NSE, BSE Diwali Muhurat Trading 2025 : શેરબજારમાં દર વર્ષની જેમ બીએસઇ અને એનએસઇ પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ થશે. જોકે, આ વખતે ટ્રેડિંગ સત્ર સાંજે નહીં, પરંતુ બપોરે થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ પરિપત્રમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ માટે એક ખાસ ટ્રેડિંગ સત્ર યોજાશે. જો કે આ વખતે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગની તારીખને લઇ મૂંઝવણ ઉભી થઇ છે. 20 કે 21 ઓક્ટોબર શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે છે, સાચી તારીખ અને સમય સહિત તમામ વિગત અહીં જાણો
Diwali Muhurat Trading 2025 Date : દિવાળી ટ્રેડિંગ મુહૂર્ત 2025 તારીખ
હિંદુ પંચાગ મુજબ દિવાળી આસો અમાસ તિથિ પર ઉજવાય છે. આ વખતે 20 ઓક્ટોબર, 2025, સોમવારે દિવાળી ઉજવાશે. જો કે શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબર, 2025ના રોજ થશે. આ દિવસે બપોરે 1.45 વાગે થી 2.45 દરમિયાન મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે.
NSE અને BSE ના પરિપત્ર મુજબ, બંને એક્સચેન્જ પર મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરના રોજ બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી થશે. આ પહેલા એક પ્રી ઓપનિંગ સેશન હશે, જે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે. ગયા વર્ષે, આ ખાસ સેશન સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સમય બદલીને બપોર કરવામાં આવ્યો છે. દિવાળી પર નિયમિત ટ્રેડિંગ બંધ રહે છે, પરંતુ આ ખાસ ટ્રેડિંગ વિન્ડો ફક્ત એક કલાક માટે ખુલ્લી રહેશે.
નવા યુગની શરૂઆત થશે
હિન્દુ પરંપરા અનુસાર, દિવાળી નવા વિક્રમ સંવત 2082 ની શરૂઆત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ સમય દરમિયાન રોકાણ કરવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં રોકાણકારો આ ખાસ ટ્રેડિંગ સેશનમાં ભાગ લે છે. આ ટ્રેડિંગ સેશનનું મહત્વ વધુ પ્રતિકાત્મક છે. આ ટ્રેડિંગ સેશન દરમિયાન નફાકારકતા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
બજારમાં વધઘટ સંભવ
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગનો સમયગાળો ફક્ત એક કલાકનો હોય છે. તેથી, આ સમય દરમિયાન બજારમાં ઝડપી વધઘટ થઈ શકે છે. આમ છતાં, રોકાણકારો તેને તહેવાર તરીકે ઉજવે છે અને નવા રોકાણો શરૂ કરવા માટે તેને યોગ્ય સમય માને છે.
આ પણ વાંચો | શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ માટે 7 શ્રેષ્ઠ શેર, નવા વર્ષે શાનદાર રિટર્ન આપશે
કયા સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે?
NSE અને BSE એ જણાવ્યું હતું કે આ ખાસ ટ્રેડિંગ સેશન દરમિયાન, ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) જેવા તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ શક્ય બનશે.





