ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ક્લોઝિંગની રીતે ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ થયું છે. મજબૂત માઇક્રોનોમિક્સ ડેટા, વિદેશી રોકાણકારોનો વધતો મૂડીપ્રવાહ અને ખાસ કરીને ગુજરાતની ચૂંટણીના માહોલ વચ્ચે શેરબજારમાં સતત સુધારા તરફથી માહોલ દેખાઇ રહ્યો છે. હાલના સ્થિતિને જોતા સેન્સેક્સ ગમે ત્યારે તેની વર્ષ પહેલા બનેલી 62245.43ની ઇન્ટ્રા-ડે ઓલ ટાઇમ હાઇ લેવલને તોડશે તેવી અટકળો વહેતી થઇ છે. શેરબજારમાં આવેલો સુધારો ટકી રહેશે? રોકાણકારોએ નવું રોકાણ કરવું જોઇએ અને ક્યારે સેન્સેક્સ-નિફ્ટી નવું ઓલટાઇમ હાઇ લેવલ બનાવશે? જાણો…
સેન્સેક્સ-નિફ્ટી સતત બીજા દિવસે નવી ઉંચાઇએ બંધ
શેરબજારમાં દિવાળી બાદથી એકંદરે સુધારા તરફી માહોલ દેખાઇ રહ્યો છે. બેન્ચમાર્ક સેન્સેક્સ 16 નવેમ્બરે 107.73 પોઇન્ટ વધીને 61980ના સ્તરે બંધ થયો રહ્યો છે જે ક્લોઝિગની રીતે નવી ઉંચી સપાટી છે. સેન્સેક્સ 61872ના પાછલા બંધ સામે બુધવારે 61,708.63 ખુલ્યા બાદ નીચામાં 61,708.63 થયો હતો જો કે ત્યારબાદ બેન્કિંગ, ફાર્મા અને આઇટી સ્ટોકમાં ખરીદી નીકળતા માર્કેટ નીચા સ્તરેથી ઉંચકાઇને ઉપરમાં 62,052.57 સુધી ગઇ અંતે 61,708.63ની સપાટીએ બંધ થયા હતા. તેવી જ રીતે મંગળવારે પણ સેન્સેક્સ ક્લોઝિંગની રીતે 61,872ના ઓલટાઇમ હાઇ લેવલે બંધ થયો હતો.
તો એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ માત્ર 6 પોઇન્ટના સુધારામાં 18409ના સ્તરે બંધ થયો હતો. આ સાથે જ બે દિવસમાં સેન્સેક્સમાં 356 પોઇન્ટનો સુધારો આવ્યો છે. તો દિવાળી બાદથી અત્યાર સુધીમાં શેરબજાર 2150 પોઇન્ટ વધ્યુ છે.
સેન્સેક્સ સર્વોચ્ચ શિખરથી માત્ર 265 પોઇન્ટ દૂર
સેન્સેક્સે 16 નવેમ્બરે ટ્રેડિંગ સેશન દરમિયાન 62000ની સપાટી કુદાવી હતી અને ઉપરમાં 62052ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યુ હતુ, જો કે તેની ઉપર ટકી શક્યું નહીં અને અંતે 62000ની નીચે 61980ના સ્તરે બંધ થયુ હતુ. શેરબજાર હાલ ક્લોઝિંગની રીતે નવી ઉંચાઇએ છે પરંતુ તેની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇથી માત્ર 265 પોઇન્ટ જ દૂર છે. નોંધનીય છે કે, સેન્સેક્સે 19 ઓક્ટોબર 2021ના રોજ ટ્રેડિંગ સેશન દરમિયાન ઇન્ટ્રા-ડેમાં 62245.43ની ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી, જે તેનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ લેવલ છે. તો નિફ્ટી 19 ઓક્ટોબર 2021ના રોજ 18604.45ની ઇન્ટ્રા-ડે ઓલ ટાઇમ લેવલે પહોંચ્યું હતુ. આમ આજના 18409ના ક્લોઝિંગ લેવલથી નિફ્ટી 195 પોઇન્ટ જેટલું દૂર છે.
શું શેરબજાર નવી ઉંચાઇએ પહોંચશે?

શેરબજારમાં દિવાળી બાદથી સતત આગેકૂચ જોવા મળી રહી છે જો કે ફંડામેન્ટલ્સ એટલા મજબૂત નથી આથી આ તેજી કેટલી ચાલશે અને ટકી રહેશે તે અંગે શંકા તો છે જ. હાલ સેન્સેક્સ વર્ષ પૂર્વ બનેલી તેની 62052ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાલ લેવલથી 265 પોઇન્ટ છેટું છે. નવી ઐતિહાસિક ઉંચી સપાટી બને તેની માટે શેરબજાર 62000ના લેવલની ઉપર બંધ આવે તે જરૂરી છે.
માર્કેટ એનાલિસિસ શું કહે છે?
બાહ્ય અને સ્થાનિક પરિબળોના પગલે હાલ ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ છે અને તે ચૂંટણી પરિણામ સુધી યથાવત રહેવાની આશા છે એવું જણાવતા સેબી રજિસ્ટર્ડ એનાલિસિસ પ્રતિત પટેલ જણાવે છે કે, આગામી સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટ નવી ઓલટાઇમ હાઇ દેખાડે તેવી અપેક્ષા છે. બજારમાં તેજીવાળા અને મંદીવાળા બંને મજબૂત પોઝિશનમાં છે. અમેરિકન માર્કેટની તેજીની ગતિ હવે ધીમી પડી શકે છે. ફુગાવો હવે ઉંચી સપાટીથી નરમ પડ્યો છે અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક વ્યાજદરની નીતિ નરમ પડવાની શક્યતા છે જેની સીધી અસરે બોન્ડ યીલ્ડ ઘટશે અને ઇક્વિટી માર્કેટને સપોર્ટ મળતા તે આગેકૂચ કરશે. પરિણામે ભારતીય શેરબજારમાં તેજી આવવાની શક્યતા છે. બેન્ક નિફ્ટીમાં 42000નો મજબૂત સપોર્ટ છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ 63500-64000 અને નિફ્ટી 19000 સુધીની નવી ઉંચી સપાટી દેખાડી શકે છે. જો કરેક્શન આવે તો નિફ્ટી 18000 સુધી ઘટી શકે છે અને આ સ્તરે ખરીદીની તક મળશે. વિદેશી રોકાણકારોના વધતા મૂડીપ્રવાહથી ભારતીય શેરબજારને સપોર્ટ મળ્યો છે અને તેની અસરે ડોલર સામે રૂપિયાને પણ ટેકો મળવાની આશા છે.