Term Insurance -Life Insurance Benefits and Difference: આજના અનિશ્ચિતભર્યા સમયમાં નાણાંકીય સુરક્ષામાં વીમા પોલિસી એટલે કે ઇન્સ્યોરન્સ પોલિસી મહત્વની ભૂમિકા ભજવે છે. વીમા પોલિસી લેતી વખતે એ વાતની ખાતરી કરી લેવી જરૂરી છે કે તમને લાઇફ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ બંનેના ફાયદા અને તફાવત વિશે પુરતી જાણકારી છે. આવું એટલા માટે પણ જરૂરી છે કે, તમે જે પોલિસી કવર ખરીદી રહ્યા છો તેનો સંપૂર્ણ લાભ તમને મળી શકે. હકીકતમાં, ટર્મ ઈન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત ઘણીવાર ગૂંચવણમાં મૂકે છે. તમને મદદ કરવા માટે, અહીં બંને લોકપ્રિય વીમા પોલિસી વચ્ચેનો તફાવતની સમજૂતી આપવામાં છે. તમામ પાસાઓ અને તફાવત સમજીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.
ટર્મ ઇન્શ્યોરન્સ શું છે?
ટર્મ ઈન્સ્યોરન્સ એ વીમા પોલિસીનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે 5 વર્ષથી 30 વર્ષ સુધીના ચોક્કસ સમયગાળા માટે સુરક્ષા પ્રદાન કરે છે. ટર્મ ઇન્સ્યોરન્સ એ પોલિસીની મુદત દરમિયાન વીમાધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં, પરિવારના સભ્યોને પૂર્વનિર્ધારિત વીમા રકમનો લાભ આપે છે. ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કોઈ કેશ વેલ્યૂ અથવા બચત સમાવેશ થતો નથી, જે તેને અન્ય પ્રકારની જીવન વીમા યોજનાઓ કરતાં વધુ સસ્તું બનાવે છે.
જીવન વીમા એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ શું છે?
લાઇફ ઇન્સ્યોરન્સ એટલે કે જીવન વીમા પોલિસીમાં તમામ પ્રકારની પોલિસીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારના ઇન્સ્યોરન્સ કવરેજમાં, પોલિસીધારકને સુરક્ષાની સાથે રોકાણના લાભો પણ મળે છે. આ પૉલિસીઓ લાઇફ કવરેજને રોકાણના ઘટક સાથે જોડે છે, જેનાથી પૉલિસીધારકને સમય જતાં સંપત્તિ સર્જન કરવામાં મદદ મળે છે. જીવન વીમા પૉલિસીમાં સમગ્ર જીવનની યોજનાઓ, મની-બેક પૉલિસીઓ, યુનિટ-લિંક્ડ વીમા યોજનાઓ (યુલિપ) અને એન્ડોમેન્ટ યોજનાઓનો સમાવેશ થઈ શકે છે. આમાં, પોલિસીધારકને મૃત્યુ લાભ અને પાકતી મુદતનો લાભ પણ મળે છે, જેમાં જો વીમાધારક પોલિસીની મુદત સુધી જીવે તો પોલિસીના નાણાં તેમને ચૂકવાય છે.
BankBazaar.com ના આદિલ શેટ્ટી સમજાવે છે કે નાણાકીય સુરક્ષા ઇચ્છતા રોકાણકારો માટે ટર્મ ઇન્શ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત સમજવો મહત્વપૂર્ણ છે. ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીધારકને ચોખ્ખું રક્ષણ પૂરું પાડે છે જ્યારે જીવન વીમા પોલિસી એ કર લાભ અને રક્ષણ પૂરું પાડે છે. તમારી જરૂરિયાતો અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોનું મૂલ્યાંકન કરીને, તમે તમારી કસ્ટમાઇઝ્ડ વીમા યોજના પસંદ કરી શકો છો. આવી સ્થિતિમાં, પોલિસી ખરીદનાર વ્યક્તિએ એવી યોજના પસંદ કરવી જોઈએ જે જરૂરિયાતોને અનુરૂપ હોય અને સમયસર તેમને નાણાકીય સુરક્ષા આપે.
ટર્મ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત
ઇન્સ્યોરન્સ પોલિસીનો ઉદ્દેશ્ય
ટર્મ ઇન્શ્યોરન્સ મુખ્યત્વે પોલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં પરિવારના સભ્યોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. તો જીવન વીમા યોજનામાં નાણાંકીય સુરક્ષા ઉપરાંત તે સંપત્તિ સર્જન અને અન્ય નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે રોકાણ તરીકે પણ કામ કરે છે.
ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ
ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીમાં સામાન્ય રીતે ઓછી રકમનું પ્રીમિયમ હોય છે કારણ કે તે માત્ર રક્ષણ પૂરું પાડે છે. સુરક્ષાની સાથે રોકાણની સુવિધાને કારણે જીવન વીમા યોજનાઓનું પ્રીમિયમ વધારે હોય છે.
ઇન્સ્યોરન્સ પોલિસીની ટર્મ / વીમા પોલિસીની મુદ્દત
ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીની એક ચોક્કસ મુદ્દત હોય છે અને જો સમયસર પ્લાનને રિન્યુ ન કરવામાં આવે તો પોલિસી કવરેજ સમાપ્ત થાય છે. જીવન વીમા પૉલિસીની મુદત લાંબી હોય છે, તે પૉલિસીધારકના સમગ્ર જીવનકાળને પણ આવરી લે છે.
કેશ વેલ્યૂ
ટર્મ ઈન્સ્યોરન્સમાં કોઈ રોકડ નાણાં જમા થતા નથી અને તેમાં લોનની કોઈ સુવિધા નથી. તેનાથી વિપરીત, જીવન વીમા સ્વરૂપે નાણાંની બચત થાય છે અને તેના પર લોન પણ મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બંનેમાંથી કયું બેસ્ટ છે? ટ્રાન્ઝેક્શન વખતે કઇ વાતો ધ્યાનમાં રાખવી
મેચ્યોરિટીનો લાભ
ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ્સ નથી. તેમાં માત્ર મૃત્યુની સ્થિતિમાં જ લાભ આપે છે. જીવન વીમા યોજનાના પ્રકારના આધારે, પૉલિસીધારકને પૉલિસીની મુદત પૂરી થયા પછી હયાતીમાં પાકતી મુદતે પણ લાભ મળે છે.





