LIC Dividend Cheque ₹1,831 crore to FM Nirmala Sitharaman : ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનને ગુરુવારે 1831.09 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક એલઆઇસીના ચેરમેન સિદ્ધાર્થી મોહંતીએ નાણાં મંત્રીને સોંપ્યો છે. એલઆઇસીએ ટ્વિટ પર આ માહિતી આપી છે. આટલી જંગી રકમનો ચેક એલઆઇસીએ સરકારને કેમ આપ્યો છે ચાલો જાણીયે
એલઆઇસીએ નિર્મલા સીતારમનને 1831 કરોડનો ચેક આપ્યો
તમને જણાવી દઇયે ચે એલઆઇસી એ ભારત સરકારની માલિકીની વીમા કંપની છે અને તેમાં કેન્દ્ર સરકાર 96.50 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઇસી દર વર્ષે સરકારને ડિવિડન્ડની ચૂકવણી કરે છે. આ ધોરણે શેર દીઠ 3 રૂપિયા ડિવિડન્ડ લેખે એલઆઇસી એ સરકારને 1831 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યુ છે.
એલઆઇસી એ નાણાંકીય વર્ષ 2023 માટે 26 મેના રોજ ડિવિડન્ડની ઘોષણા કરી હતી અને તેની માટે રેકોર્ડ ડેટ 21 જુલાઇ, 2023 હતી.
એલઆઇસી સરકારને ડિવિડન્ડ પેટે કરોડો રૂપિયા ચૂકવે છે, જો કે આવું દર વર્ષે થાય તે જરૂરી નથી. જેમ કે નાણાંકીય વર્ષ 2021માં કંપનીએ સરકારને કોઇ ડિવિડન્ડ ચૂકવ્યુ ન હતુ. તત્કાલી નાણાં રાજ્ય મંત્રી ભગવત કરાડે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ રાજ્યસભામાં જાણકારી આપી હતી કે, નાણાંકીય વર્ષ 2021માં એલઆઇસી એ ડિવિડન્ડ આપવાના બદલે ફ્રી રિઝર્વનો ઉપયોગ પોતાનું પેડ-કેપિટલ વધારવા કર્યો હતો અને તે વધીને 6325 કરોડ રૂપિયા (ડિસેમ્બર 2021 સુધી) થયુ હતુ.
આની પહેલા નાણાં વર્ષ 2020માં એલઆઇસીએ સરકારને નાણાં વર્ષ 2019ના નફાના આધારે 2610.75 કરોડ રૂપિયાનો નફો ચૂકવ્યો હતો. પાછલા નાણાં વર્ષ 2023ની વાત કરીયે તો એલઆઇસી એ નાણાં વર્ષ 2021-22 માટે શેર દીઠ દોઢ રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યુ હતુ. જેની ઘોષણા વીમા કંપનીએ 31 મે, 2022ના રોજ કરી હતી અને રેકોર્ડ ડેટ 25 ઓગસ્ટ 2022 હતી અને સરકારને પાછલા વર્ષે 915 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવાયું હતુ.
LIC 67 વર્ષની થઇ
તમને જણાવી દઇયે કે,એલઆઇસી ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. એલઆઇસી 67 વર્ષ જુની વીમા કંપની છે, તેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ થઇ હતી, તે સમયે તેની મૂડી 5 કરોડ રૂપિયા હતી. કંપનીની એસેટ્સ બેઝ વધીને 31 માર્ચ 2023 સુધીમાં 45.50 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે. તેનું લાઇફ ફંડ 40.81 લાખ કરોડ રૂપિયા છે.
એલઆઇસીના શેરમાં રોકાણકારોને નુકસાન
સરકારી વીમા કંપની એલઆઇસીના આઇપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયો છે. એલઆઇસીના લિસ્ટિંગ બાદ શેર ભાવ તેના આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસથી નીચે રહ્યો છે. એલઆઇસી મે-2022માં ઇક્વિટી શેર દીઠ 902 થી 949 રૂપિયાના ભાવે 21000 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ લાવી હતી, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ છે. 15 સપ્ટેમ્બર, 2023ના રોજ એલઆઇસીના શેરનો ભાવ બીએસઇ 666 રૂપિયા હતા. આમ હજી પણ રોકાણકારોને એલઆઇસીના શેરમાં 29 ટકા નુકસાન છે.





