RBI Governor Shaktikanta Das On Rate Cut: રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત મળે તેવી હાલ કોઇ શક્યતા દેખાતી નથી. દાવોસમાં એક મીડિયાને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂહમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદર ઘટવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
ભારતમાં હાલ રેટ-કટની કોઇ શક્યતા નથી: RBI ગવર્નર
ભારતમાં વ્યાજદર ઘટવાની હાલ કોઇ શક્યતા નથી તેવા રિઝર્વ બેંકના ગવર્નરે સ્પષ્ટ સંકેત આપ્યા છે. દાવોસમાં સીએનબીસી – ટીવી18ને RBI ગવર્નરે જણાવ્યું કે, આર્થિક મોરચે ભારતની પ્રગતિ સારી રહી છે. ભારતે પડકારોનો મજબૂત રીતે સામનો કર્યો છે. અમે ભૂરાજકીય સમસ્યાઓનો સામનો કરવામાં સક્ષમ છીએ. સમગ્ર દુનિયા માટે છેલ્લા 4 વર્ષ પડકારજનક રહ્યા છે. પરંતુ આ તમામ પડકારોને પાર કરવામાં સફળ રહ્યા છે. આપણે હંમેશા નવા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ.

રિઝર્વ બેંક મોંઘવારી અને ભાવને અંકુશમાં રાખવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 5 વર્ષમાં નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર સ્થિરતા આવી છે. હાલ દેશમાં 75 ટકા ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટીલ, સિમેન્ટ અને પેટ્રોલિયમમાં મૂડીરોકાણ વધ્યું છે.
રિટેલ ફુગાવો 4 ટકા સુધી સિમિત રાખવા પ્રતિબદ્ધ: RBI
રિઝર્વ બેંકના ગવર્નરે વધુમાં જણાવ્યું કે, તેઓ રિટેલ ફુગાવાને 4 ટકા સુધી સિમિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં મધ્યસ્થ હબેંક અને બજારની વિચારણા વચ્ચે સુમેળ છે. ભારતના આર્થિક વિકાસ અંગે મક્કમ વિશ્વાસ છે. તમામ સૂચકાંકો સૂચવે છે કે વૃદ્ધિ આગળ ચાલુ રહેશે. ભારતમાં અત્યારે રેટ કટની કોઈ શક્યતા નથી. કોર ઇન્ફ્લેશન રેટમાં ઘટાડો ઘણો પ્રોત્સાહક છે. છેલ્લા 3 વર્ષથી જીડીપી ગ્રોથ 7 ટકા રહ્યો છે. હાલ વ્યાજદરમાં ઘટાડાની કોઇ વિચારણા નથી. રિટેલ ફુગાવાને 4 ટકાના સ્તરે અંકુશમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં કામગીરી સારી રીતે ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારત પર વિશ્વાસ વધ્યો છે.

દેશમાં થાપણ 12 ટકા અને ધિરાણ 15 ટકા વધ્યા
ગવર્નર શક્તિકાંત દાસે ઉમેર્યુ કે, નાણાકીય વર્ષ 2024માં ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની અપેક્ષા છે. બજારે જીડીપી વૃદ્ધિના અંદાજને હકારાત્મક રીતે લીધો છે. એનએસઓનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024માં વિકાસદર 7.4 ટકા રહી શકે છે. દેશમાં થાપણ 12 થી13 ટકા અને ધિરાણ 15 ટકાના દરે વધ્યા છે.
આ પણ વાંચો | નિષ્ક્રિય બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તો દંડ થાય? ફરી એક્ટિવ કરવા કોઇ ચાર્જ થશે? જાણો RBI ગાઇડલાઇન
જામીનગીરી વગરની લોન અંગે આરબીઆઈ એલર્ટ
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, જામીનગીરી વગરની એટલે કે અનસિક્યોર્ડ લોન અંગે આરબીઆઈ એલર્ટ મોડમાં છે. ધિરાણ પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ મામલે સમસ્યાઓનો સામનો કરવા માટે દરેક આવશ્યક પગલાં લેવામાં આવશે. બેંકો દ્વારા નિયમોનું પાલન અને કામગીરમાં સુધારો થયો છે. ફિનટેકમાં સતત વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. ફિનટેક સેક્ટરમાં વૃદ્ધિ માટે કડક રેગ્યુલેશનનો અમલ કરવો જરૂરી છે.





