સર્ચ એન્જિન ગુગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક (Alphabet Inc)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વૈભવી ઘરમાં રહે છે. 31.17 એકરમાં ફેલાયેલા પિચાઈના ઘરની સુંદરતા માત્ર તેના ઈન્ટિરિયર સુધી સીમિત નથી, ઘર જે વિશાળ ખુલ્લી જગ્યામાં આવેલું છે તેનો નજારો પણ આકર્ષક છે. ખરેખર, ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવનું ઘર કેલિફોર્નિયાના લોસ અલ્ટોસમાં એક પહાડની ટોચ પર છે.
લક્ઝુરિયસ ઘરની ખાસિયતો
પહાડીની ટોચ પર સુંદર પિચાઈના ઘરમાં ઈન્ફિનિટી પૂલ છે. આ એક ખાસ પ્રકારનો સ્વિમિંગ પૂલ છે, જેમાં પાણી લગભગ પૂલની દિવાલ સાથે બરાબર વહ્યા કરે છે. પિચાઈએ ઘરમાં જિમ મ્યુઝિયમ પણ બનાવ્યું છે. જિમ મ્યુઝિયમ માટે એક મોટો રૂમ છે, જેમાં કસરત માટે વપરાતા સાધનો રાખવામાં આવ્યા છે. તેમજ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવાની પણ વ્યવસ્થા છે. ઘરમાં ડ્રિંક માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં અનેક પ્રકારની વાઈન મૂકવામાં આવી છે.
ઘરમાં પર્સનલ સ્પા પણ છે. આખું ઘર આધુનિક સુવિધાઓ અને સોલાર પેનલથી સજ્જ છે. બાળકોની સંભાળ રાખનારા સહાયકો માટે પણ ઘરમાં એક અલગ જગ્યા નક્કી કરવામાં આવી છે. ઘરની ભવ્યતા તેના નિર્માણ – બાંધકામ પાછળ થયેલા ખર્ચ પરથી જાણી શકાય છે.
પિચાઇની પત્નીએ કર્યુ છે ઘરનું ‘સુંદર’ ઇન્ટિનિયર
ઘરનું ઇન્ટિનિયર સુંદર પિચાઇની પત્ની અંજલી પિચાઇએ જાતે કર્યું છે. ઘરની અંદર ઇન્ટિનિયરને પોતાની મરજી મુજબનું બનાવવા માટે 49 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર, સુંદર પિચાઇ એ આ ઘર પાછલા વર્ષ 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 328 કરોડ રૂપિયામાં ખરીદ્યુ છે. ત્યારબાદ આ ઘરની કિંમત ઘણી વધી ગઇ છે.
ઓફિસનું કામકાજ પૂરું કર્યા બાદ સુંદર પિચાઈ તેમની પત્ની અને બે બાળકો સાથે તેમના ઘરે પાછા ફર્યા. આ પરિવારમાં જ્યોફ્રી નામનું એક કુરકુરિયું પણ છે. 2015માં ગૂગલના સીઈઓ બન્યા બાદ પિચાઈએ તેમના બાળકોને વચન આપ્યું હતું કે તેઓ દરરોજ સમયસર ઘરે આવશે. પિચાઈ શાકાહારી છે. તે સમગ્ર દિવસમાં થોડોક સમય એક્સરસાઇઝ માટે સમય કાઢવાનો પ્રયત્ન કરે છે. તેઓ ક્રિકેટના પણ શોખીન છે.
સુંદર પિચાઈ પાસે કેટલી સંપત્તિ છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર સુંદર પિચાઈની કુલ સંપત્તિ 1310 મિલિયન ડોલરથી વધુ છે. તેમની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાં થાય છે. પિચાઈનો પગાર વર્ષ 2020થી 20 લાખ ડોલર છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ 16 કરોડ 44 લાખ રૂપિયાથી વધુ છે. પિચાઈ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા સીઈઓની યાદીમાં સામેલ છે. કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ કંપનીએ 2022માં CEO સુંદર પિચાઈને 226 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.
ગૂગલે હજારો કર્મચારીઓની છટણી કરી
જાન્યુઆરીમાં ગુગલના સીઇઓ તરફથી લખાયેલા એક પત્રમાં આ વાત સામે આવી હતી કે કંપની 12,000 લોકોને નોકરીમાં બરતરફ કરશે. જે કંપનીના કુલ કર્મચારીના 6 ટકા જેટલા છે. માત્ર ગૂગલ ઇન્ડિયાએ 400થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા હતા. કંપની કોસ્ટ કટિંગના નામે કર્મચારીઓને અગાઉ આપવામાં આવી રહેલી ઘણી સુવિધાઓ બંધ કરી રહી છે. જેમાં મફત નાસ્તો-સ્નેક્સ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગૂગલે લેપટોપ જેવા પર્સનલ ઇક્વિપમેન્ટનો ખર્ચ આપવાનું પણ બંધ કરી દીધું છે.
ભારત સરકારથી પદ્મ ભૂષણથી સમ્માનિત
પાછલા વર્ષે ભારત સરકારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કર્યો. એવોર્ડ મેળવ્યા બાદ સુંદર પિચાઈએ એક બ્લોગ લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભારત તેમનો એક અંગ છે જે હંમેશા તેમની સાથે છે. તેણે લખ્યું હતું કે, “હું જ્યાં પણ જાઉં છું, હું મારી અંદરના ભારતને મારી સાથે લઈ જઉં છું. આ સુંદર સન્માનને સુરક્ષિત રાખીશ, મને બનાવનાર દેશ તરફથી આ સન્માન મેળવવું અવિશ્વસનીય છે.