યોગ ગુરુ બાબા રામદેવની માલિકીની કંપની પતંજલિ ફૂડ્સના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ની તવાઇથી પતંજલિ ફૂટ્સના શેરમાં આજે ઇન્ટ્રા-ડે 5 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
પતંજલિ ફૂડ્સનો શેર 5 ટકા તૂટ્યો
પતંજલિ ફૂડ્સના શેરમાં ગુરુવાલે 16 માર્ચ, 2023ના રોજ ઇન્ટ્રા-ડે 5 ટકનો ઘટાડો નોંધાયો હતો. 25 ટકા મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમનું પાલન ન કરવા બદલ બીએસઇ અને એનએસઇએ પ્રમોટર્સના 29 કરોડથી વધારે ઇક્વિટી શેરમાં ટ્રેડિંગ ફ્રિજ કરી દીધું હતું. જેના કારણે પતંજલિ ફૂડ્સનો શેર આગલા 960.90 રૂપિયાના બંધ ભાવ સામે નીચા ગેપમાં ગુરુવારે 922 રૂપિયાના ભાવ ખૂલ્યો અને સેશન દરમિયાન ઘટીને 912.90 રૂપિયાની ઇન્ટ્રા-ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે ત્યારબાદ શેર સુધર્યો અને સેશનના અંતે 2.4 ટકાના ઘટાડે 938 રૂપિયાના ભાવે બંધ થયો હતો. માર્કેટ ક્લોઝિંગ પર કંપનીની માર્કેટકેપ 33,956.93 કરોડ રૂપિયા રહી હતી.
પતંજલિના પ્રમોટરનું શેરહોલ્ડિંગ ફ્રિઝ કર્યું
પતંજલિ ફૂડ્સ પર સેબીના નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ભારતીય શેરબજાર નિયામક સેબીના નિયમ અનુસાર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કોઈપણ કંપનીમાં ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જોઈએ. ડિસેમ્બર 2022ના અંત સુધીમાં પતંજલિ ફૂડ્સે આ નિયમોનું પાલન કર્યું ન હતું અને હાલ કંપનીમાં પબ્લિક હોલ્ડિંગ માત્ર 19.18 ટકા રાખ્યું હતું. સેબીના નિયયની અવગણના કરીને કંપનીના પ્રમોટરોએ શેરહોલ્ડિંગ પોતાની પાસે જાળવી રાખ્યું છે. આ જ કારણસર BSE અને NSE એ પતંજલિ ફૂડ્સના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ફ્રિજ કરી દીધું છે. આથી આજે સવારથી કંપનીના 29 કરોડથી વધુ શેરમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું.
પતંજલિ ફૂડ્સે પબ્લિક શેરહોલ્ડિંગ વધારવા પ્રતિબદ્ધતા દર્શાવી
બીએસઇ અને એનએસઇની કડક કાર્યવાહી બાદ પતંજલિ ફૂડ્સે જણાવ્યું હતું કે, તેના પ્રમોટર્સ મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભમાં ચર્ચાઓ ચાલી રહી છે. પ્રમોટરોને વિશ્વાસ છે કે તેઓ આગામી થોડા મહિનામાં ફરજિયાત મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરી લેશે. હાલ પતંજલિ ફૂડ્સમાં પબ્લિક શેરહોલ્ડિંગ 19.18 ટકા છે અને 25 ટકા મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવા માટે તેણે પબ્લિક શેર હોલ્ડિંગમાં 5.82 ટકાનો વધારો કરવો પડશે.