Mutual fund exit load calculation : મ્યુચ્યુઅલ ફંડ્સ શેરબજારમાં રોકાણ કરવાની સૌથી સરળ અને સૌથી વધુ ખર્ચ-અસરકારક રીતો પૈકીની એક છે. અપ-ફ્રન્ટ કમિશન અને એક્ઝિટ લોડ કમિશન જેવા મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા ઘણા ખર્ચાઓ છે. આ ચાર્જ સીધા રોકાણ કરેલી રકમમાંથી અથવા રોકાણ બાદ રિડમ્પ્શન કરતી વખત વસૂલવામાં આવે છે.
અપફ્રન્ટ કમિશન એેટલો એવો ચાર્જ જે રોકાણકારો જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે ત્યારે ચૂકવે છે. ભારતમાં તેને એન્ટ્રી લોડ ચાર્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટ્રી લોડ એ રોકાણની રકમની ટકાવારી છે જેનો ઉપયોગ નાણાકીય સલાહકાર અથવા મ્યુચ્યુઅલ ફંડ વેચનાર વેચાણકર્તાને ચૂકવવા માટે થાય છે. જોકે, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ઓગસ્ટ 2009 થી એન્ટ્રી લોડ નાબૂદ કર્યો છે, જેનો અર્થ છે કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણના સમયે રોકાણકાર પાસેથી અપફ્રન્ટ ખર્ચ વસૂલ કરી શકતા નથી
એક્ઝિટ લોડ એટલે શું અને તે ક્યારે વસૂલાય છે?
એક્ઝિટ લોડ એ નજીવી ફી છે જે એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) અથવા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા વસૂલવામાં આવે છે જ્યારે કોઈ રોકાણકાર સમય પહેલા રિડેમ્પશન કરે છે. તેનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડમાંથી સમય પહેલા રોકાણના રિડમ્પ્શનને રોકવા માટે થાય છે. જો કે, તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ પર એક્ઝિટ લોડ વસૂલવામાં આવતો નથી. તે સામાન્ય રીતે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પર વહેલા ઉપાડને રોકવા માટે વસૂલવામાં આવે છે.
સામાન્ય રીતે, ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સનો ચોક્કસ સમયગાળો હોય છે જેમાં રોકાણ કરેલી રકમ પર એક્ઝિટ લોડ લાગુ પડે છે. આ સમયગાળો વિવિધ મ્યુચ્યુઅલ ફંડો માટે બદલાઈ શકે છે અને સામાન્ય રીતે, રોકાણકાર પાસે રહેલા મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV)ની ટકાવારી એક્ઝિટ લોડ તરીકે વસૂલવામાં આવે છે. વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે ચાર્જ કરેલી રકમ અને તે લાગુ થવાનો સમય અલગ અલગ હોઇ શકે છે.
એક્ઝિટની લોડ ગણતરી
જ્યારે રોકાણકારો સમય પહેલા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરે છે ત્યારે એક્ઝિટ લોડ લાગુ થાય છે. મ્યુ. ફંડ્સ હાઉસ એનએવીમાંથી એક્ઝિટ લોડ ચાર્જ વસૂલ કરે છે અને બાકીની રકમ રોકાણકારના ખાતામાં જમા કરવામાં આવે છે. એક્ઝિટ લોડની સરળતાથી ગણતરી કરી શકાય છે. ચાલો સમજીએ:
ઉદાહરણ તરીકે, ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 50,000નું રોકાણ કર્યું છે, જેનો એક્ઝિટ લોડ 1% અને NAV રૂ. 100 છે. રૂ. 50,000નું રોકાણ કરવાથી તમને ફંડના 500 યુનિટ મળશે.
હવે, જો તમે મ્યુચ્યુઅલ ફંડની NAV રૂ. 110 હોય ત્યારે 500 યુનિટને સમયપહેલા રિડીમ કરવાનું નક્કી કરો છો, તો છેલ્લી NAV એટલે કે રૂ. 110 પર એક્ઝિટ લોડ વસૂલવામાં આવશે.
એક્ઝિટ લોડની ગણતરી (રૂ. 110 ના 1%) x 500 યુનિટ = રૂ. 550 થશે.
રૂ. 110ના ભાવની NAV મુજબ 500 યુનિટનું મૂલ્ય રૂ. 110×500 = રૂ. 55,000 હશે.
જો કે, સમય પહેલા રિડેમ્પશનના કિસ્સામાં, 550 રૂપિયા એક્ઝિટ લોડ તરીકે ચાર્જ વસૂલવામાં આવશે અને બાકીની 54,450 રૂપિયા રકમ રોકાણકારને જમા કરવામાં આવશે.
એક્ઝિટ લોડ ફંડના પ્રકાર અથવા ચોક્કસ સ્કીમના અનુસાર અલગ-અલગ હોઇ શકે છે. તેથી, રોકાણકાર કયા પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને તે ફંડ્સ પર લાગુ પડતા એક્ઝિટ ચાર્જિસ સમજવા જરૂરી છે.
ઇક્વિટી ફંડ જે શેરોમાં રોકાણ કરે છે તે 0% થી 1% સુધી મિનિમમ ચાર્જ વસૂલી શકે છે અને કેટલાક ઇક્વિટી ફંડ્સમાં કોઈ એક્ઝિટ લોડ હોતું નથી.
ડેટ ફંડ્સ બોન્ડ્સ અને ડિબેન્ચર જેવા ફિક્સ્ડ ઈન્કમ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. તેઓ એક્ઝિટ લોડ તરીકે 0.5% થી 2%ની વચ્ચે ચાર્જ વસૂલે છે.
લિક્વિડ ફંડ્સ ટૂંકા ગાળાના ડિબેન્ચરમાં રોકાણ કરે છે જેમાં ખૂબ ઓછું જોખમ હોય છે અને લગભગ ન્યૂનતમ અથવા શૂન્ય એક્ઝિટ લોડ ચાર્જ હોય છે. તેથી, રોકાણકાર કોઈપણ નોંધપાત્ર ખર્ચ વિના જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમનું રોકાણ રિડીમ કરી શકે છે.
હાઇબ્રિડ ફંડમાં સામાન્ય રીતે ઇક્વિટી અને ડેટ ફંડ હોય છે. ફંડમાં ઇક્વિટી અને ડેટ કમ્પાઉન્ડની ફાળવણીના આધારે આવી મ્યુ. ફંડ્સમાં એક્ઝિટ લોડ બદલાય છે.
આ પણ વાંચોઃ NPSના નિયમોમાં ફેરફાર, 60 ટકા રકમ સિસ્ટમેટિક રીતે ઉપાડી શકશે, નવા નિયમથી કોને ફાયદો થશે
તારણઃ-
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે એક્ઝિટ લોડ એ મહત્વનું પરિબળ છે. તેથી, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા ઓફર ડોક્યુમેન્ટ, ફંડની વિગતો અને KIM વાંચવી જરૂરી છે, જેમાં એક્ઝિટ લોડ અને લોક-ઈન પિરિયડનો ઉલ્લેખ છે. સર્ટિફાઇડ નાણાકીય સલાહકારની સલાહ લઈને અને યોગ્ય આયોજન કરીને, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો બિનજરૂરી એક્ઝિટ ચાર્જ ટાળી શકે છે અને તેમના નાણાકીય લક્ષ્યોને સમયસર પૂરા થાય તેની ખાતરી કરી શકે છે.
Disclaimer: ઉપરોક્ત કન્ટેન્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. આ આર્ટિકલ ફાઇનાનસિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો