PF interest rate hike : કેન્દ્ર સરકારે EPF ખાતાધારકોને મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2022-23 માટે PF ખાતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. EPFOએ વ્યાજ દરમાં 0.5%નો વધારો કર્યો છે. પહેલા પીએફ ખાતા માટે વ્યાજ દર 8.10 ટકા હતો જે હવે વધીને 8.15 ટકા થયો છે.
8.15 ટકા વ્યાજ દર
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, બોર્ડે આ વર્ષે માર્ચમાં વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. CBTની ભલામણ પછી, વ્યાજ દર નાણાં મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવે છે અને તે પછી તેને EPFO સભ્યોના ખાતામાં જમા કરવામાં આવે છે. નાણાં મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરની સૂચના આપવામાં આવે છે. ઘણા મહિનાઓથી ગ્રાહકો FY23 માટે નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા.
વર્ષ 2021-22 માટે ઈપીએફઓ એ પીએફ માટે 8.10 ટકા વ્યાજ નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ 40 વર્ષનું સૌથી નીચુ વ્યાજદર હતું, 1977-78માં ઈપીએફઓએ 8 ટકાનું વ્યાજદર નક્કી કર્યું હતું, અને ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ જ રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. 2017-18માં તે 8.55 ટકા અને 2016-17માં 8.65 ટકા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં 8.8 ટકા વ્યાજ મળતું હતું.
2023માં EPFOમાં 16 લાખ સભ્યો જોડાશે
20 જુલાઈ 2023ના રોજ જાહેર કરાયેલ EPFOના પેરોલ ડેટા દર્શાવે છે કે, EPFOએ મે 2023ના મહિનામાં કુલ 16.30 લાખ નવા સભ્યો ઉમેર્યા છે. ડેટા એ પણ દર્શાવે છે કે, 3,673 સંસ્થાઓએ આ મહિના દરમિયાન તેમનો પહેલો ECR મોકલીને તેમના કર્મચારીઓને EPFO દ્વારા સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે.
નવા ઉમેરાયેલા સભ્યોમાં, 18-25 વર્ષની વય જૂથના સભ્યો કુલ નવા ઉમેરાયેલા સભ્યોમાં 56.42 ટકા હિસ્સો ધરાવે છે. દેશના સંગઠિત ક્ષેત્રના કાર્યબળમાં જોડાનારા મોટાભાગે પ્રથમ વખત નોકરી શોધનારા યુવાનોમાં રોજગારીનું વલણ વધી રહ્યું છે તે આ સૂચક છે.





