Train Tatkal Ticket Booking Rule : ટ્રેન ની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે. પશ્ચિમ રેલવેએ ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવનારા વપરાશકર્તાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા ફેરફાર અનુસાર, હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પેસેન્જરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે.
ટ્રેનની તત્કાલ ટિકિટ માટેના નવા નિયમ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આઇઆરસીટીસીની વેબસાઇટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ બુકિંગ ચેનલો પર ઉપલબ્ધ છે. એટલે કે નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઓફલાઈન કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવશો, ઓટીપી વેરિફિકેશન વગર બુકિંગ નહીં થાય.
પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે પેસેન્જર દાખલ કરશે તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને ઓટીપીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે. ”
ઉલ્લેખનીય છે કે રેલવેએ જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે ‘આધાર’ ઓટીપી સિસ્ટમ લાગુ કરી હતી. આ પછી ઓક્ટોબર 2025માં તમામ જનરલ કોચના રિઝર્વેશન બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. અને ટિકિટિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બની ગઈ.
તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2025 માં, રેલવેએ કાઉન્ટર બુકિંગ માટે ઓટીપી આધારિત તત્કાલ ટિકિટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હાલમાં આ સિસ્ટમ 52 ટ્રેનો પર લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરતી વખતે, પેસેન્જરના ફોર્મમાં લખેલા મોબાઇલ નંબર પર ઓટીપી મોકલવામાં આવે છે અને વેરિફિકેશન પછી જ ટિકિટ જારી કરવામાં આવે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે.





