Personal Finance Tips For No Cost EMI Benefits And Disadvantages : તમારો મનપસંદ સ્માર્ટફોન, રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન અને અન્ય મોંઘી વસ્તુઓ ખરીદવી એ આજની જેમ ક્યારેય સરળ ન હતી. નો-કોસ્ટ ઇએમઆઈ દ્વારા આ સરળ બન્યું છે. આ ઈએમઆઈ વિકલ્પમાં ગ્રાહકોને એક સાથે મોટી રકમ ચૂકવવાની જરૂર નથી. નો-કોસ્ટ ઇએમઆઈ એટલે કે સમાન માસિક હપ્તા વિકલ્પ દ્વારા વ્યક્તિને એકસાથે ચૂકવણીને બદલે હપ્તામાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી મોઘી ચીજ વસ્તુ ખરીદવાની સુવિધા મળે છે.
આ વિકલ્પ ખાસ કરીને ત્યારે ઉપયોગી થઈ શકે છે જ્યારે તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદતા હોવ અને તમારી પાસે કિંમતની ચૂકવણી કરવા માટે પૂરતું ભંડોળ ન હોય અથવા તમે મોબાઈલ ફોન, ટીવી અથવા અન્ય કોઈ મૂલ્યવાન વસ્તુની સંપૂર્ણ કિંમત એક સાથે ચૂકવવા માંગતા ન હોવ. આવી સ્થિતિમાં નો-કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ મદદરૂપ સાબિત થઈ શકે છે. નો-કોસ્ટ ઈએમઆઈ ગ્રાહકોમાં કોઇ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે એક લોકપ્રિય અને આકર્ષક વિકલ્પ બન્યો છે. નામ પ્રમાણ સૂચવે છે તેમ આ વિકલ્પ કોઈપણ વધારાના ચાર્જ વિના આવે છે અને લોકો તેનો ઉપયોગ કરીને સરળતાથી મોંઘી વસ્તુઓ ખરીદી શકે છે.
આ વિકલ્પ સાથે આગળ વધતા પહેલા નો-કોસ્ટ ઇએમઆઈની પ્રક્રિયા અને તેની જટિલતાઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં નો-કોસ્ટ ઈએમઆઈ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. યોગ્ય અને સમજદાર નિર્ણય લેવા માટે નો કોસ્ટ ઈએમઆઈ સંબંધિત 10 મહત્વપૂર્ણ બાબતો અહીં વાંચો.
નો-કોસ્ટ ઈએમઆઈ શું છે?
નો-કોસ્ટ ઇએમઆઈ ખરીદદારોને કોઈપણ વ્યાજ ચાર્જ વગર કેટલાક મહિનાઓમાં નાના હપ્તાઓમાં પ્રોડક્ટની કિંમત ચૂકવવાની મંજૂરી આપે છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે આ વિકલ્પમાં ખરીદનાર પાસેથી સીધું વ્યાજ વસૂલવામાં આવતું નથી, પરંતુ એકંદર ખર્ચની ગણતરીમાં અન્ય ફી અથવા ગોઠવણોનો સમાવેશ થઈ શકે છે.

છુપા ચાર્જ અને ટેક્સ વિશે જાણકારી મેળવો
નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પમા કોઇ વધારાનો ચાર્જ લાગતો નથી તે વાત ભ્રામક છે. નો ઇએમઆઈ શબ્દથી વિપરીત, આ ઈએમઆઈ વિકલ્પમાં ઘણા છુપાયેલા ચાર્જ અને ટેક્સ શામેલ હોઈ શકે છે. આ વિકલ્પમાં ભલે વ્યાજ માફીનો દાવો કરી શકાય, ડાઉન પેમેન્ટ, પ્રી-પેમેન્ટ પેનલ્ટી, લેટ પેમેન્ટ, પ્રોસેસિંગ ચાર્જ વગેરે જેવા વિવિધ ચાર્જ લાગુ પડે છે. નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પની સુવિધાનો લાભ લેતા પહેલા ગ્રાહકોએ આવા તમામ વધારાના ચાર્જ અને ટેક્સ વિશે જાણવું જોઈએ. મોંઘી વસ્તુઓ ખરીદવા માટે નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પનો ઉપયોગ કરવા સંબંધિત તમામ નિયમો અને શરતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું શાણપણ છે.
કયા માલસામાન અથવા રિટેલર્સ પાસે આ વિકલ્પ ઉપલબ્ધ છે?
નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ સામાન્ય રીતે અમુક ચોક્કસ વસ્તુઓ પર લાગુ થાય છે અથવા મોબાઇલ ફોન, રેફ્રિજરેટર્સ, ટીવી, વોશિંગ મશીન વગેરે જેવી મોંઘી ચીજવસ્તુઓ પર ગ્રાહકોને પસંદગીના રિટેલર્સ દ્વારા ઓફર કરવામાં આવે છે. નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ બધી ખરીદીઓ પર લાગુ ન થઇ શકતો નથી.
નો કોસ્ટ ઇએમઆઈમાં અલગ અલગ શરતો
નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પો ઓફર કરતા રિટેલર્સ આ સેવા ઓફર કરવા માટે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે. નિયમો, મુદ્દત અને નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ માટે પાત્રતા માપદંડ સહિત અન્ય લાગુ શરતો વિવિધ રિટેલર્સ અને નાણાંકીય સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીના આધારે બદલાઈ શકે છે.
ક્રેડિટ સ્કોર પર અસર
નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે, જો કે અસર ઓછી હોઈ શકે છે. જો પેમેન્ટમાં ડિફોલ્ટ અથવા વિલંબ થાય છે, તો તે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરી શકે છે. સમયસર ચુકવણી કરવાથી તમારા ક્રેડિટ સ્કોરમાં પણ સુધારો થઈ શકે છે.

બેંક બાજાર ડોટ કોમના સીઇઓ આદિલ શેટ્ટીના જણાવ્યા મુજબ, દરેક વકથે રિપેમેન્ટમાં વિલંબથી ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થઇ શકે છે, જે ભવિષ્યની લોન અથવા ક્રેડિટ કાર્ડ્સ પર અનુકૂળ શરતોને સુરક્ષિત કરવાની તમારી ક્ષમતાને પ્રભાવિત કરે છે. નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પમાં સમયસર ચૂકવણીને પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે, કારણ કે એક લેટ પેમેન્ટ પણ કાયમી પરિણામો લાવી શકે છે. સતત અને સમયસર પેમેન્ટ માત્ર તમારા ક્રેડિટ સ્કોરનું જ રક્ષણ કરતું નથી પરંતુ તમારી એકંદર નાણાકીય સ્થિતિમાં પણ સકારાત્મક યોગદાન આપે છે.
માલની કિંમતનો કેટલો હિસ્સો જમા કરાવવો પડશે?
માલ સામાન ખરીદવા કેટલું ડાઉન પેમેન્ટ જમા કરાવવું જોઇએ?
ઇએમઆઈ પોતે વ્યાજ મુક્ત હોઈ શકે છે, પરંતુ હજુ પણ ડાઉન પેમેન્ટની જરૂર પડી શકે છે. જો કે, આ આરંભિક ચુકવણી એટલે કે ડાઉન પેમેન્ટ વસ્તુની મૂળ કિંમત ઘટાડે છે. ડાઉન પેમેન્ટ માટે પૈસાની જરૂર છે. ખરીદી સમયે ડાઉન પેમેન્ટ કરવાથી ખરીદીના કુલ ખર્ચને અસર થાય છે.
પેમેન્ટની સમયગાળો કેટલો હશે?
નો કોસ્ટ ઇએમઆઈમાં પહેલાથી નિર્ધારિત સમયગાળો -હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તે ગ્રાહકો માટે ચુકવણીની મુદત પસંદ કરવાની સુવિધાને મર્યાદિત કરે છે. નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પમાં, પૂર્વ નિર્ધારિત કાર્યકાળને કારણે ગ્રાહકોનું કામ વધુ સરળ બની શકે છે, આને ધ્યાનમાં રાખીને, તેઓ સરળતાથી તેમની અનુકૂળતા મુજબ યોગ્ય નાણાકીય નિર્ણયો લઈ શકે છે.
આ વિકલ્પો પણ ધ્યાનમાં લેવા જોઇએ
નો કોસ્ટ ઇએણઆઈ વિકલ્પ માટે આગળ વધતા પહેલા અન્ય વિકલ્પો વિશે જાણકારી મેળવો જે તમને તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી શકે છે. નો-કોસ્ટ ઇએમઆઈની તુલનામાં, વિવિધ બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન અથવા ક્રેડિટ કાર્ડ્સ તમારા પૈસા બચાવી શકે છે. આવા તમામ વિકલ્પોની તુલના કરો અને યોગ્ય નિર્ણય લો.

ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફરના નિયમો અને શરતો જાણો
કેટલાક રિટેલર્સ ડિસ્કાઉન્ટ અથવા કેશબેક ઑફર્સ સાથે નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પો ઑફર કરી શકે છે. જો કે, આ પ્રોત્સાહનો અને ઇએમઆઈ શરતો વચ્ચેની આંતરપ્રક્રિયાને સમજવું અગત્યનું છે, કારણ કે અમુક ડિસ્કાઉન્ટ ચોક્કસ પેમેન્ટ કન્ડિશન સાથે આવી શકે છે.
મુદ્દત પહેલા સંપૂર્ણ રકમ જમા કરવાની શરત શું છે?
નો કોસ્ટ ઇએમઆઈમાં પ્રી-પેમેન્ટ સાથે સંકળાયેલા પ્રતિબંધો અથવા ચાર્જ હોઈ શકે છે. જો તમે નિશ્ચિત મુદ્દત પહેલા સંપૂર્ણ રકમ ચૂકવવા માંગતા હોવ, તો વિકલ્પ પસંદ કરતા પહેલા પેનલ્ટી અથવા અન્ય ચાર્જ સંબંધિત નિયમો વિશે જાણો.
આ પણ વાંચો | જૂનો ફ્લેટ વેચવાથી થયેલા નફા પર કેટલો ટેક્સ લાગે છે? નવું મકાન ખરીદવા પર કર મુક્તિ મળશે?
નો કોસ્ટ ઇએમઆઈ ગ્રાહકો માટે વધુ સારો અને સરળ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ વિકલ્પ ગ્રાહકો માટે ખર્ચ અસરકારક રીતોમાંથી એક હોઈ શકે છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન થાય તે માટે અને નો કોસ્ટ ઇ એમઆઈ વિકલ્પનો મહત્તમ લાભ લેવા માટે વ્યક્તિએ તે દિશામાં આગળ વધતા પહેલા વિકલ્પના નિયમો અને શરતોને સારી રીતે જાણવી જોઈએ.