scorecardresearch

સેન્સેક્સ-નિફ્ટી નવા સર્વોચ્ચ શિખરે, રોકાણકારોની સંપતિ ₹ 2.4 લાખ કરોડ વધી

Stock market all time highs : સેન્સેક્સ (sensex) ઇન્ટ્રા-ડેમાં 900 પોઇન્ટ ઉછળીને 62,412ની નવી ઉંચાઇને સ્પર્શ્યો તો નિફ્ટીએ (Nifty) 18,529નું નવું રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યું, દિવાળી બાદ શેરબજાર 2400 પોઇન્ટ સુધર્યું : હવે બજાર કઇ દિશામાં જશે? વાંચો માર્કેટ એક્સપર્ટ્સના વ્યૂ

સેન્સેક્સ-નિફ્ટી નવા સર્વોચ્ચ શિખરે, રોકાણકારોની સંપતિ  ₹ 2.4 લાખ કરોડ વધી

ભારતીય શેરબજારે ફરીવાર ઇન્ટ્રા-ડે અને કલોઝિંગ બંને રીતે નવી ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી છે. નવેમ્બર મહિનાની એક્સપાયરીના દિવસે 24 નવેમ્બર 2022ના રોજ સ્ટોક માર્કેટ રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા છે. જેમાં સેન્સેક્સે 62412 અને નિફ્ટીએ 18,529નું ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યુ છે. સેન્સેક્સની આજની 762 પોઇન્ટની તેજીમાં આઇટી અને બેન્કિંગ સ્ટોક્સનો મોટો ફાળો હતો.

સેન્સેક્સ 762 પોઇન્ટ ઉછળી નવી ટોચે

નવેમ્બર મહિનાની એક્સપાયરી હોવા છતાં ગુરુવારે સેન્સેક્સે આરંભથી અંત સુધી ગ્રીન ઝોનમાં રહ્યો હતો. સેન્સેક્સ 61510ના પાછલા બંધની સામે ગુરુવારે ઉંચા ગેપમાં 61656ના મથાળે ખુલીને ઇન્ટ્રા-ડેમાં 902 પોઇન્ટ ઉછાળીને 62412ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. આજની તેજી સેશનના અંત સુધી જળવાઇ રહી અને સેન્સેક્સ 762 પોઇન્ટના ઉછાળે 62272ના મથાળે બંધ થયો હતો. આમ ગુરુવારે સેન્સેક્સે ઇન્ટ્રા-ડે અને ક્લોઝિંગ – બંને રીતે નવી ઐતિહાસિક ઉંચી ટોચ બનાવી હતી.

નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઇ લેવલે

સેન્સેક્સની જેમ બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટીમાં પણ ગુરુવારે નવા ઓલટાઇમ હાઇ લેવલ બન્યા હતા. જેમાં નિફ્ટી પાછલા 18267ના પાછલા બંધ સામે ગુરુવારે 18529નું ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવીને સેશનના અંતે 216 પોઇન્ટની મજબૂતીમાં 18484 બંધ થયા હતા. જે નિફ્ટીનું રેકોર્ડ હાઇ ક્લોઝિંગ લેવલ છે.

આઇટી અને બેન્કિંગ સ્ટોકમાં તેજી

શેરબજારને આજે નવી ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચવામાં આજે આઇટી અને ખાનગી બેન્કોના સ્ટોક્સનું મોટું યોગદાન છે. સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક ગ્રીન વધીને બંધ થયા હતા. જેમાં નિપ્ટી 3 ટકા, એચસીએલ ટેક 2.6 ટકા, પાવર ગ્રીડ 2.6 ટકા, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસમાં બેથી અઢી ટકા, એચડીએફસી, એચયુએલ, એચડીએફસી બેન્ક, સન ફાર્મા, મહિન્દ્રા- મહિન્દ્રા, નેસ્લે, લાર્સન ટુર્બો, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સના શેરમાં 1થી બે ટકા સુધીની મજબૂતી જોવા મળી છે. ઇન્ફોસિસ અને એચડીએફસી ટ્વિન્સના શેરમાં તેજીથી સેન્સેક્સને 336 પોઇન્ટનો ફાયદો થયો હતો.

દિવાળી બાદ બજારમાં 2400 પોઇન્ટથી વધુનો ઉછાળો

દિવાળી બાદથી ભારતીય શેરબજારમાં એકંદરે સુધારે તરફી માહોલ દેખાઇ રહ્યો છે અને માર્કેટ એક્સપર્ટ્સ પણ એવી પ્રબળ ધારણા રાખી રહ્યા હતા કે ગુજરાત ચૂંટણી પહેલા સેન્સેક્સ – નિફ્ટી નવી ઐતિહાસિક ટોચ બનાવશે અને તે સાચી પડી છે. દિવાળીના દિવસે સેન્સેક્સ 59831ના સ્તરે બંધ થયો હતો અને આજે 24 નવેમ્બર 2022ના રોજ બેન્ચમાર્ક 62272ના નવા રેકોર્ડ લેવલે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, દિવાળી બાદ સેન્સેક્સમાં 2441 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. ટકાવારીની રીતે દિવાળી બાદ સેન્સેક્સમાં ચાર ટકાથી વધારે સુધારો નોંધાયો છે.

અત્રે નોંધનિય છે કે, આ અગાઉ 19 ઓક્ટોબર 2022ના રોજ સેન્સેક્સમાં 62245.43 અને નિફ્ટીમાં 18604.45ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટી બની હતી.

રોકાણકારોની સંપત્તિ

સેન્સેક્સમાં 762 પોઇન્ટનો ઉછાળો આવતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપ ગુરુવારે 2.46 લાખ કરોડ રૂપિયા વધીને 283,69 લાખ કરોડ રૂપિયા થઇ હતી. સરળ શબ્દોમાં કહીયે તો શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં ગુરવારે 2.46 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

માર્કેટ એક્સપર્ટર્સનો વ્યૂ

એલકેપી સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક દેવના જણાવ્યા અનુસાર “નિફ્ટીએ દિવસ દરમિયાન ઉંચી સપાટી બનાવી છે. ડેઇલી મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પોઝિટિવ ક્રોસઓવરમાં રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી 18350ની ઉપર ટકી રહે ત્યાં સુધી માર્કેટમાં ટ્રેન્ડ પોઝિટિવ દેખાય છે, હવે બેન્ચમાર્કને 18350નું સપોર્ટ લેવલ છે. ઉપરમાં 18650નું લેવલ પ્રતિકાર સપાટી છે, જે કુદાવી જાય તો નિફ્ટીમાં વધારે તેજી જોવા મળી શકે છે.”

તો જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી.કે. વિજયકુમાર કહે છે કે, “બે ટ્રિગરોએ સેન્સેક્સને નવી ઉંચાઇએ પહોંચાડવામાં મદદ કરી છે – (1) અમેરિકન શેરબજારમાં તેજી, ઘટી રહેલી બોન્ડની યીલ્ડ અને નબળા પડતા ડોલરની સાથે સ્ટોક માર્કેટ માટે માહોલ સાનુકૂળ થઇ રહ્યો છે અને (2) ભારતના મેક્રો ઇકોનોમીની સ્થિતિ દર્શાવતા સૂચકાંકોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે મૂડીખર્ચ વધી રહ્યું હોવાના પણ સંકેત છે. મજબૂત આર્થિક રિકવરીની સાથે ક્રૂડમાં તીવ્ર ઘટાડો પણ એક મોટું સકારાત્મક પાસું છે. તેનાથી કંપનીઓને મોટો ફાયદો થવાની અપેક્ષા છે.”

Web Title: Sensex nifty all time new highs bse market cap rose by 2 4 lakh crore stock market news

Best of Express