ગુજરાત સહિત 7 રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે, કેન્દ્ર સરકાર ₹ 4445 કરોડ રૂપિયા ખર્ચશે

PM Mitra mega textile parks: ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે 4445 કરોડ રૂપિયાની પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક યોજનાને મંજૂરી આપી છે, જે હેઠળ ગુજરાત (guajrat) સહિત સાત રાજ્યોમાં આ ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે.

Written by Ajay Saroya
March 17, 2023 19:21 IST
ગુજરાત સહિત 7 રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે, કેન્દ્ર સરકાર ₹ 4445 કરોડ રૂપિયા ખર્ચશે
કેન્દ્ર સરકારે 7 રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની ઘોષણા કરી.

ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક (PM Mitra mega textile parks) સ્થાપવાની મંજૂરી આપી છે. આ યોજનાથી હવે વિદેશોમાં ભારતના વસ્ત્રો અને ફેબ્રિકનો ડંકો વાગશે. ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી કાપડ ઉદ્યોગ ક્ષેત્રે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ થવાની સાથે સાથે મોટા પ્રમાણમાં નવી રોજગારીનું પણ સર્જન થશે.

ગુજરાત સહિત ક્યાં 7 રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે

કેન્દ્ર સરકારે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 7 રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, એમપી અને ઉત્તરપ્રદેશમાં સ્થાપવામાં આવશે. આ ક્ષેત્રમાં લાખો લોકોને રોજગારી પણ મળશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.

આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ટેક્સટાઇલ – ફેબ્રિકની તમામ કામગીરી એક જ જગ્યાએ હશે. સરકારના આ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્કમાંથી કપડાંના ઉત્પાદનથી લઈને તેનું માર્કેટિંગ, ડિઝાઈનિંગ અને નિકાસ બધું એક જ જગ્યાએથી શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કના ‘5F’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કર્યું છે કે પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક 5F (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન) વિઝનને અનુરૂપ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપશે. એ જણાવતા આનંદ થાય છે કે પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, એમપી અને યુપીમાં સ્થાપવામાં આવશે.

કેન્દ્ર સરકાર 4,445 કરોડ રૂપિયા ખર્ચશે

કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે મિત્ર યોજનાને મંજૂરી આપી છે. આગામી પાંચ વર્ષમાં આ યોજના હેઠળ કુલ 4,445 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે. આ પાર્ક પીપીપી મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ બનશે.

14 લાખ લોકોને રોજગારી મળશે

PM મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક 5F (ફાર્મથી ફાઇબરથી ફેક્ટરીથી ફેશનથી ફોરેન સુધી) લાખો લોકોને રોજગાર આપશે. પ્રાથમિક અંદાજ મુજબ આ યોજનાથી દેશમાં 14 લાખ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. આ ટેક્સટાઇલ પાર્કમાં ટેક્સટાઇલ – ફેબ્રિકના પ્રોડક્શનથી લઇને ડિઝાઈનિંગ તેમજ માર્કેટિંગથી લઇને એક્સપોર્ટ સુધીની બધી કામગીરી એક જ સ્થળે થશે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારત વિશ્વમાં ટેક્સટાઇલનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ