RBI Rules For Silver Loan : ગોલ્ડ લોન જેમ હવે સિલ્વર લોન પણ મળશે. જે લોકો પાસે સોનું નથી પણ ચાંદી અને પૈસાની જરૂરી છે, તેઓ હવે બેંકો કે ફાઈનાન્સ કંપનીઓ પાસે ચાંદી ગીરવે મૂકીને લોન મેળવી શકે છે. RBI (આરબીઆઈ) દ્વારા સિલ્વર લોન અંગે નિયમ જારી કરવામાં આવ્યા છે. ચાલો જાણીય સિલ્વર લોનના નિયમ અને લોનના વ્યાજદર કેટલા હોઇ શકે છે?
હવે કોમર્શિયલ બેંકો, NBFCs, સહકારી બેંકો તેમજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ લોકોને ચાંદીના દાગીના, સિક્કા સામે લોન આપી શકે છે. જો કે ચાંદીની લગડી ઇંટ એટલે કે બુલિયન પર લોન આપવાની મંજૂરી મળશે નહીં, જેથી સટ્ટાકીય પ્રવૃત્તિ રોકી શકાય. RBIની ગાઇડલાઇન મુજબ 1 એપ્રિલ 2026થી ચાંદી સામે લોન એટલે કે સિલ્વર લોન મેળવી શકાશે.
કોને ફાયદો થશે?
નિષ્ણાંતોનું માનવું છે કે, આરબીઆઈના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તાર અને ઓછી ધરાવતા લોકોને મોટી રાહત મળશે. સોનાની તુલનામાં ચાંદી સસ્તી હોય છે. આથી ઘણા લોકો ચાંદી ગીરવે મૂકી તેની આકસ્મિક નાણાકીય જરૂરિયાત માટે ભંડોળ પ્રાપ્ત કરી શકશે.
કેટલા સોના અને ચાંદીના દાગીના ગીરવે મૂકી શકાય?
- સોનાના દાગીના : 1 કિલો સુધી
- સોનાના સિક્કા : 50 ગ્રામ સુધી
- ચાંદીના દાગીના : 10 કિલો સુધી
- ચાંદીના સિક્કા : 500 ગ્રામ સુધી
આ મર્યાદા એક ધિરાણ લેનાર વ્યક્તિના તમામ ખાતામાં કુલ મળીને લાગુ થશે
સિલ્વર લોનના વ્યાજદર કેટલા હશે?
અલબત્ત સિલ્વર લોનના વ્યાજદર ગોલ્ડ લોનની તુલનામાં થોડાંક ઉંચા હોઇ શકે છે, કારણ કે ચાંદીના ભાવમાં ઝડપી વધઘટ થાય છે.
ચાંદીના દાગીના પર કેટલી લોન મળશે?
આરબીઆઈ એ સિલ્વર લોન માટે મહત્તમ લોન ટુ વેલ્યૂ રેશિયો નક્કી કર્યો છે. બેંક ચાંદીના દાગીના કે સિક્કાની બજાર મૂલ્યના 85 ટકા સુધી લોન આપી શકે છે. આની માટે 2.5 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. તેવી જ રીતે 2.5 લાખ થી 5 લાખ સુધીની લોન માટે 80 ટકા અને 5 લાખ રૂપિયા સુધીની સિલ્વર લોન માટે 75 ટકા સુધીનો લોન ટુ વેલ્યૂ રેશિયો નક્કી કર્યો છે.
સરળ શબ્દોમાં કહીયે તો જો તમારી પાસે 1 લાખ રૂપિયાના મૂલ્યની ચાંદી છે તો તમને 85,000 રૂપિયા સુધી બેંક સિલ્વર લોન આપી શકે છે.
RBI સોલ્વર લોનના કડક નિયમ
સોના અને ચાંદી સામે લીધેલી લોનની સંપૂર્ણ ચૂકવણી કર્યા બાદ ગીરવે મૂકેલા સોના કે ચાંદી તે દિવસે અથવા કામકાજના 7 દિવસની અંદર પરત કરવાના રહેશે. નિર્ધારિત દિવસમાં પરત ન ચૂકવવા પર સોના ચાંદીના માલિકને બેંક દૈનિક 5000 રૂપિયાના હિસાબે વળતર આપશે. જો ગીરવે મૂકેલા દાગીના ખોવાય જાય અથવા તૂટી જાય તો સંપૂર્ણ વળતર આપવું ફરજિયાત છે.
સિલ્વર લોન ન ચૂકવવાના કિસ્સામાં દાગીનાની હરાજી કરવાની પહેલા મૂળ માલિકીને પ્રથમ નોટિસ આપવી પડશે અને રિઝર્વ પ્રાઇસ બજાર મૂલ્યના ઓછામાં ઓછા 90 ટકા નક્કી કરવું પડશે. તમામ શરતો લોન લેનાર વ્યક્તિને સ્થાનિક ભાષામાં જણાવવી પડશે અને જો વ્યક્તિ અશિક્ષિત છે તો એક સ્વતંત્ર ગવાહની હાજરીમાં સમજાવવું પડશે.





