Share Market Today News : શેરબજારમાં રિકવરીથી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને થયા હતા. સેન્સેક્સ 555 પોઇન્ટ વધીને 80364 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 80400 લેવલ કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 198 પોઇન્ટ વધી 24625 બંધ થયો છે. શેરબજારની રિકવરીમાં ઓટો સ્ટોકનું મોટું યોગદાન છે.
શેરબજારમાં મજબૂત ટ્રેન્ડ સાથે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79809 થી ઉંચા ગેપમાં સોમવારે 79828 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેરમાં સુધારાથી સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો અને 80100નું લેવલ કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 24432 લેવલ પર ફ્લેટ ખુલ્યો હતો. શેરબજારમાં સુધારા સાથે 80 પોઇન્ટની મજબૂતીમાં 24500 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
એશિયાના શેરબજારમાં મિશ્ર વલણ
સપ્તાહના પ્રથમ દિવસે એશિયાના શેરબજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનીઝ માર્કેટમાં 850 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. તો તાઇવાન 250, જકાર્તા 152 પોઇન્ટ અને કોરિયન શેરબજાર 34 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા હતા. હોંગકોંગ માર્કેટ 451 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યું હતું. જો કે ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 29 પોઇન્ટના સુધારામાં ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો.
ઓગસ્ટમાં FIIની 34,993 કરોડની વેચવાલી, 6 મહિનામાં સૌથી વધુ
વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાં વેચવાલી યથાવત છે. ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FII) એ ઓગસ્ટમાં 34993 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે, જે છેલ્લા છ મહિનાનો સૌથી મોટો આંકડો છે. આની અગાઉ ફેબ્રુઆરીમાં 34574 કરોડ રૂપિયાનો FII આઉટફ્લો નોંધાયો હતો. તો ગત જુલાઇમાં વિદેશી રોકાણકારોએ 17741 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. આ સાથે વર્ષ 2025માં ઓગસ્ટ મહિના સુધી FIIનો આઉટફ્લો રૂ. 1.3 લાખ કરોડે પહોંચ્યો છે.