RBI PPI Deposit Insurance cover : પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ધારકો ટૂંક સમયમાં કોઈપણ છેતરપિંડી અથવા અનધિકૃત પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સામે તેમના પૈસાના માટે સુરક્ષા કવચ મેળવી શકે છે. RBI રેગ્યુલેટેડ એન્ટિટીઝમાં ગ્રાહક સેવા ધોરણોની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી છે કે મધ્યસ્થ બેંકે PPIs માટે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) કવરનું વિસ્તરણ કરવાની શક્યતા તપાસવી જોઈએ, જે હાલમાં ફક્ત બેંક થાપણો માટે જ ઉપલબ્ધ છે. જો કમિટીની ભલામણ સ્વીકારવામાં આવે તો PPI ધારકો માટે તે મોટી રાહત સમાન બની શકે છે.
PPI શું છે?
PPI એ એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે માલસામાન અને સેવાઓની ખરીદી, નાણાકીય સેવાઓનું સંચાલન અને તેમાં રહેલા નાણાં સામે રેમિટન્સની સુવિધાને સક્ષમ બનાવે છે. PPI કાર્ડ અથવા વોલેટ તરીકે ઇશ્યૂ કરી શકાય છે. બે પ્રકારના PPIs છે – સ્મોલ PPIs અને ફુલ-KYC (નો યોર કસ્ટમર) PPIs. વધુમાં, સ્મોલ PPIને આવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે – રૂ. 10,000 સુધીના PPI (કેશ લોડિંગ ફેસિલિટી સાથે) અને રૂ. 10,000 સુધીના PPI (કોઈ કેશ લોડિંગ ફેસિલિટી વગર).
PPIમાં બેંક ખાતામાં ડેબિટ અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કેશ લોડ/રીલોડ કરી શકાય છે. PPIનું કેશ લોડિંગ PPIની કુલ મર્યાદાને આધીન દર મહિને રૂ. 50,000 સુધી મર્યાદિત છે.
PPI ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોણ ઇશ્યૂ કરી શકે છે?
રિઝર્વ બેંક પાસેથી મંજૂરી મેળવ્યા પછી બેંકો અને નોન બેંકો દ્વારા PPI ઇશ્યૂ કરી શકાય છે. 9 નવેમ્બર, 2022 સુધીમાં, એરટેલ પેમેન્ટ્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, જિયો પેમેન્ટ્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક સહિત 58 થી વધુ બેંકોને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યૂ કરવા અને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
30 મે, 2023 ના રોજ 33 નોન-બેંક PPI ઇશ્યુઅર્સ છે. કેટલાક નોન-બેંક PPI ઇશ્યુઅર્સ છે જેમાં – એમેઝોન પે (ઇન્ડિયા), બજાર ફાઇનાન્સ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, મન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડ, ઓલા ફાઇનાન્સ સર્વિસ, રેઝોરપે ટેકનોલોજીસ અને Sodexo SVC ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

RBI સમિતિએ શું ભલામણ કરી છે?
રિઝર્વ બેંક દ્વારા રચિત સમિતિએ જણાવ્યું હતું કે, આરબીઆઈએ તાજેતરમાં દેશમાં પીપીઆઈ ઇશ્યૂ કરવા માટે સંખ્યાબંધ બેંકો અને બિન-બેંક સંસ્થાઓને મંજૂરી આપી છે . પાકીટમાં રાખેલા પૈસા થાપણના સ્વરૂપમાં હોય છે. જો કે, હાલમાં, DICGC માત્ર બેંકમાં રહેલી થાપણો પર જ વીમા કવચ આપે છે.
રિઝર્વ બેંક દ્વારા પણ નિયમન કરવામાં આવતા PPI ઇશ્યુઅર્સ પાસે ડિપોઝિટ હોવાથી, PPI સેગમેન્ટમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ વિસ્તારવા માટે તપાસ કરવાની જરૂર છે, એવી RBI દ્વારા નિયુક્ત કમિટીએ ભલામણ કરી હતી.
“રિઝર્વ બેંક તપાસ કરી શકે છે કે શું ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) કવર બેંક PPIs અને ત્યારબાદ નોન-બેંક PPIs સુધી વિસ્તારી શકાય છે કે કેમ.” તેણે જણાવ્યું હતું.
DICGC શું છે?
DICGC એ રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને બેંકોમાં રહેલી થાપણો પર વીમા સુરક્ષા આપે છે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સિસ્ટમ નાણાકીય સિસ્ટમની સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને નાના થાપણદારોને બેંકની નિષ્ફળતાના કિસ્સામાં તેમની થાપણોના રક્ષણની ખાતરી આપે છે.
DICGC દ્વારા સરકારી અને ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો, લોકલ એરિયા બેંકો (LABs), પેમેન્ટ બેંકો (PBs), સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs), રિજનલ રૂરલ બેંકો (RRBs) અને સહકારી બેંકો સહિત તમામ કોમર્શિયલ બેંકો, જેમને RBI દ્વારા લાઇસન્સ પ્રાપ્ત થયેલુ છે તેમા રહેલી થાપણદારોની થાપણોને વીમા સુરક્ષા પુરી પાડે છે.
31 માર્ચ, 2023 સુધીમાં થાપણ વીમા સુરક્ષા ધરાવતી રજિસ્ટર્ડ બેંકોની સંખ્યા 2,027 હતી, જેમાં 140 કોમર્શિયલ બેંકો અને 1,887 સહકારી બેંકોનો સમાવેશ થાય છે.
DICGC કેટલી રકમ સુધીનો થાપણ વીમો આપે છે?
DICGC ઉપાર્જિત વ્યાજ સહિત બચત થાપણ, ફિક્સ્ડ ડિપોઝટ, કરંટ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવી તમામ થાપણોનો વીમો આપે છે. DICGC કોઇ બેંક નાદાર થાય કે ફડચામાં જાય ત્યારે થાપણદોરને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમનો વીમો આપે છે.
DICGC દ્વારા અગાઉ આપવામાં આવતું વીમા કવચ એક લાખ રૂપિયા જ હતું. જો કે વીમાધારક બેંકોમાં થાપણદારો માટે વીમા કવચની મર્યાદા ઘણા વર્ષો બાદ વર્ષ 2020માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રિઝર્વ બેંક UPI, NEFT, RTGSનો વિકલ્પ રજૂ કરશે; લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમ શું છે? જાણો
દેશમાં હાલ કેટલા PPI છે?
રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ 31 માર્ચ, 2023ના રોજ PPIની કુલ સંખ્યા 16,185.26 લાખ હતી. તેમાંથી વોલેટની સંખ્યા લગભગ 1,3384.68 લાખ હતી અને કાર્ડની સંખ્યા 2800.58 લાખ હતી. નાણાકીય વર્ષ 2023 માં, PPIs દ્વારા કુલ ટ્રાન્ઝેક્શન 74,667.44 લાખ હતા.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





