LIC stake in Jio Financial Services shareholding pattern : જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (JFSL)નું શેર બજારમાં નિરાશાજનક લિસ્ટિંગ થયુ છે અને શેર લિસ્ટિંગ બાદ સતત બીજા દિવસે શેરમાં સેલર સર્કિટ લાગી હતી. અલબત્ત મુકેશ અંબાણીની માલિકીની આ ફાઇનાન્સિયલ કંપનીમાં ભારતની સૌથી મોટી વીમા કંપની અને સંસ્થાકીય રોકાણકાર લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)એ પોતાનું શેરહોલ્ડિંગ હોવાનો ખુલાસો કર્યો છે. એલઆઇસી ઉપરાંત જિયો ફાઇનાન્સનો અમુક હિસ્સો વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસે પણ છે.
જિયો ફાઇનાન્સ લિસ્ટિંગ બાદ સતત બીજા શેર ડાઉન, શેરમાં સેલર સર્કિટ
જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના લિસ્ટિંગથી રિટેલ રોકાણકારોને નિરાશા મળી રહી છે. જેએફએસએલના શેરમાં લિસ્ટિંગ બાદ સતત બીજા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટમાં 239.20 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જિયો ફાઇનાન્સિયલનો શેર પૂર્વ નિર્ધારિત ભાવ 261.85 રૂપિયાની સામે સોમવારે લિસ્ટિંગના દિવસે 265 રૂપિયા ખૂલીને ઉપરમાં 278 રૂપિયા થઇ સેશનના અંતે શેર 5 ટકાની નીચલી સર્કિટમાં 251.75 રૂપિયાના ભાવે બંધ થયો હતો.

આમ કંપની દ્વારા પૂર્વ નિર્ધારિત શેર દીઠ ભાવ 261.85થી અત્યાર સુધીમાં જિયો ફાઇનાન્સનો શેર 22.65 રૂપિયા રૂપિયા સુધી ઘટી ગયો છે. ટકાવારીની રીતે બે દિવસમા જિયો ફાઇનાન્સનો શેર 8.64 ટકા તૂટ્યો છે. કંપની માર્કેટકેપ સોમવારના 1,59,943 કરોડ રૂપિયાની સામે મંગળવારે 7,973 કરોડ રૂપિયા ઘટીને 1,51,970 કરોડ થઇ હતી.
જિયો ફાઇનાન્સિયલમાં એલઆઇસીનો 6.6 ટકા હિસ્સો
જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસમાં ભારતની સૌથી મોટી લિસ્ટેડ સરકારી વીમા કંપની એલઆઇસી પર મોટો હિસ્સો ધરાવે છે. જિયો ફાઇનાન્સિયલના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ એલઆઇસી આ ફાઇનાન્સ કંપનીમાં 6.66 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઇસીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યુ છે કે, તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસમાં ડિમર્જર પ્રોસેસ મારફતે 6.66 ટકા હિસ્સો મળ્યો છે.
આ પણ વાંચો | જિયો ફાઇનાન્સ શેર એક જ દિવસે ખરીદીને વેચી શકાશે નહી, જાણો કેમ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને LICના શેરમાં સુધારો
મંગળવારે જિયો ફાઇનાન્સિયલની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર નજીવા સુધારે 2519 રૂપિયા બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 17,04,259 કરોડ રૂપિયા હતી. તો ફ્લેટ માર્કેટમાં બીએસઇ પર એલઆઇસીનો શેર 1.8 ટકા વધીને 663.8 રૂપિયા બંધ થતા કંપનીની માર્કેટકેપ 4,19,853 કરોડ રૂપિયા થઇ હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ અગાઉના 65,216 બંધ સામે મંગળવારે 65,272 ખુલીને અત્યંત વોલેટાઇલ ટ્રેન્ડમાં 65,362ની ઇન્ટ્રા-ડે હાઇ અને 65,165ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી માત્ર 4 પોઇન્ટ વધીને 65220 રૂપિયા બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 50 બેન્ચમાર્ક પણ માત્ર 3 પોઇન્ટ વધીને 19,396 બંધ થયો હતો.





