Nirmala Sitharaman Budget 2024 Date And Time : મોદી 3.0 કેબિનેટમાં નિર્મલા સીતારમનને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેમણે સતત ત્રીજી વખત ભારતના નાણાં મંત્રીના શપથ લઇ રેકોર્ડ બનાવ્યો છે. આગામી દિવસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમન મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણ વાર્ષિક બજેટ 2024 -25 રજૂ કરશે. આ સાથે તેઓ એક કે બે નહીં એક સાથે 3 -3 રેકોર્ડ પોતાના નામે કરશે.
નિર્મલા સીતારમન બનાવશે 3 રેકોર્ડ
નિર્મલા સીતારમન ફરી ભારતના નાણાં મંત્રી બન્યા છે. તેઓ મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરી 1 સાથે 3 રેકોર્ડ બનાવશે.
- નિર્મલા સીતારમન સતત ત્રીજી વખત ભારતના નાણાં મંત્રી બનનાર પ્રથમ મહિલા છે.
- નિર્મલા સીતારમન મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે, જે તેમનું સતત સાતમું બજેટ હશે. આ રેકોર્ડ અત્યાર સુધી મોરારજી દેસાઇના નામ છે, તેમણે સતત 6 પૂર્ણ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
- નિર્મલા સીતારમન પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં સતત 3 વખત કેબિનેટ મંત્રી બનનાર એક માત્ર મહિલા નેતા છે. 2014માં મોદી સરકારમાં તેઓ પ્રથમવાર કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા અને 2017માં ભારતના પ્રથમ રક્ષા મંત્રી બન્યા હતા, જે એક રેકોર્ડ છે. ત્યારબાદ વર્ષ 2019માં નાણાં મંત્રી તરીકે નિર્મણુંક પામ્યા હતા. હાલ તાજેતરમાં મોદી 3.0 સરકારમાં તેમને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

નિર્મલા સીતારમન ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી
નિર્મલા સીતારમન ભારતના પ્રથમ પૂર્ણકાળના મહિલા નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી છે. અલબત્ત 65 વર્ષીય ભાજપના મહિલા નેતા નિર્મલા સીતારમનનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ મદુરાઇમાં થયો હતો. અત્રે નોંધનિય છે કે, આમ તો ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી ઇન્દિરા ગાંધી કહેવાય છે, કારણ કે તેમણે ટૂંકા સમય માટે વડા પ્રધાન તરીકે નાણાં મંત્રીનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. સીતારમન ફોર્બ્સ 2022 ની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા હતા અને આ યાદીમાં 36માં ક્રમે હતા.
નિર્મલા સીતારમન રાજકારણમાં પ્રવેશ
નિર્મલા સીતારમન વર્ષ 2008 થી રાજકારણ સક્રિય છે. તેઓ શરૂઆતમાં ભાજપમાં જોડાયા તેના બે કે ત્રણ વર્ષ બાદ સુષ્મા સ્વરાજ બાદ પક્ષના બીજા મહિલા પ્રવક્તા બન્યા હતા. તેઓ પ્રથમવાર 2014માં ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2016માં ફરીથી ચૂંટાયા હતા. 3 સપ્ટેમ્બર 2017 ના રોજ, તેમની સંરક્ષણ મંત્રી તરીકે નિમણુંક કરવામા આવી હતી, જે ઇન્દિરા ગાંધી પછી આ પદ સંભાળનાર બીજી મહિલા છે.
નિર્મલા સીતારમન 2019માં નાણાં મંત્રી બન્યા
નિર્મલા સીતારમન 31 મે, 2019માં પ્રથમવાર ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી બન્યા હતા. તેઓ ભારતની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી છે. તેમણે 5 જુલાઈ 2019ના રોજ મોદી 2.0 સરકારનું બજેટ સંસદમાં રજૂ કર્યુ હતુ, જે તેમનું પ્રથમ બજેટ હતુ. કોરોના મહામારી દરમિયાન નાણાં મંત્રી તરીકે તેમણે ઘણી નાણાકીય યોજનાઓ બનાવી અને અમલ કર્યો હતો.
આ પણ વાંચો | મોદી 3.0 સરકારમાં આ શેર બનશે રોકેટ, બજેટ 2024માં થઇ શકે છે મોટી જાહેરાત
નિર્મલા સીતારમન – બજેટ 2024 – 25 ક્યા મુદ્દાઓ ધ્યાન આપશે?
કેન્દ્રીય બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારમન આર્થિક વૃદ્ધિ અને ખાનગી ક્ષેત્રના રોકાણ પર ધ્યાન આપશે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓના મતે નવા કેન્દ્રીય બજેટમાં રોજગારીની નવી તકો ઊભી કરવા, જીએસટીને તર્કસંગત બનાવવા અને આવકવેરાના દર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત મોંઘવારી પણ નાણામંત્રીના એજન્ડાનો મહત્વનો ભાગ બની શકે છે.