નોકિયાએ પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Nokia C32 ભારતમાં લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે નોકિયા G22, C22 અને C32 સ્માર્ટફોન આ વર્ષે MWCમાં રજૂ કરવામાં આવ્યા હતા. થોડાક સપ્તાહ પહેલા, કંપનીએ દેશમાં Nokia C22 લોન્ચ કર્યો હતો. હવે એન્ટ્રી-લેવલ નોકિયા C32 દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. નવા નોકિયા હેન્ડસેટને 6.5 ઇંચ ડિસ્પ્લે, 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ બજેટ નોકિયા ફોનની કિંમત અને ફીચર્સ વિશે બધું જાણો…
નોકિયા C32ની કિંમત
નોકિયાનો નવો c32 ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં નોકિયા C32ના 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની ભારતમાં પ્રાઇસ 8,999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની પ્રાઇસ 9,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હેન્ડસેટનું વેચાણ નોકિયા ઈન્ડિયાના ઓનલાઈન સ્ટોર પર શરૂ થશે. આ સ્માર્ટફોન 3 કલર – બીચ પિંક, ચારકોલ અને મિન્ટ કલરમાં ઉપલબ્ધ છે.
નોકિયા C32ની ખાસિયતો
નોકિયા C32 સ્માર્ટફોન 6.5-ઇંચની IPS LCD ડિસ્પ્લે ધરાવે છે જે HD+ (720×1600 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. ડિવાઇસનો રિફ્રેશ રેટ 60Hz છે અને એસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં ડિસ્પ્લે પર વોટરડ્રોપ નોચ આપવામાં આવ્યો છે, જેમાં સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં 1.6 GHz Unisoc SC9863A પ્રોસેસર છે. ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. નોકિયાના આ ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ ડિવાઇસ 3 GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ સાથે આવે છે.