McDonald stores drop tomato from their menu : ટામેટાના આસમાને પહોંચેલા ભાવથી સામાન્ય વ્યક્તિની સાથે સાથે હોટેલ – રેસ્ટોરન્ટવાળા પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ફૂડ સ્ટોર સંચાલકોએ મોંઘા ભાવના ટામેટા ખરીદવાનું ન પોસાતા તેનો વપરાશ ઘટાડી દીધો છે અથવા તો સદંતર બંધ કરી દીધો છે. અમેરિકાની મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ સ્ટોર ચેઇન મેકડોનાલ્ડસે તેના મેનૂ માંથી ટામેટાનો હટાવી દીધા છે, જેની ચારેકોર ચર્ચા થઇ રહી છે. આ નિર્ણયથી મેકડોનાલ્ડ્સના ફૂડના શોખિનોને હાલ પુરતા ટામેટાનો સ્વાદ ચાખવા નહીં મળે.
મેકડોનાલ્ડ્સના મેનુમાંથી ટામેટા ગાયબ
મેકડોનાલ્ડ્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા તેના મેનુમાંથી ટામેટાને હટાવવી દીધા છે. મેકડૉનલ્ડ્સે કહ્યું છે કે હવામાનમાં ફેરફારને કારણે અને અમારી તમામ પ્રયાસો કરવા છતાં પણ અને સારી ક્વોલિટીવાળા ટામેટા મળી રહ્યા નથી. તેથી અમારા કેટલાક આઉટલેટ્સના મેનૂમાંથી ટામેટા મળશે નહીં. મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (નોર્થ અને ઇસ્ટ)ના અમૂક રેસ્ટોરન્ટ્સમાં મેનુમાંથી ટામટા ગાયબ થઇ ગયા છે.
મેકડોનાલ્ડ્સના દિલ્હી સ્થિત એક સ્ટોરમાં ટામેટાને મેનુમાંથી દુર કરવામાં આવ્યા હોવા બાબતે એક નોટિસ પણ લાગડવામાં આવી છે.
ટામેટાના ભાવ કેમ વધ્યા
હકીકતમાં થોડા સમય પહેલા સુધી ખેડૂતોને તેમના ટામેટાના યોગ્ય ભાવ પણ મળતા ન હતા. આવી સ્થિતિમાં અનેક ખેડૂતોએ તેમનો ટામેટાનો પાક ફેંકી દીધો હતો. તે સમયે સ્થિતિ થઇ ગઇ કે મે મહિનામાં મહારાષ્ટ્રના નાસિકમાં ટામેટાના ભાવ ગગડીને 1 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ એકદમ પલટાઇ ગઇ અને 1 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા હાલ 250 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. ચોમાસામાં વિલંબ અને ઓછા વરસાદની અસરે પણ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં ટામેટાની સપ્લાય ઓછી છે. જો કે સરકારનું કહેવુ છે કે, આ વધારો કામચલાઉ છે.
1 કિલો ટામેટાનો ભાવ રેકોર્ડ બ્રેક 250 રૂપિયા બોલાયો
લાલઘૂમ ટામેટાના ભાવ સાંભળીને જ ગૃહિણીઓના ચહેરાનો કલર ઉડી ગયો છે. દસેક દિવસ પહેલા ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો થયા હતા જે હાલ સતત વધીને ઉત્તર ભારતમાં 250 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે, જે અત્યારસુધીનો સૌથી ઉંચો ભાવ છે. ભારતના મુખ્ય શહેરોમાં ટામેટાના ભાવ હાલ 150થી 180 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ વેચાઇ રહ્યા છે. તો ઉત્તરાખંડમાં ગંગોત્રી અને ઉત્તરકાશીમાં હાલ ટામેટાનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો થયો છે જે વિક્રમી ઉંચો ભાવ છે. સ્થાનિક વેપારઓએ કહ્યુ કે, આટલા ઉંચા ભાવના ટામેટા ખરીદવા કોઇ તૈયાર નથી.
તમિલનાડુની સરકારે રાહત ભાવ ટામેટાનું વેચાણ શરૂ કર્યુ
મોંઘા ટામેટાથી લોકોને રાહત આપવા હેતુ તમિલનાડુની સરકારે રેશનિંગની દુકાનો પર ઓછા ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યુ છે. ચેન્નઇમાં રેશનિંગની દુકાન પર 60 રૂપિયા પ્રતિ કિલોના રાહત ભાવે ટામેટાનું વેચાણ થઇ રહ્યુ છે.





