છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થયેલ નવી કંપનીઓમા રોકાણકારોની દ્રષ્ટિએ ‘કહી ખુશી- કહી ગમ’ જેવો મહોલ છે. કેટલાંક આઇપીઓમાં રોકાણકારોને જંગી રિટર્ન મળ્યુ છે જ્યારે કેટલાં રોડાવ્યા છે. જેમાં ઓનલાઇન પેમેન્ટ કંપની Paytmમાં રોકાણકારોના લાખના બાર હજાર થવા જેવી સ્થિતિ સર્જાય છે. પેટીએમ કંપનીએ રોકાણકારોને પાયમાલ કરી દીધા છે અને શેરની કિંમતમાં 80 ટકાના જંગી ધોવાણને કારણે છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર વિશ્વનો સૌથી ખરાબ IPO બન્યો છે.
Paytmના IPOમાં 80 ટકા મૂડી સાફ
પેટીએમની પેરેન્ટ કંપની One 97 Communications (વન 97 કોમ્યુનિકેશન) છે અને તે હાલ દુનિયાભરમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર આઇપીઓ બની ગયો છે. હાલ પેટીએમનો શેર તેની ઇશ્યૂ પ્રાઇસથી 80 ટકા સુધી ઘટી ગયો છે બીજા શબ્દોમાં કહીયે તો રોકાણકારોની 80 ટકા મૂડી સાફ થઇ ગઇ છે. હવે રોકાણકારોને તેમણે પેટીએમ કંપનીના શેરમાં કરેલા રોકાણની ચિંતા સતાવી રહી છે.

રોકાણકારોના 1 લાખ કરોડથી વધુ રૂપિયા ‘સ્વાહા’
Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને ‘રાતા પાણીએ રોવાનો વારો આવ્યો’ છે. પેટીએમના IPOમાં રોકાણકારોના લગભગ 1.10 લાખ કરોડ રૂપિયા ‘સ્વાહા’ થઇ ગયા છે. કંપનીનો IPOઓ શેરબજારમાં લિસ્ટેડ થયો ત્યારે કંપનીની માર્કેટકેપ 1.39 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે 24 નવેમ્બર, 2022ના રોજ પેટીએમનો શેર 439 રૂપિયાના ઐતિહાસિક તળિયે ઉતરી આવ્યો હતો, ત્યારે કંપનીની માર્કેટકેપ પણ 30 હજાર કરોડ રૂપિયાથી નીચે આવી ગઇ હતી. આમ રોકાણકારોને 1 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.
Paytmમાં ‘લાખના બાર હજાર થવા’ જેવો ઘાટ
ફિનટેક ફર્મ Paytmનો શેર 18 નવેમ્બર, 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. કંપનીએ 2150 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર રોકાણકારોને એલોટ કર્યા હતા જો કે શેરબજારમાં જંગી ડિસ્કાઉન્ટ ભાવ સાથે શેર 1955 રૂપિયા પર લિસ્ટ થયો અને લિસ્ટિંગના દિવસ જ તે 27 ટકા ઘટીને 1,564 રૂપિયાના ભાવે બંધ થયો હતો. તો 24 નવેમ્બર 2022ના રોજ પેટીએમના શેરમાં 439 રૂપિયાની ઐતિહાસિક બોટમ બની હતી, જે ઇશ્યૂ પ્રાઇસની સામે 80 ટકા નીચો ભાવ દેખાડે છે. આમ પેટીએમના શેરમાં રોકાણકારોના ‘લાખના બાર હજાર થયા’ છે.

આ પણ વાંચોઃ 5 સ્ટાર્ટઅપ્સ કંપનીમાં રોકાણ બન્યો ખોટનો સોદો, રોકાણકારોના 18.4 અબજ ડોલર ‘સ્વાહા’
છેલ્લા એક મહિનામાં પેટીએમનો શેર 32 ટકા, છ મહિનામાં 26 ટકા અને એક વર્ષમાં 80 ટકા જેટલો તૂટ્યો છે. તાજેતરમાં કંપનીના એન્કર ઇન્વેસ્ટર્સ જાપાનીઝ સોફ્ટબેન્ક ગ્રૂપે પેટીએમના લગભગ 1750 કરોડ રૂપિયાની મૂલ્યના શેર અત્યંત નીચા ભાવે વેચ્યા છે, જેના કારણે આ કંપનીના શેરમાં તીવ્ર કડાકો જોવા મળ્યો છે.