/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Share-Market-Sensex-Nifty-Crash-Today.jpg)
Share Market Sensex Nifty Crash: શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયા છે. (Photo: Freepik)
Why Share Market Sensex Nifty Fall Today: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં 13 જાન્યુઆરીના રોજ 1000 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. ટકાવારીની રીતે સેન્સેક્સ નિફ્ટી બંને 1.50 ટકા આસપાસ તૂટ્યા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 1129 પોઇન્ટ ઇન્ટ્રા ડે તૂટી 76249 થયો હતો. તો નિફ્ટી 384 પોઇન્ટ ઘટી 23047 ઇન્ટ્રા ડે લો થયો હતો. સેન્સેક્સ નિફ્ટી 7 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા છે. શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. અહીં શેરબજાર ઘટવાના 4 મુખ્ય કારણ જણાવ્યા છે.
સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો
સેન્સેક્સ 1048 પોઇન્ટના કાડકામાં 76330 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 345 પોઇન્ટના કડાકામાં 23085 બંધ થયો છે. સેન્સેક્સના 30 માંથી 26 શેર અને નિફ્ટી ઈન્ડેક્સના 50 માંથી 46 શેર ડાઉન હતા. ઝોમેટો, 6.6 ટકા, પાવર ગ્રીડ 4.2 ટા, અદાણી પોર્ટ્સ 4 ટકા, ટાટા સ્ટીલ 3.4 ટકા અને એનટીપીસી 3.3 ટકા તૂટ્યા છે.
શેરબજારમાં કડાકાથી રોકાણકારો 12.56 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે શેરબજારમાં ટ્રેડિંગ બંધ થયા બાદ બીએસઇની કુલ માર્કેટકેપ 417.11 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે ગત શુક્રવારે બોમ્બો સ્ટોક એક્સચેન્જની કુલ માર્કેટકેપ 429.67 લાખ કરોડ રૂપિયા હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને અધધધ 12.56 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શેરબજાર ઘટવાના કારણો
વૈશ્વિક શેરબજારના નબળાં સંકેત
વૈશ્વિક શેરબજારના નબળાં સંકેતના લીધે સેન્સેક્સ નિફ્ટી સોમવારે તૂટ્યા છે. એશિયન બજારો સોમવારે નીચલા સ્તરે કારોબાર કરી રહ્યા હતા, કારણ કે શુક્રવારે અમેરિકન બજારો ઘટ્યા હતા. યુએસ જોબ્સ રિપોર્ટે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વહેલી તકે ઘટાડો કરવાની અપેક્ષાઓ ઘટાડી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.21% ઘટીને 2,485 પર ટ્રેડ કરી રહ્યો હતો. એશિયા ડાઉ 1.15% ઘટીને 3,676.11 પર હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.14% ઘટીને 18,847 હતો. ગત શુક્રવારે અમેરિકાનો S&P 500 ઇન્ડેક્સ 1.54% ઘટીને 5,827 પર બંધ થયો. નાસ્ડેક કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.63% ઘટીને 19,161.63 પર બંધ થયો. તો 30 શેરનો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 696.75 પૉઇન્ટ અથવા 1.63% ઘટીને 41,938 હતો.
ક્રૂડ ઓઇલમાં તેજી
ક્રૂડ ઓઇલમાં તેજીથી પણ ભારતીય શેરબજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. WTI ક્રૂડ ઓઈલના ભાવ 1.83% વધીને 77.97 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 1.74% વધીને 81.15 ડોલર બોલાયા હતા. મહેતા ઇક્વિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવ 3 મહિનાની ઊંચી સપાટી પર જોવા મળ્યા છે, જેનું કારણ રશિયાના તેલની નિકાસ પર યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છે. CareEdge Ratings ના એસોસિયેટ ઈકોનોમિસ્ટ મિહિકા શર્મા માને છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ઠંડા હવામાનને કારણે ઉર્જાની માંગમાં વધારો અને ચીન તરફથી નીતિગત સમર્થનની અપેક્ષાને કારણે આવ્યો છે.
વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ભારતીય શેરબજારોમાં વેચવાલી ચાલુ રાખતા સ્થાનીક રોકાણકારોનું મનોબળ નબળું પાડ્યું. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં FII એ રૂ. 21,357.46 કરોડના શેર વેચ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં FIIએ રૂ. 1,77,402.49 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે, FII દ્વારા સતત વેચવાલીનું મુખ્ય કારણ ડૉલર ઇન્ડેક્સમાં સતત તેજી છે, જે હવે 109 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે યુએસ ડોલર સામે રૂપિયો 27 પૈસા તૂટી 86.31 થયો હતો, જે ઐતિહાસિક નીચો ભાવ છે. આ સાથે રૂપિયામાં 2 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025ની શરૂઆતથી રૂપિયો સતત ઘટી રહ્યો છે. રૂપિયાના ઘટાડાની ક્રૂડ ઓઇલની આયાત પડતર, નિકાસ આયાત અને દેશના અર્થતંત્ર પર ઉંડી અસર થાય છે. જો સતત ડોલર સામે રૂપિયો ઘટશે તો ભારતીય અર્થતંત્ર સામે ગંભીર સમસ્યા ઉભી થશે.
એશિયન અને અમેરિકન બજારોમાં ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને FII દ્વારા સતત વેચવાલીથી ભારતમાં શેરબજારના રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us