Gold ETF vs Gold Mutual Funds: સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) બંધ કરી દીધી છે. સોનાની કિંમતમાં ઐતિહાસિક ઉછાળાના પગલે સરકાર માટે આ યોજના ચાલુ રાખવી મુશ્કેલ થઇ ગઇ હતી. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 2850 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટી કુદાવી ગયા છે. તો ભારતમાં પણ સોનાના ભાવ 85000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયા છે. SGB યોજના બંધ કરતા હવે રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવા માટે ઓછા વિકલ્પ બચ્યા છે. ચાલો જાણીયે હવે સોનામાં રોકાણ માટે કઇ યોજનાઓ શ્રેષ્ઠ છે.
Gold Price Record High : સોનામાં તેજીનું કારણ
સોનામાં તેજી પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને જવાબદાર ગણાય છે. કોમોડિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાને જોતા સોનામાં તેજી ચાલુ રહેવાની ધારણા છે.
Sovereign Gold Bond Scheme Close: સોવરિ ગોલ્ડ બોન્ડ સ્કીમ બંધ
સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond (SGB ) યોજના બંધ થયા બાદ હવે ગોલ્ડમાં રોકાણ કરવા માટે ગોલ્ડ ઇટીએફ (Gold ETF) અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold Mutual Fund) વિકલ્પ બચ્યા છે. આ બંને સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરી શકાય છે. જરૂર હોય ત્યારે તમે આ રોકાણ વેચી પૈસા ઉભા કરી શકો છો. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણની તુલનાએ આ બંને વિકલ્પમાં રોકાણ કરવું ઘણું સરળ છે, કારણ કે તેમા સોનાની શુદ્ધાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
ગોલ્ડ ઇટીએફ (Gold ETF)
ગોલ્ડ ઇટીએફ શેરબજારમાં લિસ્ટેડ હોય છે. આથી તેમા રોકાણ કરવું સુરક્ષિત રહે છે. તેમા લિક્વિડિટી પણ સારી હોય છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. એક વાત ધ્યાનમાં રાખવી કે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા પર એન્ટ્રી લોડ અને વેચો ત્યારે એક્ઝિટ લોડ લાગે છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold Mutual Fund)
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઓપન એન્ડેડ ફંડ્સ છે,જે ગોલ્ડ ઇટીએફ યુનિટ્સમાં રોકાણ કરે છે. પ્રત્યેક ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો એક ફંડ મેનેજર હોય છે, જે રોકાણ સંબંધિત નિર્ણય લે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં યુનિટની નેટ એસેટ વેલ્યૂ (NAV) હોય છે. અલબત્ત, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સનું મેનેજમેન્ટ ફંડ મેનેજર કરે છે, જેનાથી લાંબા સમયગાળામાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ માંથી મળતું રિટર્ન ફિઝિકલ સોનાના વળતર કરતા વધારે હોય છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો એક્સપે્શ રેશિયો ગોલ્ડ ઇટીએફની તુલનાએ થોડોક વધારે હોય છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ગોલ્ડ ઇટીએફની તુલનાએ ઓછા પૈસા સાથે રોકાણ શરૂ કરી શકાય છે. આથી નાના રોકાણકારો માટે તેમા રોકાણ કરવું સરળ હોય છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ડિમેટએકાઉન્ટ જરૂરી નથી.





