ભારતીય શેરબજાર સતત સાત દિવસની તેજીની ચાલમાં દરરોજ નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યો છે. જેમાં શુક્રવારે સેન્સેક્સ પહેલીવાર 63000ની સપાટીને સ્પર્શ્યો અને તેની ઉપર બંધ રહેવામાં પણ સફળ થયો છે. તો બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી પણ 18,816ની ઇન્ટ્રા-ડે ટોચ 18758ના નવા રેકોર્ડ લેવલે બંધ થયો હતો. આ સાથે જ છેલ્લા સાત ટ્રેડિંગ સેશનના બુલરનમાં રોકાણકારોને જંગી કમાણી થઇ છે.
સેન્સેક્સ@ 63000, 7 દિવસમાં 1955 પોઇન્ટ વધ્યો
સેન્સેક્સમાં સતત સાત દિવસથી નવી રેકોર્ડ હાઇ બની રહી છે. જેમાં 30 નવેમ્બર 2022ના રોજ સેન્સેક્સ પહેલીવાર 63000ની રેકોર્ડ બ્રેક સપાટી કુદાવીને કામકાજ દરમિયાન 63303ના ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ સુધી પહોંચ્યો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 418 પોઇન્ટની મજબૂતીમાં 63099ના લેવલે બંધ થયો હતો, જે બંધની રીતે પણ તેની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે.

આ સાથે જ છેલ્લા સાત ટ્રેડિંગ સેશનની એકધારી તેજીની ચાલમાં તો સેન્સેક્સમાં 1954.81 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. 21 નવેમ્બરે સેન્સેક્સ 61,144.84 પોઈન્ટ પર બંધ થયો હતો. તો ટકાવારીની રીતે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 3.19 ટકાની તેજી આવી છે.
નિફ્ટી પણ સર્વોચ્ચ શિખરે
તેવી જ રીતે બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી પણ શુક્રવારે 18816નું ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવી કામકાજના અંતે 140 પોઇન્ટ વધીને 18758ના લેવલે બંધ થયો હતો, જે ઇન્ટ્રા-ડે અને બંધની રીતે નિફ્ટીના ઓલટાઇમ હાઇ લેવલ છે. સેન્સેક્સની જેમ નિફ્ટી પણ પાછલા સાત દિવસથી સતત નવી ઉંચી સપાટીને સ્પર્શ્યો છે અને આ દરમિયાન 598 પોઇન્ટ વધ્યો છે.

આમ 21 નવેમ્બર બાદ 30 નવેમ્બર સુધીમાં નિફ્ટીમાં 3.25 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 21 નવેમ્બરે નિફ્ટી 18,159.95 પોઈન્ટ પર બંધ થયો હતો. નિષ્ણાતોનું માનીએ તો ડિસેમ્બરના અંત સુધીમાં નિફ્ટી 19 હજાર પોઈન્ટની સપાટીને પાર કરી શકે છે.
7 દિવસમાં રોકાણકારોને 7.65 લાખ કરોડની કમાણી
શેરબજારમાં રોકાણકારોની સાત દિવસની તેજીમાં રોકાણકારોને પણ જંગી કમાણી થઇ છે. 21 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટકેપ (BSE MCap) રૂ 280.91 લાખ કરોડ હતી, જે આજે 30 નવેમ્બર 2022ના રોજ વધીને રૂ. 288.50 લાખ કરોડ થઇ છે. એટલે કે છેલ્લા સાત દિવમસાં બીએસઇની માર્કેટકેપમાં રૂ. 7.65 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે શેરબજારના રોકાણકારોને આટલી કમાણી થઇ છે.
શેરબજારમાં તેજી પાછળના કારણો
- યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ ધીમી પડવાની અટકળો
- વૈશ્વિક બજારોમાં પણ એકંદરે તેજીનો માહોલ
- વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં રિ-એન્ટ્રી
- કોર્પોરેટ કંપનીઓના સપ્ટેમ્બર ક્વાર્ટરના પ્રોત્સાહિક પરિણામો
- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતની અપેક્ષા