અત્યાર સુધી આપણે મોબાઇલ, ટીવી કે ફ્રિજ જેવી ચીજ વસ્તુઓને EMI પર ખરીદવાની સ્કીમ વિશે સાંભળ્યુ હતું પરંતુ હવે કેરીને પણ EMI પર ખરીદી શકાય છે. જી હાં, તમે એકદમ સાચું વાંચી રહ્યા છે, મહારાષ્ટ્રના પુનાના એક વેપારીએ સામાન્ય માણસો પણ ફળોના રાજા કેરીની મોંઘી અને સ્વાદિષ્ટ વેરાયટીનો સ્વાદ માણી શકે તેની માટે એક EMI પર કેરી વેચવાની સ્કીમ શરૂ કરી છે. ચાલો જાણીયે વિગતવાર
ફળોના રાજા ‘કેરી’ની સિઝન શરૂ
કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે અને ગુજરાતની કેસરી કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં વિવિધ જાતોની કેરી પાકે છે અને તેમાં અમુક કેરીની કિંમત સાંભળીને જ આપણા કાન ઉંચા થઇ જાય છે. આટલી મોંઘી કેરી આમ આદમી ખરીદી શકે તેની માટે વેપારીએ EMI પર કેરી વેચવાની સ્કીમ શરૂ કરી છે. એટલે કે ગ્રાહક મોંઘી કેરીને ખરીદીનો તેનો સ્વાદ માણી શકશે અને EMI પર તેની ચૂકવણી કરવાની સુવિધા મળશે.
પુનાના વેપારીએ શરૂ કરી Mangoes on EMI સ્કીમ
પુનાના એક વેપારીએ કેરીને EMI પર વેચવાની સ્કીમ શરૂ કરી છે અને તેનું નામ ગૌરવ સનસ. તે પુનાના ગુરુકૃપા ટ્રેડર્સ એન્ડ ફૂટ પ્રોડક્ટ્સ નામની કંપનીના માલિક છે. કોરોના પછી કેરીની સૌથી સ્વાદિષ્ટ વેરાયટી આલ્ફાન્સો મેંગો વેરાયટીની કિંમતમાં તીવ્ર વધારો થતા તે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય ગ્રાહકો તો ખરીદતા પહેલા બે વાર વિચારે છે. આથી ગૌરવ સનસે સામાન્ય ગ્રાહકો પણ આલ્ફાન્સો કેરીનો સ્વાદ આર્થિક ચિંતા વગર માણી શકે તેની માટે EMI પર કેરી વેચવાલીની સ્કીમ શરૂ કરી છે.
આલ્ફોન્સો કેરીના એક બોક્સની કિંમત 4000 રૂપિયા
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં દેવગઢ અને રત્નાગીરીની આલ્ફાન્સો અથવા ‘હાપુસ’ કેરીને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હાલમાં તે રિટેલ બજારમાં 800 થી 1300 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાય છે.

ગૌરવ સનસનું માનવુ છે કે, જો રેફ્રિજરેટર અને એર કંડિશનર હપ્તા પર ખરીદી શકાતા હોય તો કેરી કેમ નહીં. તેમણે
દાવો કર્યો કે તેમની દુકાન ઇએમઆઇ પર કેરીનું વેચાણ કરનાર દેશની પહેલી દુકાન છે. સિઝનની શરૂઆતમાં કેરીના ભાવ હંમેશા ખૂબ ઊંચા હોય છે.
EMI પર કેવી રીતે પેમેન્ટ કરવાનું
તેમણે કહ્યું કે, તેમની દુકાન પર હપ્તેથી કેરી ખરીદવાની રીતે હપ્તે મોબાઈલ ફોન ખરીદવા જેવી છે. આલ્ફાન્સો કેરી ખરીદવા માટે ગ્રાહકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને તેની કુલ ખરીદી કિંમતની 3, 6 કે 12 મહિનાના સરળ EMIમાં ચૂકવણી કરવાની રહેશે. વેપારીએ કહ્યુ કે, EMI પર કેરી ખરીદવાની સ્કીમ ઓછામાં ઓછા 5000 રૂપિયાની ખરીદી પરથી ઉપલબ્ધ છે.