીઓ ફાઇનાન્સિયલ અને બ્લેકરોક શરૂઆતમાં આ નવા સંયુક્ત સાહસ જીઓ બ્લેકરોકમાં 15-15 કરોડ ડોલરનું રોકાણ કરશે.
અમેરિકન ફર્મ બ્લેકરોકની ભારતીય બજારમાં રિ-એન્ટ્રી
બ્લેકરોક ઇન્ક એ ન્યુયોર્ક સ્થિત અમેરિકાની મલ્ટિનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. રિસ્ક મેનેજમેન્ટ અને ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટિટ્યૂશન એસેટ મેનેજરના સ્વરૂપે બ્લેકરોકની સ્થાપના વર્ષ 1988માં થઇ હતી. 8.59 લાખ કરોડ ડોલરની એસેટ્સ અંડર મેનેજમેન્ટ સાથે બ્લેકરોક વિશ્વની સૌથી મોટી એસેટ્સ મેનેજમેન્ટ કંપની છે. વર્ષ 2018માં ભારતમાં કામગીરી બંધ કરનાર બ્લેકરોક 5 વર્ષ બાદ ફરી જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ સાથે ભાગીદારી કરીને ભારતીય બજારમાં રિ-એન્ટ્રી કરી રહી છે.
આ પણ વાંચો | મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2023માં કેટલી વધી? દુનિયાના અબજોપતિઓએ દરરોજ 14 અબજ ડોલરની કમાણી કરી
રિલાયન્સમાંથી જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ ડીમર્જ થઇ
તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસને ડીમર્જ કરવામાં આવી છે. આ ડીમર્જ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને 1:1ના રેશિયોમાં જીયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો શેર આપવામાં આવ્યો છે. જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા આંકવામાં આવ્યા બાદ કંપનીની વેલ્યૂએશન લગભગ 20 અબજ ડોલર જેટલી મનાય છે. મુકેશ અંબાણી આગામી ટૂંક સમયમાં જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવી શકે છે.





