Jio Financial Loan Against Securities: જિયો ફાઇનાન્સ લિમિટેડ (જેએફએલ)એ લોન અગેઇન્સ્ટ સિક્યોરિટીઝ (એલએએસ)ના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. ડિમેટ એકાઉન્ટમાં રાખવામાં આવેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડ જેવી સિક્યોરિટીઝને ગિરવે મૂકીને ગ્રાહકો લોન મેળવી શકે છે તે પણ તે વેચ્યા વગર. કંપનીનો દાવો છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ, સુરક્ષિત અને ઓટીપી આધારિત છે. જિયો ફાઇનાન્સ એપ દ્વારા માત્ર 10 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન લઇ શકાય છે. જિયો ફાઇનાન્સ લિમિટેડ (જેએફએલ) એ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની) શાખા છે.
કંપની તેને ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્શિયલ સર્વિસ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન ગણાવી રહી છે. તે ગ્રાહકોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ સામે લોન મેળવવી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. લોન માટેના વ્યાજ દર ગ્રાહકની પર્સનલ રિસ્ક પ્રોફાઇલ મુજબ રહેશે. કંપનીએ લોન વ્યાજદર નીચા રાખવાનો પ્રયાસ કર્યો છે, વ્યાજ દર 9.99% થી શરૂ થશે. આ લોન મહત્તમ ત્રણ વર્ષના સમયગાળા માટે હશે અને તેમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ લાગશે નહીં.
જિયો ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, કુસલ રોયે જણાવ્યું હતું કે, “લોન અગેઇન્સ્ટ સિક્યોરિટીઝનું લોન્ચિંગ અમારી વ્યાપક ડિજિટલ વ્યૂહરચનાનો એક ભાગ છે જેનો હેતુ ગ્રાહકોને નાણાકીય સેવાઓ સુધી પહોંચવાની રીતમાં પરિવર્તન લાવવાનો છે. નાણાકીય સેવાઓને વધુ સુલભ, ઝડપી અને ગ્રાહક-કેન્દ્રિત બનાવવાના અમારા મિશનમાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું છે.
જિયો ફાઇનાન્સ એપ દ્વારા લોન અગેઇન્સ્ટ સિક્યોરિટીઝથી હોમ લોન, પ્રોપર્ટી સામે લોન અને કોર્પોરેટ ફાઇનાન્સિંગ પણ કરી શકાય છે. આ ઉપરાંત જિયો ફાઇનાન્સ એપ્લિકેશન યુપીઆઇ પેમેન્ટ, મની ટ્રાન્સફર, સેવિંગ્સ એકાઉન્ટ્સ, ડિજિટલ ગોલ્ડ, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ટ્રેકિંગ વગેરે જેવી ફાઇનાન્શિયલ સેવાઓની વ્યાપક કેટેગરી પ્રદાન કરે છે.





