Tata Capital IPO Share Listing Gain : ટાટા કેપિટલ કંપનીનું શેર લિસ્ટિંગ એકંદરે નિરાશાજનક રહ્યું છે. 2025નો સૌથી મોટો IPO લાવનાર કરનારી કંપની ટાટા કેપિટલનું શેર લિસ્ટિંગ 13 ઓક્ટોબર, 2025ના રોજ થયું છે. BSE પર ટાટા કેપિટલનું શેર લિસ્ટિંગ 330 રૂપિયાના ભાવે થયું છે, જ્યારે IPO ઇશ્યુ પ્રાઇસ 326 રૂપિયા છે. એટલે કે આઈપીઓ રોકાણકારોને ટાટા કેપિટલના શેર લિસ્ટિંગ પર માત્ર 1 ટકા કે 4 રૂપિયાનું લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. અલબત્ત આ IPOને મજબૂત સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. નબળાં શેર લિસ્ટિંગ માટે આઈપીઓ રોકાણકારોને મૂંઝવણમાં છે કે, ટાટા કેપિટલના શેરિ લસ્ટિંગ બાદ શેર વેચવા, હોલ્ડ કરવા કે નવા ખરીદવા?
ટાટા કેપિટલ : સબ્સ્ક્રિપ્શન વિગતો
- લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs): 3.42 ગણા
- બિન સંસ્થાકીય રોકાણકારો: 1.98 ગણા
- રિટેલ રોકાણકારો: 1.09 ગણા
- કર્મચારીઓનો હિસ્સો: 2.89 ગણા
- કુલ સબ્સક્રિપ્શન : 1.96 ગણા
એન્ટિક સ્ટોક બ્રોકિંગ : કંપનીના ભવિષ્ય અંગે અભિપ્રાય
બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, ટાટા કેપિટલ એક મજબૂત જૂથની અંદર એક ડાઇવર્સિફાઇડ NBFC છે . તે ટાટા ગ્રૂપની મુખ્ય ફાઈનાન્સ સર્વિસ કંપની છે અને ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની) ની પેટાકંપની છે. CRISIL ના અહેવાલ મુજબ, TCL ભારતની ત્રીજી સૌથી મોટી ડાઇવર્સિફાઇડ NBFC છે.
30 જૂન, 2025 સુધીમાં TCL ની કુલ લોન ₹ 2.33 લાખ કરોડ હતી. જેમા 61.3 ટકા રિટેલ ફાઇનાન્સ, 26.2 ટકા SME ફાઇનાન્સ અને 12.5 ટકા કોર્પોરેટ ફાઇનાન્સ હતુ. કંપનીની જવાબદારીઓ પણ સારી રીતે વૈવિધ્યસભર છે અને તે CRISIL, ICRA, CARE અને ઇન્ડિયા રેટિંગ્સમાંથી સૌથી વધુ AAA રેટિંગ ધરાવે છે.
મે 2025 માં, ટાટા મોટર ફાઇનાન્સ, જેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 30,200 કરોડ (1 એપ્રિલ, 2024 ના રોજ) હતી, તેને TCL સાથે મર્જ કરવામાં આવી. TCL હવે દેશભરમાં એક મજબૂત અને વૈવિધ્યસભર ઓમ્ની-ચેનલ નેટવર્ક તરીકે કાર્ય કરે છે.
કંપનીની ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1516 બ્રાન્ચો છે. 42 ટકા બ્રાન્ચો દક્ષિણ ભારતમાં, 23.3 ટકા બ્રાન્ચ ઉત્તર ભારતમાં, 19.2 ટકા બ્રાન્ચ પૂર્વ ભારતમાં અને 15.6 ટકા બ્રાન્ચ પશ્ચિમ ભારતમાં છે.
કેનેરા બેંક સિક્યોરિટીઝ: કંપનીના ભવિષ્ય અંગે અભિપ્રાય
કેનેરા બેંક સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, કંપની ભારતના ઝડપથી વિકસતા NBFC સેક્ટરમાં સારી સ્થિતિ ધરાવે છે. ડિજિટલ ઇનોવેશન દ્વારા સમર્થિત રિટેલ અને SME લોન સેગમેન્ટમાં તેની મજબૂત સંભાવના છે. તેનો ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો, ટાટા બ્રાન્ડમાં વિશ્વાસ, સંતુલિત ભંડોળ વ્યવસ્થાપન, ઉત્તમ સંપત્તિ ગુણવત્તા અને AI-આધારિત “ફિજીટલ” મોડેલ (ભૌતિક + ડિજિટલ) તેની લાંબા ગાળાની વૃદ્ધિ સંભાવનાને મજબૂત બનાવે છે.
બ્રોકરેજ કહે છે કે ટાટા મોટર્સ ફાઇનાન્સના મર્જરની અસરો ધીમે ધીમે ઓછી થશે. કંપની પાસે AAA રેટિંગ અને મજબૂત ફંડિંગ પ્રોફાઇલ છે. ભારતનો આર્થિક વિકાસ અને ડિજિટલ અપનાવવાની લહેર કંપનીના વ્યવસાયને ટેકો આપે છે. જોકે, જોખમોમાં નિયમોમાં ફેરફાર, વ્યાજ દરોમાં વધઘટ અને સ્પર્ધાનો સમાવેશ થાય છે.
(ડિસ્ક્લેમર: કંપનીની સ્ટોક સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પોર્ટલના પોતાના અભિપ્રાય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)