Share Market Today News Highlight : શેરબજાર બે દિવસ બાદ વધીને બંધ થયું છે. નીચા મથાળે લેવાલી અને યુએસ ફેટ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટવાના આશાવાદથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. બુધવારે સેન્સેક્સ 575 પોઇન્ટ વધી 82605 અને નિફ્ટી 178 પોઇન્ટ સુધરી 25323 બંધ થયા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82,727 અને નિફ્ટી 25,365 સુધી વધ્યો હતો.
શેરબજાર બુધવારે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82,029 લેવલથી વધીને આજે 82,197 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ સુધરીને 82300 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 35 પોઇન્ટ વધીને 25,181 ખુલ્યો હતો. મોટાભાગના એશિયન શેરબજારો પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. જાપાનનો નિક્કેઇ 550 પોઇન્ટ, હોંગકોંગ 320 પોઇન્ટ, તાઇવાન 360 પોઇન્ટ સુધી વધીને ટ્રેડ થઇ રહ્યા છે.
યુએસ ફેડ વ્યાજદર ઘટાડશે?
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવિલની ટીપ્પણી બાદ ચાલુ મહિને ફેડ રેટ ઘટવાના સંકેત મળ્યા છે, જેના પગલે અમેરિકન ડોલર નરમ પડ્યો છે. યુએસ અને ચીન વચ્ચે ચાલી રહેતા ટેરિફ વિવાદ વચ્ચે મંગળવારે ડોલર અન્ય કરન્સી બાસ્કેટ સામે નબળો પડ્યો હતો. ફ્રાંસ સરકાર દ્વારા ઐતિહાસિક પેન્શન સુધારાના પ્રસ્તાવને સ્થગિત કર્યા બાદ યુરો ડોલર સામે મજબૂત થયો છે.
Keystone Realtors ના પ્રમોટર 10 ટકા નીચા ભાવે શેર વેચશે
રિયલ એસ્ટેટ કંપની ક્રીસ્ટોન રિયલ્ટર્સના પ્રમોટર્સ કંપનીમાં પોતાનો 3 ટકાથી વધુ શેરહોલ્ડિંગ 10 ટકા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાના છે. શેરબજારને આપેલી જાણકારી મુજબ, કંપનીના પ્રમોટર 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 45.76 લાખ શેર 550 રૂપિયા ફ્લોર પ્રાઇસથી વેચશે, જે મંગળવારના બંધ શેર ભાવથી 10 ટકા નીચો ભાવ છે. આ ઓફર ફોર સેલ લગભગ 252 કરોડ રૂપિયાનો છે. આ OFS 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર ખુલ્લી રહેશે. સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગા નિયમનું પાલન કરવા માટે પ્રમોટર્સ કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. હાલ કંપનીમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ 78.34 ટકા છે, જે ઘટાડીને 75 ટકા કરવાનું છે. પ્રમોટર્સ દ્વારા શેર વેચવાના સમાચાર બાદ આજે બીએસઇ ક્રીસ્ટોન રિયલ્ટર્સનો શેર 4 ટકાથી વધુ ઘટી 587 રૂપિયા બોલાયો હતો.