અમેરિકાનું બેન્કિંગ સેક્ટર કટોકટીમાં ફસાયું છે અને તેની માઠી અસર ભારત સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની નાદાર થઇ રહેલી બેંકોમાં ભારતીય કંપનીઓનું જંગી રોકાણ હોવાની ચિંતા સતાવી રહી છે. અમેરિકન ફર્મ જેપી મોર્ગનના એનાલિસ્ટોએ જણાવ્યું કે, ભારતની ટોચની આઇટી કંપની – ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ફોસિસ અમેરિકાની રિજનલ બેંકોમાં સૌથી વધુ એક્સ્પોઝર ધરાવે છે જે હાલ નાણાંકીય કટોકટીની સમસ્યાનો સામનો કરી રહી છે.
જેપી મોર્ગને એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, અમેરિકાની રિજનલ બેંકનો ભારતની આઇટી કંપનીઓનો આવકનો 2થી 3 ટકા હિસ્સો છે. વધુમાં ઉમેર્યું કે, તાજેતરમાં નાદાર થયેલી સિલિકોન વેલી બેંકમાં ભારતની ટીસીએસ, ઇન્ફોસિસ અને નાની હરીફ આઇટી કંપની LTIMindtreeનું એક્સપોઝર 0.1 ટકાથી 0.2 ટકા જેટલું હોઇ શકે છે, જેમાં ટાટા ગ્રૂપની આઇટી કંપનીનું સૌથી વધારે છે.
જેપી મોર્ગને એક નોટમાં જણાવ્યું હતું કે, સિલિકોન વેલી બેંકની નાદારીને કારણે તેમાં રહેલા એક્સપોઝરને ધ્યાનમાં રાખતા આ ત્રણેય આઇટી કંપનીઓએ ચોથા ક્વાર્ટરમાં અલગથી પ્રોવિઝન (નાણાંકીય જોગવાઇ) કરવાની જરૂર પડી શકે છે.
જેપી મોર્ગને વધુમાં જણાવ્યું છે કે, “સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંકનું પતન તેમજ સમગ્ર અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં નાણાંકીય તરલતાની ચિંતાઓ બેંક ટેક બજેટમાં ધીમી વૃદ્ધિ સાથે એક વર્ષમાં ટૂંકા ગાળામાં બેંકો દ્વારા ટેક ખર્ચમાં મોટો ઘટાડો કરી શકે છે,” જેપી મોર્ગન આ સેક્ટર અંગે “અંડરવેઇટ” રેટિંગ આપે છે.
અત્રે નોંધનીય છે કે, ભારતનો IT ઉદ્યોગ પહેલાથી તેના મુખ્ય માર્કેટ્સ યુરોપ અને અમેરિકામાં પડકારોનો સામનો કરી રહ્યો છે, જ્યાં મહામારી બાદ લાંબા ગાળાના સોદાઓ પર નિર્ણય લેવામાં વિલંબ વચ્ચે ટેક્નોલોજી ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે.
બવે બેંકિંગ કટોકટી આ સોદામાં વધારે વિલંબનું કારણ બની શકે છે, જે આગામી બે ક્વાર્ટરમાં આવક સર્જનમાં મોટો અવરોધ ઉભો કરી શકે છે, એવું જેપી મોર્ગને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતની IT કંપનીઓ તેમની આવકનો મોટો હિસ્સો બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ (BFSI) સેક્ટરમાંથી મેળવે છે.
જેપી મોર્ગને જણાવ્યું હતું કે, ભારતની આઇટી કંપનીઓનું અમેરિકાના BFSI સેક્ટરમાં 62 ટકા અને યુરોપના સેક્ટરમાં 23 ટકા એક્સપોઝર છે. અલબત્ત, LTIMindtree કંપનીએ ચાલુ સપ્તાહમાં જણાવ્યું હતું કે, સિલિકોન વેલી બેંક સહિત અમેરિકાની રિજનલ બેંકમાં તેનું એક્સપોઝર નગણ્ય છે.