ભારતીય શેરબજાર નિયામક સેબીએ એક કેસમાં બોમ્બે ડાઇંગ મેન્યુફેક્ચરિંગ કંપની અને તેના પ્રમોટરો સહિત 10 એન્ટિટીઓ પણ બે વર્ષનો પ્રતિબંધ મૂકવાની સાથે સાથે જંગી નાણાંકીય દંડ પણ ફટકાર્યો છે.
સેબીએ બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ ઉપરાંત કંપનીના પ્રમોટરો વાડિયા પરિવાર ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. જે પ્રમોટરોને મૂડીબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં નુસ્લી એન વાડિયા, નેસ વાડિયા અને જહાંગીર વાડિયાનો સમાવેશ થાય છે.
બજાર નિયામક સેબીએ બોમ્બે ડાઇંગ કંપનીના પ્રમોટર પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવાની સાથે સાથે તેમને 15.75 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની આ રકમ 45 દિવસની અંદર ચૂકવવાનો આદેશ કર્યો છે.
ભૂતપૂર્વ ડિરેક્ટરો પર કાર્યવાહી
સેબીએ વાડિયા ગ્રૂપની સ્કેલ સર્વિસ લિમિટેડ કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા છે. તેની સાથે જે સેબીએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડીએસ ગાગરત, એનએચ દાતનવાલા, શૈલેષ કર્ણિક, આર ચંદ્રશેકરન અને દુર્ગેશ મહેતા સામે પણ કાર્યવાહી કરી છે.
શા માટે પ્રતિબંધ મૂક્યો
બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ કંપની પર નાણાકીય વિગતોની ખોટી રીતે રજૂઆત કરવાનો આરોપ છે, જેની ફરિયાદ મળ્યા બાદ સેબીએ બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (BDMCL) ના નાણાકીય વર્ષ 2011-12 થી 2018-19 સુધીની નાણાંકીય વિગતોની વિગતવાર તપાસ કરી હતી.
શું છે સમગ્ર કેસ…
સેબીની તપાસમાં બહાર આવ્યું છે કે પ્રતિબંધિત પ્રમોટરો અને કંપનીઓએ 2,492.94 કરોડ રૂપિયાના વેચાણમાંથી 1,302.20 કરોડ રૂપિયાના નફાને ખોટી રીતે રજૂ કરીને BDMCLની નાણાકીય વિગતોને પ્રભાવિત કરવાનું કૃત્ય કર્યું હતું. આ સમગ્ર મામલે વાડિયા પરિવારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ અગાઉ સેબીએ ગ્લોબલ રિસર્ચ, પવન ભિસે, વિલાશ ભિસે અને અંશુમન ભિસે ઉપર પણ બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર ઓર્થેરાઇઝેશનની સત્તા વગર ઓથોરાઇઝ્ડ સલાહ આપવાનો આરોપ છે. સેબીના જણાવ્યા અનુસાર એપ્રિલ 2018થી માર્ચ 2019 સુધીમાં આ તમામ લોકોએ રોકાણની સલાહ આપીને લગભગ 43 લાખ રૂપિયાની કમાણી કરી હતી. સેબીએ તેમને 3 મહિનાની અંદર ગ્રાહકો પાસેથી કમાયેલા નાણાં પરત કરવાનો આદેશ પણ આપ્યો હતો.