સેબીએ ગુરુવારે ભાગેડુ લોન ડિફોલ્ટર મેહુલ ચોક્સીને ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં ગેરરીતિ આચરવાના કેસમાં 5.35 કરોડ રૂપિયા ચૂકવવા માટે નોટિસ ફટકારી છે. જો મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ નહીં ચૂકવે તો ધરપકડ અને સંપત્તિ તેમજ બેંક એકાઉન્ટ જપ્ત કરવાની ચેતવણી આપી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા અગાઉ ફટકારવામાં આવેલા દંડની ચૂકવણી કરવામાં ભાગેડુ લોન ડિફોલ્ટર મેહુલ ચોક્સી નિષ્ફળ ગયા બાદ તેને આ નવેસરથી ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે.
PNBના 14,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી
નોંધનિય છે કે, ભાગેડુ મેહુલ ચોક્સી વર્ષ 2017ના પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 14,000 કરોડ રૂપિયાના લોન કૌભાંડના મુખ્ય આરોપી છે. આ લોન કૌભાંડમાં નીરવ મોદી સંડોવાયેલ છે. લોન કૌભાંડ બહાર આવ્યા બાદ નીરવ મોદી અને મેહુલ ચોક્સી ચોરીછુપી વિદેશ ભાગી ગયા હતા. જેમાં મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગી ગયો હતો.
મામા-ભાણિયાએ 14,000 કરોડનું કૌભાંડ કર્યું
મામા-ભાણિયાની જોડીએ પીએનબી બેંકને 14,000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો અને વિદેશ ભાગી ગયા છે. ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી નીરવ મોદીના મામા થાય છે. નિરવ મોદી પણ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરતા હતા. નિરવ મોદી હાલ લંડનની જેલમાં બંધ છે અને ભારતને પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.
મેહુલ ચોક્સીને ઓક્ટોબરમાં 5 કરોડનો દંડ ફટકાર્યો
સેબીએ મેહુલ ચોક્સીને ઓક્ટોબર 2022માં 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સેબીએ ઑક્ટોબર 2022માં આપેલા એક આદેશમાં ગીતાંજલિ જેમ્સના શેરમાં કથિત કપટપૂર્ણ ટ્રેડિંગ બદલ 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તોતિંગ નાણાંકીય દંડ ઉપરાંત સિક્યોરિટી માર્કેટમાં 10 વર્ષ સુધી કામગીરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
શું છે સમગ્ર મામલો
ગીતાંજલિ જેમ્સના સ્ટોક્સમાં કથિત ટ્રેડિંગની તપાસને અનુલક્ષીને બજાર નિયમનકાર સેબીએ મે-2022માં મેહુલ ચોક્સીને શો-કોઝ નોટિસ ફટકારી હતી. નિયમનકારે જુલાઈ 2011 થી જાન્યુઆરી 2012 દરમિયાન કંપનીના શેરમાં કેટલીક એન્ટિટીઓ દ્વારા કરાયેલા ટ્રેડિંગની તપાસ હાથ ધરી હતી.
સેબીએ જણાવ્યું હતું કે ચોક્સીએ ‘ફ્રન્ટ એન્ટિટી’ તરીકે ઓળખાતી 15 સંસ્થાઓના સમૂહને ભંડોળ પૂરું પાડ્યું હતું, જેઓ તેમની સાથે અને એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હતા અને જેમણે કેશ અને ડેરિવેટિવ સેગમેન્ટમાંગીતાંજલિ જેમ્સના શેર ખરીદ્યા હતા. તેણે કંપનીની સ્ક્રીપમાં હેરાફેરી માટે ફ્રન્ટ એન્ટિટી તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.
એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે કંપની દ્વારા ફ્રન્ટ એન્ટિટીમાં 77.44 કરોડ જેટલુ ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જેમાંથી 13.34 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ ફ્રન્ટ એન્ટિટીઝ દ્વારા સ્ક્રીપમાં ટ્રેડિંગ કરવા માટે કરવામાં આવ્યો હતો.
મેહુલ ચોક્સીએ ફ્રન્ટ એન્ટિટી દ્વારા સામાન્ય રોકાણકારો માટે ઉપલબ્ધ સ્ટોક્સની સંખ્યા ઘટાડવા માટે બજારમાં ઉપલબ્ધ શેરને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો.