રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ છ મહિનામાં અન્ય કેન્દ્રીય બેંકો અને વિદેશી કોમર્શિયલ બેંકોમાંથી 66.73 અબજ ડોલરની થાપણો વિથ્રો કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કારણ છેલ્લા ઘણા મહિનાથી ડોલર સામે દબાણ અનુભવી રહેલા રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણને અટકાવવાનો છે.
વર્ષ 2022માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય લગભગ 11 ટકા ઘટ્યુ છે, કારણ કે કોરોના મહામારી બાદ દુનિયાભરમાં મોંઘવારી બેફામ રીતે વધી અને તેને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ સહિત મોટાભાગના દેશોની મધ્યસ્થ બેન્કોએ આક્રમક વ્યાજદર વૃદ્ધિની નીતિ શરૂ કરી હતી. મહામારીની બાદ મંદીની દહેશત અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણને કારમે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ છેલ્લા દસ મહિનામાં ભારતીય બજારોમાંથી 1.62 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 19.75 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યુ છે.
બીજી તરફ ભારતની મધ્યસ્થ બેન્ક પાસે રહેલો સોનાનો ભંડાર એટલે કે ગોલ્ડ રિઝર્વ વધીને 785.35 મેટ્રિક ટન સોનું (41.57 મેટ્રિક ટનની ગોલ્ડ ડિપોઝિટ સહિત) થયુ છે જે એક વર્ષ અગાઉ 743.84 મેટ્રિક ટન હતું.
RBIના આંકડા અનુસાર, રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા દરમિયાન અન્ય કેન્દ્રીય બેંકો અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં રહેલી પોતાની થાપણોમાંથી 58.9 અબજ ડોલરની મૂડી ઉપાડી લીધા હતી, જેના કારણે માર્ચ 2022માં મધ્યસ્થ બેંકોમાં ભારતની થાપણો જે માર્ચ 2022માં 140.53 અબજ ડોલર હતી ત્યાંથી ઘટીને 81.63 અબજ ડોલર થઈ છે. આ માહિતી RBIના અર્ધવાર્ષિક રિપોર્ટ ‘મેનેજમેન્ટ ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ’માં જાણવા મળી છે. આ રિપોર્ટ અનુસાર અન્ય કોમર્શિયલ બેંકોમાં ભારતની થાપણો પણ 7.83 અબજ ડોલર ઘટીને 29.32 અબજ ડોલર થઈ ગઈ છે.
રૂપિયામાં ધોવાણ રોકવા ડોલરનું વેચાણ કર્યું
RBIના આ રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2022 સુધીમાં ભારતની 472.81 અબજ ડોલરની કુલ ફોરેન કરન્સી એસેટ્સ હતી, જેમાંથી 361.84 અબજ ડોલરનું રોકાણ વિવિધ સિક્યોરિટીઝમાં રોકાણ, 81.64 અબજ ડોલરનું રોકાણ અન્ય મધ્યસ્થ બે્કોમાં અને BISમાં જમા હતી અને બાકીની 29.33 અબજ ડોલરની થાપણ વિદેશમાં કોમર્શિયલ બેંકોમાં જમા હતી.
તો RBIનું 447.30 મેટ્રિક ટન સોનું વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને BIS પાસે સેફ કસ્ટડીમાં છે, તો 296.48 મેટ્રિક ટન સોનું સ્થાનિક સ્તરે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાની હિસ્સેદારી માર્ચ 2022ના લગભગ 7.01 ટકાથી વધીને સપ્ટેમ્બર 2022ના અંતે 7.06 ટકા થઇ છે.
ફોરેન એક્સચેન્જ રિઝર્વનું ઇમ્પોર્ટ કવર (બેલેન્સ ઓફ પેમેન્ટના આધારે) જૂન 2022માં ઘટીને 10.4 મહિના થયું હતું જે માર્ચ 2022 ના અંતે 11.8 મહિના હતું.
મધ્યસ્થ બેંકના જણાવ્યા અનુસાર, મૂલ્યમાં ધોવાણ એ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરના મૂલ્યમાં વૃદ્ધિને પ્રતિબિંબિત કરતી, જે એપ્રિલ-જૂન 2022 દરમિયાન 22.7 અબજ ડોલર રકમ હતી, જ્યારે એપ્રિલ-જૂન 2022 દરમિયાન 2.2 અબજ ડોલરન વેલ્યૂ ગેઇન થઇ હતી.
રિઝર્વ બેન્ક પાસે ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની (યુકે) લિમિટેડ દ્વારા જારી કરાયેલા બોન્ડ્સમાં 5 અબજ ડોલરનું રોકાણ કરવાનો અધિકારી છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં, આવા બોન્ડ્સમાં રોકાણ કરાયેલી રકમ 1.323 અબજ ડોલર હતી.
ફોરેન કરન્સી એસેટ્સમાં ઘણી બધી કરન્સીઓનો સમાવેશ થાય છે જે હાલના ધોરણો મુજબ મલ્ટિ-એસેટ પોર્ટફોલિયોમાં રાખવામાં આવે છે, જે આ સંદર્ભે અનુસરવામાં આવતી શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પ્રથાઓને અનુરૂપ છે. તે કહે છે કે BIS, વિદેશી કોમર્શિયલ બેંકો, સેન્ટ્રલ બેંકો અને સુપરનેશનલ્સ દ્વારા જારી કરાયેલી સિક્યોરિટીઝ સાથેની ફિક્સ્ડ ડિપોઝિટ સિવાય, લગભગ અન્ય તમામ પ્રકારના રોકાણો અત્યંત તરલતાવળા રોકાણના સ્ત્રોત છે જેને ટૂંકી સૂચના પર રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. રિઝર્વ બેંક કોઈપણ અણધાર્યા/કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે અનામત ભંડોળ પર અત્યંત ઝીણવટપૂર્વક બાજ નજર રાખે છે, જેને ખૂબ જ ટૂંકી સૂચના પર રોકડમાં રૂપાંતરિત કરી શકાય અને ઉપાડી શકાય છે.